મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:PM મોદી સોમનાથમાં મા પાર્વતીના મંદિરનો શિલાન્યાસ કરશે, કેન્દ્રીય મંત્રી માંડવિયાએ કહ્યું-પાટીદાર એટલે ભાજપ, તાલિબાનોએ ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા

અમદાવાદએક વર્ષ પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 20 ઓગસ્ટ, શ્રાવણ સુદ તેરસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) PM મોદી સોમનાથ મંદિરની સન્મુખ જ મા પાર્વતીના 71 ફૂટ ઊંચા મંદિરનો શિલાન્યાસ અને સમુદ્ર દર્શન વોક-વેનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.
2) ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
3) ગુજરાતમાં મોહરમ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને બેંકોમાં રજા રહેશે.
4) CM રૂપાણી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભાવનગરથી દિલ્હી, સુરત-મુંબઈની સ્પાઇસ જેટની વિમાની સેવાનો પ્રારંભ કરાવશે.
5) આજે રાત્રે સૂર્ય, ગુરુ અને પૃથ્વી એક લાઈનમાં આવશે, હવે 13 મહિના પછી બનશે આ ઘટના.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું-પાટીદાર એટલે ભાજપ, આનંદીબેને સમાજની જવાબદારી કરતા સત્તાના કર્તવ્યને પ્રાધાન્ય આપ્યું
રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. જ્યાં તેમણે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા. તેઓએ અટલ બિહારી બાજપાઈ ઓડીટોરિયમ ખાતે પાટીદાર આગેવાનોને સંબોધતા કહ્યું હતું કે- પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત તેઓ 100 જેટલા તબીબો સાથે બેઠક પણ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, સૌથી વધુ પારડી અને વલસાડ તાલુકામાં 5-5 ઇંચ વરસાદ; ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યાં
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. શહેર જિલ્લામાં બુધવારે રાત્રિથી શરૂ થયેલી મેઘસવારી આજે ગુરુવારે પણ યથાવત્ રહી છે. વલસાડ જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડ અને પારડી તાલુકામાં પાંચ પાંચ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.તો ધરમપુર અને વાપી તાલુકામાં ચાર-ચાર ઈંચ અને ઉમરગામ-કપરાડામાં અઢી અઢી ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અફઘાની વિદ્યાર્થીએ ગુજરાત યુનિ.પાસે મદદ માગી;કહ્યું,તાલિબાનો મારી નાખશે, પત્ની 2 દિવસથી રડી રહી છે, અમને ભારત બોલાવો
અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં અનેક અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ભણે છે, ત્યારે હાલમાં અફઘાનિસ્તાનમાં રહેતો અને પૂર્વ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ યુનિવર્સિટીને પોતાનો ઓડિયો- ક્લિપ મોકલીને પોતાની આપવીતી જણાવીને મદદ માગી છે. આ અફઘાની કહ્યું કે, તાલિબાનો મારી નાખશે, પત્ની 2 દિવસથી રડી રહી છે, અમને ભારત બોલાવો.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાત હાઇકોર્ટનો લવ-જેહાદના કાયદાની કલમ 3, 4, 5 અને 6 પર મનાઈહુકમ, બળજબરીથી લગ્ન કર્યાનું પુરવાર થશે તો જ FIR થઈ શકશે
ગત એપ્રિલમાં ગુજરાત સરકારે બનાવેલા ધર્મ સ્વાતંત્ર્ય કાયદા(લવ-જેહાદનો કાયદો) સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર ગુજરાત હાઈકોર્ટે વધુ એક સુનાવણી કરી છે. હાઈકોર્ટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય(સુધારા)કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી પર હાઈકોર્ટે મનાઈહુકમ ફરમાવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) તાલિબાનોએ બતાવ્યું 'અસલી રૂપ', તાલિબાનોએ ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા, આયાત-નિકાસ પર પ્રતિબંધ મુક્યો
અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાને અસલી રૂપ બતાવવાનું શરુ કર્યું છે. તાલિબાનોએ સત્તા સંભાળતાં જ ભારત સાથે વ્યાપારિક વ્યવહાર બંધ કરી સંબંધો તોડી નાખ્યા છે અને ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડૉ. અજય સહાયે તાલિબાનોએ આયાત-નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હોવાની વાત સ્વીકારી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) તાલિબાનની ક્રૂરતા; આત્મસમર્પણ કરી ચૂકેલા કમાન્ડર પર હાથ-પગ બાંધી ગોળીઓ વરસાવી, મૃત્યુ પછી પણ શરીર પર ફાયરિંગ કરતા રહ્યા
અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ દરરોજ તાલિબાનનો ક્રૂર ચહેરો સામે આવી રહ્યો છે. તાજેતરમાં બડદિસ પ્રાંતમાં તાલિબાને બડદિસ પોલીસ વડા હાજી મુલ્લા પર ગોળીબાર કર્યો હતો. હાજી મુલ્લાએ થોડા દિવસ પહેલા તાલિબાન સામે આત્મસમર્પણ કર્યુ હતું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. તાલિબાને હાજી મુલ્લાના બંને હાથ બાંધીને તેને સૂમસામ સ્થળે ઘૂંટણિયે બેસાડી દીધા છે. તેમના હાથ પણ બંધાયેલા છે. તાલિબાન સ્થાનિક ભાષામાં કંઈક બોલી રહ્યા છે. થોડા સમય પછી હાજી મુલ્લા પર ફાયરિંગ કરવામાં આવે છે.
વાંચો સમાચાર વિગતવાર

