• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • To Get The Help Of Corona's Deceased, The Relatives Have To Process For The Cause Of Death Certificate Of Corona, The Form Will Be Filled From November 15.

ફરી લાઇનો લાગશે?:કોરોનાના મૃતકોની સહાય લેવા પરિવાજનોએ મૃત્યુનું કારણ કોરોના હોવાના સર્ટિફિકેટ માટે પ્રક્રિયા કરવી પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 નવેમ્બરથી આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે
  • મૃત્યુ કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આવશે
  • શહેરી વિસ્તારમાં વોર્ડ-ઝોનદીઠ સબ-રજિસ્ટ્રારની નિમણૂક કરાઈ

કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્યો હતો કે ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવશે. 15 નવેમ્બરથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.

પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર અપાશે
ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનાં પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા અને એ સિવાય જિલ્લા વિસ્તારમાં મૃત્યુવિષયક ખાતરી સમિતિની આરોગ્ય વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે. જેમના પરિવારના સભ્યનું કોરોનાથી મૃત્યુ થયું હોય, પરંતુ સર્ટિફિકેટમાં એનો ઉલ્લેખ ના થયો હોય તેઓ અરજી કરી શકશે. સર્ટિફિકેટ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. જેમના મૃત્યુનું કારણ સર્ટિફિકેટમાં સ્પષ્ટ થાય એ સહિતની કાર્યપદ્ધતિ નક્કી કરવા જણાવ્યું હતું.

પરિવારોએ સ્વજનનું મોત કોરોનાથી થયું છે એનું સર્ટિફિકેટ મેળવવા પ્રક્રિયા કરવી પડશે ( પ્રતીકાત્મક તસવીર).
પરિવારોએ સ્વજનનું મોત કોરોનાથી થયું છે એનું સર્ટિફિકેટ મેળવવા પ્રક્રિયા કરવી પડશે ( પ્રતીકાત્મક તસવીર).

50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું
કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ જારી કરવામાં આવ્યો છે.જેના ફોર્મની પ્રક્રિયા 15મીથી શરૂ થશે, જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી હોય તે તબીબ મૃત્યુનું કારણ જણાવી શકે છે. આવામાં મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો ફોર્મ નંબર-4 અને એ સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર 4-A પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે.

શહેરી વિસ્તારમાં વોર્ડ-ઝોનદીઠ સબ-રજિસ્ટ્રારની નિમણૂક
વહીવટી તંત્રને જાણ કરવા માટે શહેરી વિસ્તારમાં વોર્ડ-ઝોનદીઠ સબ-રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવેલી છે. તેમને અરજી કરવાની રહેશે, જેના માટે મહાનગરપાલિકા કે નગરપાલિકાએ તેમનાં નામ, હોદ્દા, કચેરીનું સ્થળ અને સંપર્કની વિગતો, કામકાજનો સમય વગેરે દર્શાવવાનાં રહેશે. મૃતકના પરિવારના સભ્યો પાસે મૃત્યુનું કારણ ઉપલબ્ધ ના હોય કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે પરિસ્થિતિમાં સમાવેશ ના થયો હોય અને મૃત્યુના કારણથી સંતુષ્ટ ના હોય તથા કોરોનાથી મૃત્યુ પામેલાં સ્વજનોના દસ્તાવેજ કે પ્રમાણપત્ર મેળવવા માગતા હોય તેઓ કલેક્ટરને આ અંગે અરજી કરી શકશે. રજિસ્ટ્રારે અરજદારને મૃત્યુ પામ્યાનું કારણ નહીં હોવાનું સર્ટિફિકેટ આપવું પડશે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

કયા વિસ્તારમાં મૃત્યુના પ્રમાણપત્રની નકલ કોણ આપશે

  • મહાનગરપાલિકાઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તબીબી અધિકારી
  • નગરપાલિકાઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને નગરપાલિકાના મુખ્ય અધિકારી
  • ગ્રામ્યકક્ષાએઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તલાટી-કમ-મંત્રી
  • કેન્ટોનમેન્ટ બોર્ડ, અમદાવાદઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને મુખ્ય કારોબારી અધિકારી
  • નિર્દિષ્ટ ઔદ્યોગિક વિસ્તાર, સ્વતંત્ર વિસ્તારઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને મુખ્ય અધિકારી
  • જંગલ વિસ્તારઃ રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને રેન્જ ફોરેસ્ટ અધિકારી
અન્ય સમાચારો પણ છે...