તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું જોખમ:મ્યુકોરમાઇકોસિસને નિયંત્રણમાં લાવવા સરકારે B 50 MGના 5000 ઇન્જેકશનનો ઓર્ડર આપ્યો, જાણો આ રોગ કોને થાય અને કેવી રીતે બચી શકાય

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ લાગ્યા બાદ આંખ આસપાસ સોજા આવે છે. - Divya Bhaskar
મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ લાગ્યા બાદ આંખ આસપાસ સોજા આવે છે.
  • ગઈકાલે સીએમના અધ્યક્ષસ્થાને આ રોગના નિયંત્રણ અને સારવાર માટેની બેઠક યોજાઈ હતી
  • સરકાર દ્વારા રૂ.3 કરોડ 12 લાખના ખર્ચે 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે

રાજ્યમાં કોરોનાના કારણે અનેક લોકોના જીવ ગયા છે. સાથે હવે કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ રોગમાં પહેલા આંખ અને મોંઢામાં લક્ષણો જોવા મળતાં હતા. પરંતુ હવે મગજ સુધી પણ આ રોગના લક્ષણો જોવા મળે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ENT અને ડેન્ટલ વિભાગમાં છેલ્લા દસ દિવસમાં 80થી વધુ કેસો સામે આવ્યા છે. જેને જોતા ગઈકાલે સીએમના અધ્યક્ષસ્થાને રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઇકોસિસ રોગના નિયંત્રણ અને સારવાર માટેની બેઠક યોજાઈ હતી.

3 કરોડ 12 લાખના ખર્ચે ઇન્જેકશન મંગાવ્યાં
સરકાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કરાશે. સાથે જ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે રૂ.3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના આવા 100થી વધારે કેસો નોંધાયા છે.

કેવા હોય છે લક્ષણો?

* માથાનો દુખાવો

* નાક બંધ થવું કે સાઇનસની તકલીફ

* મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો

* આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી

* તાવ, કફ, છાતીમાં દુખાવો

* શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો

* ઉબકા આવવા કે ઉલટી થવી

* આંતરડામાં રક્તસ્ત્રાવ જેવા લક્ષણો જોવા મળે છે

ડાયાબિટીઝના દર્દીને જોખમ વધારે
મ્યુકોરમાઇકોસિસ ફુગ સામાન્ય છે અને સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીને અસર કરતી નથી. પણ કોરોનાની સારવાર દરમિયાન અપાતા સ્ટીરોઇડના હાઇ ડોઝ ડાયાબીટિસ ધરાવતા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી પાડે છે અને આ ફુગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે. શહેરમાં ગત માર્ચના પહેલા પખવાડિયા બાદ મ્યુકોરમાઇકોસિસના કેસો પણ ઝડપથી વધ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ મ્યુકોરમાઇકોસિસ પહેલાવેવમાં 100 લોકોને થયો હતો.

મ્યુકરમાઈકોસિસ રોગ શું છે અને કેવી રીતે ફેલાય છે?
મ્યુકોરમાઇકોસિસ ફુગથી થતો એક ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફુગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. આ રોજ માનવીની બોડીમાં શ્વાસ કે શરીર પરના ઘા થકી પ્રવેશે છે. ઈમ્યુનિટી પાવર ઓછો હોય તેવા લોકો પર આ રોગ વધારે હાવી થઈ જાય છે. અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા હોય તેવા લોકોને આ રોગ થવાની સંભાવના વધારે છે. ​​​​​​

આ રોગથી બચવા માટે શું કરવું જોઈએ?
મ્યુકરમાઈકોસિસ રોગથી બચવા માટે N95 માસ્ક અથવા ડબલ માસ્ક પહેરવું જોઈએ. સાથે જ વધારે ધૂળ ઉડતી હોય તેવી જગ્યાએ જવાનું ટાળો, જો શરીર પર કોઈ ઘા છે તો તેને તરત જ સાબુથી સાફ કરી દેવું જરૂરી છે. તેમજ આ રોગ માટે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ જેવી દવાઓ પણ ઉપયોગી થઈ રહી છે.