7) મુન્નવર રાણાનું વિવાદાસ્પદ નિવેદન, અફઘાનિસ્તાનથી વધુ ક્રૂરતા હિન્દુસ્તાનમાં; તાલિબાનની તુલના RSS અને બજરંગ દળ સાથે કરી
અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો થઈ ગયો છે. ભારતમાં પણ આ મુદ્દે વિવાદાસ્પદ નિવેદનો શરુ થઈ ગયા છે. શાયર મુનવ્વર રાણાએ અફઘાનિસ્તાનની સ્થિતિને ભારતથી વધુ સારી ગણાવી. રાણાએ તાલિબાનની તુલના RSS, BJP અને બજરંગદળ સાથે કરી. ભાસ્કર સાથે વાત કરતા રાણાએ કહ્યું કે અફઘાનિસ્તાનથી વધુ ક્રુરતા તો હિન્દુસ્તાનમાં છે. અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો તે તેમનો આંતરીક મામલો છે. તાલિબાની-અફઘાની જે પણ છે, જેવા છે, દરેક એક છે. જેવા કે આપણે ત્યાં બજરંગ દળ, BJP અને RSS એક છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) માંડવિયાના નિવેદન પર રુપાલાએ કહ્યું, ભાજપ પર અઢારે આલમના આશીર્વાદ, ભાજપમાં તમામ સમાજનો સમાવેશ, જેમાં પાટીદાર પણ આવે.
2) અમદાવાદમાં સંતાનોને મળવા ન દેતા પિતાની આત્મહત્યા, ભાઈને મેસેજ કરી કહ્યું-મોત માટે પત્ની જવાબદાર
3) UAEમાં શરણ મળ્યા પછી અફઘાનિસ્તાનના 'ભાગેડુ' રાષ્ટ્રપતિએ કહ્યું, હું માત્ર કપડાં લઈને ભાગ્યો છું, મારે મારા દેશમાં પરત ફરવું છે
4) મારી દીકરીને તાલિબાનોથી બચાવો, ISIS માં જોડાવા ગયેલી કેરળની યુવતી અફઘાનિસ્તાનમાં ફસાઈ, ભારત લાવવા માતાની સરકારને આજીજી
5) તાલિબાની નેતાએ કહ્યું, અફઘાનિસ્તાનમાં શરીયા કાયદો જ ચાલશે, અમે અમારી પોતાની સેના તૈયાર કરીશું.
6) કલકત્તા હાઇકોર્ટનો આદેશ- બંગાળ ચૂંટણી પછી થયેલી હિંસામાં રેપ અને હત્યાની બાબતોમાં CBI તપાસ કરવામાં આવે

આજનો ઈતિહાસ
આજના દિવસે વર્ષ 1944માં દેશના નવમા વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. કોંગ્રેસ આ દિવસને સદભાવના દિવસ તરીકે ઉજવે છે.

અને આજનો સુવિચાર
થોડું-ઘણું ગાંડપણ તો આપણા બધામાં જ હોય છે પણ પોતાના ગાંડપણનું જે વિશ્લેષણ કરી શકે તેને ફિલોસોફર, તત્વચિંતક કહેવામાં આવે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...