મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે ગુજરાતમાં ભારે વરસાદ પડશે, રાજ્યભરમાં વરસાદ, અન્ડરબ્રિજમાં ફસાવાથી 1નું મોત, ખેડૂતોના ભારત બંધ દરમિયાન એકનું મોત

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 28 સપ્ટેમ્બર, ભાદરવો વદ સાતમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા.
2) ગુજરાત વિધાનસભા સત્રનો બીજો અને અંતિમ દિવસ, ત્રણ બિલ પર ચર્ચા કરવામાં આવશે.
3) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) રાજ્યભરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, અમદાવાદમાં રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં ડૂબવાથી યુવકનું મોત
ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે, જેને પગલે જનજીવન ખોરવાયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડતાં શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદના સરખેજ- ધોળકા રોડ પર ભારતી આશ્રમ પાસે નવા બનેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું હતું, જેમાં એક યુવક ફસાઈ ગયો હતો. યુવકને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી, પરંતુ તેનું ડૂબવાથી મોત થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

2) કોરોનાના મૃતકોને ન્યાય અપાવવાના નારા સાથે વિપક્ષનું વોકઆઉટ, આરોગ્યમંત્રી બોલ્યા-કોંગ્રેસ રાજકીય સ્ટંટ કરી રહી છે
ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થયું છે ત્યારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા મંત્રીઓનું મંત્રી તરીકેનું આ પહેલું સત્ર છે. વિરોધપક્ષ કોંગ્રેસ મંદી, મોઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કોરોના પીડિતોની પીડા અને વેદનાને વાચા અપાવવા આક્રમક વ્યૂહ અપનાવવાની તૈયારી કરી છે.​​​​ કોરોના મદ્દે વિધાનસભામાં કોંગ્રેસએ હોબાળો કર્યો હતો. ન્યાય આપો ન્યાય આપો, કોરોનાના મૃતકોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

3) પીડિતા પર દુષ્કર્મ થયું એ ફ્લેટ અન્ય યુવતીના સરનામે બોલે છે, ફ્લેટ નં-D 903માં અનેક યુવતીઓ આવતી કે રહેતી હોવાનો ઘટસ્ફોટ
વડોદરા શહેરના હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં નિર્સગ કોમ્પ્લેક્સના ફ્લેટ નં-D-903ને લઈને રોજેરોજ નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે. આ ફ્લેટમાં અનેક યુવતીઓ આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત વડોદરા શહેરની એક સંસ્થાની બુકમાં એક યુવતીના રહેણાક સરનામા તરીકે આ ફ્લેટનું સરનામું આપવામાં આવ્યું છે, ત્યારે સવાલ એ થાય છે કે રાહિલ જૈનની માલિકી ધરાવતા આ ફ્લેટનું સરનામું અન્ય યુવતીઓના નામે કેવી રીતે હોઇ શકે છે?
વાંચો સમાચાર વિગતવાર

4) અમરેલીના રાજુલામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા, રૂપેણી નદીમાં ઘોડાપૂર
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સોમવારે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના રાજુલામાં સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીમાં 116 મીમી એટલે કે સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના રાજુલામાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) ખેડૂતોએ આપેલું ભારત બંધ પૂરું, પ્રદર્શન સમયે દિલ્હી-સિંધુ બોર્ડર પર હાર્ટ એટેકથી એક ખેડૂતનું મોત, 10 કલાક બાદ દિલ્હી-ગાઝીપુર બોર્ડર ખુલી
ત્રણ કૃષિ કાયદા સામે સોમવારે બોલાવવામાં આવેલ ભારત બંધનો અંત આવ્યો છે. સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી અનેક રાષ્ટ્રીય તથા રાજ્ય ધોરીમાર્ગ બંધ રહ્યા હતા. અનેક રુટ ડાયવર્ટ કરવા પડ્યા. અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી અથવા તો વિલંબ થયો હતો. દિલ્હીથી જતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. બંધની અસર હરિયાણા, પંજાબ, દિલ્હી, દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં વધારે રહી છે. દિલ્હી-ગાઝીપુર બોર્ડને પણ 10 કલાક બાદ ખોલવામાં આવી હતી. પ્રદર્શન સમયે દિલ્હી-સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનનો પ્રારંભ, PM મોદીએ કહ્યું- ગરીબો અને મધ્યમ વર્ગની ચિંતા થશે દૂર, દરેક પાસે હશે હેલ્થ ID
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન શરૂ કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે ભારત દ્વારા વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકોને હેલ્થ આઈડી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને 15 ઓગસ્ટ 2020 ના રોજ લાલ કિલ્લા પરથી આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલમાં આ ડિજિટલ અભિયાન છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રારંભિક તબક્કામાં છે.
વાંચો સમાચાર વિગતવાર

