અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા ‘ઇનોવેશન ઇન મેથેમેટિક ટીચિંગ એટ પ્રાઇમરી ગ્રેડ’ વિષય પર અમદાવાદની જાણીતી સીબીએસસઇ સ્કૂલોના 50 શિક્ષકોને ગણિતને પ્રવૃત્તિ દ્વારા કઇ રીતે શીખવી શકાય તેના પર એક વર્કશોપનું આયોજન કરાયું હતું. તજજ્ઞોએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં ગણિતને માત્ર કેલ્ક્યુલેશનના વિષય તરીકે નહીં, પરંતુ વિજ્ઞાન, ઇતિહાસ અને કલાનો સમન્વય કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો જોઇએ. શિક્ષકે માત્ર પાઠ્યપુસ્તકના આધારે નહીં પરંતુ પ્રવૃત્તિ દ્વારા જ શિક્ષણ પર વધારે ભાર આપવો જોઇશે. બાળકોમાં ગણિતના ડરને દુર કરવા માટે ગણિતને રસપ્રદ વિષય બનાવવો જોઇશે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા કરીક્યુલમની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરાઇ છે. જે અંતર્ગત નર્સરીથી ધો.4 સુધીના શિક્ષકોએ ગણિતની સાથે પાયાનું જ્ઞાન બાળકોને માત્ર પાઠ્યપુસ્તકને આધારે નહીં પરંતુ પ્રવૃત્તિ દ્વારા કઇ રીતે આપી શકાય તેના પર વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં લેખિકા આશાલતા બદામીએ શિક્ષકોને જણાવ્યું હતું કે, ગણિતને માત્ર ગણતરીના વિષય તરીકે ભણાવવામાં આવે છે, તેથી બાળકો જ્યારે આગળના ધોરણમાં જાય છે ત્યારે મુશ્કેલી આવે છે. ગણિતને પર્યાવરણ, આસપાસના વાતાવરણ, રમતોની સાથે સરળ બનાવી સમજાવવું જોઇએ.
વાલીએ શિક્ષકો પર ભરોસો વધારવો પડશે
તજજ્ઞોના મતે, બાળકને વાલી પણ ઘરે અભ્યાસ કરાવે છે. પરંતુ જ્યારે સ્કૂલ અને વાલીની અભ્યાસ કરાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે ત્યારે બાળક માટે મુશ્કેલી ઉભી થાય છે. વાલીએ શિક્ષકો પર વિશ્વાસ રાખવો પડશે, શું નથી આવડતું તેના કરતા બાળકમાં કઇ સ્કિલ વિકસી રહી છે તેના પર ધ્યાન આપવું જોઇએ. કારણ કે શિક્ષકે અભ્યાસ કરાવવાની ટ્રેનિંગ મેળવી છે. જેથી શિક્ષકો વાલીની સરખામણીએ સારો અભ્યાસ કરાવી શકે છે, માટે જ વાલીએ બાળકોને ઘરે મેથ્સ આધારીત રમતો રમાડવી જોઇએ.
ઓછા ખર્ચે પણ બાળકો માટે પ્રવૃત્તિ થઈ શકે છે
બાળકોને પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરાવવા માટે કોઇ મોટા ખર્ચની જરૂર પડતી નથી. આજે અમે માત્ર રૂ. 200માં એક્ટિવિટી સેન્ટર તૈયાર કરી શિક્ષકોને બતાવ્યું હતું. મુખ્ય મુદ્દો કોન્સેપ્ટ અને પ્રોબ્લેમને સોલ્વ કરે તે આઇડિયા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો છે. આ માટે અત્યારે શિક્ષકોનો મુખ્ય પ્રશ્ન છે કે, શિક્ષકો પાસે સમયની અછત છે. શિક્ષકોએ એવા આઇડિયા અને કોન્સેપ્ટ પર કામ કરવું પડશે જે ગ્રામીણથી લઇને મેગા સિટીના બાળકોને પણ ઉપયોગી થાય. - સોનિયા રેલિયા, લેખિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.