ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂન પ્લાનના ભાગ રૂપે શહેરના તમામ તળાવોની યોગ્ય સફાઈ કરવા માટે મ્યુનિ.એ કમર કસી છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં એક્સન પ્લાન હેઠળ ફોગિંગની તૈયારી કરવા પણ આદેશ જારી કરાયા હતા.
શહેરમાં ચોમાસા પહેલા સ્થિતિની સમીક્ષી માટે મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજેલી બેઠકમાં આરોગ્ય વિભાગે શહેરમાં રોગચાળાના આંકડા સાથે સમીક્ષા કરી ફોગિંગ સહિત જરૂરી કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચન કર્યું છે. આ ઉપરાંત પદાધિકારીઓએ શહેરમાં તળાવોમાં લીલ કાઢવાની કામગીરી ઝડપી બનાવવા તાકીદ કરી હતી. થલતેજ સહિતના વિસ્તારમાં સીએચસી-પીએચસી સેન્ટર બનાવવાની કામગીરી તેમ જ શહેરમાં પીએમજેવાય યોજના હેઠળ વધુ કાર્ડ બનાવવા તેમ જ એલજી, શારદાબેન હોસ્પિટલના રિનોવેશનના મુદ્દે પણ જરૂરી આદેશ આપ્યા હતા.
શીલજમાં એક મોટું સ્મશાન બનાવાશે
મ્યુનિ.માં નવા ભળેલા શીલજમાં અલગ-અલગ જ્ઞાતિના 7 સ્મશાન છે. તેને સ્થાને એક વિશાળ સ્મશાન બનાવાશે. શહેરમાં અલગ-અલગ સ્મશાનનો વિકાસ કરાશે, જેમાં ઘુમાના સ્મશાનનો વિકાસ કરાશે.
પીરાણામાં હવે મ્યુનિ. પોતાનો પ્લાન્ટ બનાવાશે
પીરાણાના કચરામાંથી ખાતર બનાવવા 3 કંપનીને જગા ફાળવ્યા બાદ પણ કંપનીએ કામગીરી ન કરતાં આખરે મ્યુનિ. વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ નાખી ત્યાં ખાતર બનાવાશે. સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓએ એવી ટકોર કરી હતી કે, ચોમાસા દરમિયાન પીરાણા કચરાના ઢગલા પર વાહન જઇ શકે તેવો રસ્તો બનાવાય, જેથી કામગીરી અટકી ન પડે. સ્વચ્છતા અભિયાન સમયે શહેરમાં જે સ્તરે સ્વચ્છતા રખાય છે, તેવી સ્વચ્છતા કાયમ રખાય. કચરાના ઢગલાની આસપાસ બનાવેલી દિવાલોથી કચરો દૂર રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.