7) LAC પર ચીન ફરી સક્રિય, લદ્દાખ બોર્ડર પર તંબુ લગાવાયા, 8 જગ્યા પર સેના માટે કેમ્પ બનાવાયા, દરેક લોકેશન પર 84 ટેન્ટ
ભારતનો પાડોશી દેશ ચીન સરહદ પર ફરી સક્રિય થયો છે. 17 મહિના પહેલાં પૂર્વી લદાખમાં થયેલી ઝપાઝપી બાદ એક વખત ફરી ચીને સીમા પાસે પોતાની સેના માટે બંકર બનાવી રાખ્યાં છે. ઈન્ટેલિઝન્સ રિપોર્ટ્સ અનુસાર, ચીનના પૂર્વી લદાખ સામે વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) પાસે આશરે 8 લોકેશન પર નવા મોડ્યૂલર કન્ટેનર(અસ્થાયી ટેન્ટ) જેવી રહેવાની વ્યવસ્થા કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્સ અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મીએ ઉત્તરમાં કારાકોરમ નજીક વહાબ જિલ્લાથી લઈને પીયુ, હોટ સ્પ્રિંગ્સ, ચાંગ લા, તાશિગોન્ગ, ચુરુપ સુધી સૈનિકો માટે શેલ્ટર બનાવ્યાં છે. દરેક લોકેશન પર સાત ક્લસ્ટર્સમાં 80થી 84 સુધી કન્ટેનર્સ બનાવામાં આવ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) રાજકોટમાં ફેફસામાં 100% ઈન્ફેક્શન, 3 મહિના સુધી વેન્ટિલેટર પર અને 60% ઑક્સિજન સાથે 144 દિવસ સુધી યુવક કોરોના સામે લડ્યો. અંતે, મોત હાર્યું, જિંદગી જીતી
2) સુરતમાં ડુમસના રઘુવીર મોલમાં DJ પાર્ટી, કોરોનાના કેસોમાં વધારો ને યુવાનો ચડ્યા મોજ-મસ્તીના રવાડે
3) ભુજનાં ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય વિધાનસભાગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ, જેઠાભાઈ આહીર ઉપાધ્યક્ષ બન્યા
4) કચ્છના આડેસરથી અબડાસા સુધી ધોધમાર વરસાદ, કાળા ડુંગરનાં પગથિયાં પરથી પાણી વહેતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં
5) મહમ્મદ અલી ઝીણાની પ્રતિમા ઉડાવાઈ,પાકિસ્તાનના ગ્વાદરમાં ઝીણાની પ્રતિમાને બોમ્બથી ઉડાવવામાં આવી, બલૂચ ફ્રન્ટે લીધી હુમલાની જવાબદારી
6) બંગાળમાં ફરી હિંસા, દિલીપ ઘોષ પર ભવાનીપુરમાં હુમલો, ગનમેને ટોળાને બંદૂક બતાવી, BJPનો આરોપ- મમતા બેનર્જીના ભાઈએ પણ કરી મારામારી
7) અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ફરમાન, હેલમંદ પ્રાંતમાં લોકોને દાઢી બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, સલૂનમાં ગીતો વગાડવા પર પણ મનાઈ

આજનો ઈતિહાસ
વર્ષ 1838માં આજના દિવસે બહાદૂરશાહ ઝફર ભારતમાં મુઘલ સામ્રાજ્યનો અંતિમ સમ્રાટ બન્યો હતો. તેના પિતાના અવસાન બાદ સિંહાસન પર બેઠો હતો.

અને આજનો સુવિચાર
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...