તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકનો 24 કલાક સેવાસેતુ:અમદાવાદ સિવિલમાં દાખલ કોરોનાના દર્દીના આરોગ્યની માહિતી સહિત તેમની વસ્તુઓના આદાનપ્રદાન માટે 200 શિક્ષકો રાત-દિવસ સેવા કરે છે

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
  • દર્દીને વીડિયો કોલથી પરિવાર સાથે વાત કરાવવા ઉપરાંત જરૂરી વસ્તુ પહોંચાડે છે

સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સ્થિતિની માહિતી સતત તેમના પરિવારજનો સુધી પહોંચે તે માટે માધ્યમિક સ્કૂલોના 200 શિક્ષકો દરરોજ 24 કલાક સેતુરૂપ કામ કરી રહ્યા છે. શિક્ષકો કોરોનાગ્રસ્ત દર્દીને પરિવારજનો સાથે વીડિયોકોલ પર વાત કરાવે છે, પરિવારના લોકો તરફથી અપાતો સામાન દર્દી સુધી પહોંચાડે છે, આ ઉપરાંત દર્દીની હેલ્થ અપડેટ તેમના સ્વજનો સુધી પહોંચાડે છે. આ માટે શિક્ષકોની ટીમ આઠ-આઠ કલાકની શિફ્ટમાં કામ કરે છે.

મેડિકલ સ્ટાફનો અન્ય કામમાં ઉપયોગ ન થાય તેથી નિર્ણય
હાલમાં જ્યારે હોસ્પિટલમાં સૌથી વધુ મેડિકલ સ્ટાફની જરૂર છે ત્યારે એ જરૂરી બને છે કે મેડિકલ સ્ટાફનો ઉપયોગ મેડિકલ સિવાય અન્ય કામમાં ન કરવામાં આવે. તેથી હોસ્પિટલના એવા કામ કે જ્યાં મેડિકલ અભ્યાસની જરૂર નથી તેવા કામની જવાબદારી શિક્ષકોએ પોતાના ખભા પર ઉપાડી લીધી છે. શહેરની સૌથી મોટી કોરોના હોસ્પિટલ સિવિલ અને મંજુશ્રીમાં શિક્ષકોએ દર્દીઓના પરિવારજનોને સંભાળવાનું કામ શરૂ કર્યું છે. આ માટે અમદાવાદ ગ્રામ્યના શિક્ષકોની મદદ લેવાઇ રહી છે.

સ્વજનોની વસ્તુ દર્દી સુધી પહોંચાડે છે
હાલમાં 200 જેટલા શિક્ષકો દરરોજના 8 કલાકની શિફ્ટમાં કામ કરી રહ્યા છે. શિક્ષકોની દરેક ટીમ 10 દિવસ કામ કરશે, ત્યારબાદ તેઓને 10 દિવસનો આરામ અપાશે. શિક્ષકો પરિવારજનોને દર્દીનું સતત અપડેટ આપી રહ્યા છે. જરૂર પડે તો વીડિયોકોલથી વાત કરાવી રહ્યાં છે. આ ઉપરાંત દર્દી માટે પરિવારજનો જો કોઇ વસ્તુ મોકલે તો તે દર્દી સુધી પહોંચાડવાની વ્યવસ્થા શિક્ષકો કરી રહ્યા હોવાથી દર્દીની સારવાર કરતા મેડિકલ સ્ટાફ પરનું ભારણ ઘટ્યું છે.

મેડિકલ સ્ટાફ પરનું ભારણ ઘટાડવાનો હેતુ
હાલની સ્થિતિમાં હોસ્પિટલના સ્ટાફની જરૂર હોસ્પિટલની અંદર છે. તેથી બહારની કામગીરી શિક્ષકોએ સંભાળી છે. હાલમાં 200 જેટલા શિક્ષકો દર્દી અને સ્વજનો વચ્ચે સેતુરૂપ બની રહ્યા છે. હાલમાં આ કામગીરીમાં અમે 50થી વધુ ઉંમરના અને મહિલા શિક્ષકોને જોડ્યા નથી. દરરોજ 24 કલાક શિક્ષકો આ કામગીરી કરી રહ્યાં છે. - રાકેશ વ્યાસ, અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ

સવારે 75, રાત્રે 50 શિક્ષક સેવા આપે છે
સવારના સમયે 75 શિક્ષકો કામગીરી કરે છે. કારણ કે સવારના સમયે વસ્તુઓ આપવા, ખબર પૂછવા અને વીડિયો કોલથી પોતાના દર્દીને જોવા માટે લોકોની સંખ્યા વધુ હોય છે. જ્યારે રાત્રે સગા વહાલા ઓછી સંખ્યામાં હોવાથી રાત્રીના સ્ટાફમાં 50થી ઓછા શિક્ષકો હાજર હોય છે.

અન્ય સમાચારો પણ છે...