ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે સોમવારે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે. બીજા તબક્કામાં ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 93-93-93 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે વડાપ્રધાનથી લઇ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉમેદવાર છે. હાર્દિક પટેલ વિરમગામથી અને અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી લડી રહ્યા છે. એવી જ રીતે મધુ શ્રીવાસ્તવ જેવા બળવાખોર પણ મેદાનમાં છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને ત્યાંનું પેચીદું જ્ઞાતિ સમીકરણ ત્રણેય પાર્ટી માટે સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસના જૂના જોગીઓ બીજા તબક્કામાં લડે છે તો આમ આદમી પાર્ટીના મોટાભાગના ચહેરા પહેલા તબક્કામાં લડી ચૂક્યા છે. બીજા તબક્કામાં તેમના કોઇ જાણીતા ચહેરા નથી.
બીજા તબક્કાની ચૂંટણી માટે અમદાવાદમાં ધામા નાખીને બેઠેલા અસુદ્દુદીન ઓવૈસીની AIMIM પાર્ટીએ 14 ઉમેદવાર સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં બે હિન્દુ અને 12 મુસ્લિમને ટિકિટ આપી છે. આ 14 બેઠકમાંથી હાલ કોંગ્રેસ પાસે 8 અને ભાજપ પાસે 6 સીટ છે. પ્રચારના છેલ્લા દિવસે તેમણે નવો રંગ બતાવ્યો. ગોધરામાં તેમનો વિરોધ થયો પછી અમદાવાદના દરિયાપુરમાં ઓવૈસી ગો બેકના નારા લાગ્યા હતા. આમ તો કાયમ આક્રમક મિજાજમાં રહેલા ઓવૈસી અમદાવાદના જમાલપુરના ઉમેદવાર માટે મત માગતી વખતે ભાવુક થઇ ગયા.
નીચે જાણો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કોણ કોની સામે ટકરાશે....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.