ચૂંટણી:અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન તરીકે વિપુલ સેવકની નિમણુંક કરાશે, કોંગ્રેસ અને AIMIMના એક-એક ઉમેદવારે ફોર્મ ભર્યું

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
ભાજપના સભ્યોએ સ્કૂલ સમિતીની ચૂંટણી માટે ફોર્મ ભર્યું
  • ભાજપના 11 સભ્યોએ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે
  • 5 ઓગસ્ટના રોજ મેયરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના સંચાલન માટેના સ્કૂલ બોર્ડના ચેરમેન અને 12 સભ્યોની વરણી માટે 5 ઓગસ્ટના રોજ મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. જેના પહેલા આજે સાંજે ચાર વાગ્યે ભાજપના 11 સભ્યો અને કોંગ્રેસ તેમજ AIMIMના એક સભ્યએ ઉમેદવારી નોંધાવી છે. કુલ 13 જેટલા ફોર્મ ભરાયા છે. Divyabhaskarને અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન તરીકે વિપુલ સેવક અને વાઇસ ચેરમેન તરીકે સુજય મહેતાની નિમણુંક કરવામાં આવશે. વિપુલ સેવક મણિનગરના ભાજપના જુના કાર્યકર્તા છે અને ડુન સ્કૂલના પ્રિન્સિપાલ છે. જ્યારે સુજય મહેતા પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે.

ભાજપ, કોંગ્રેસ, AIMIMના ઉમેદવારોએ ફોર્મ ભર્યું
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે ભાજપના શહેર પ્રમુખ અમિત શાહ, પ્રભારી ધર્મેન્દ્ર શાહ, સ્ટેન્ડિગ ચેરમેન હિતેશ બારોટની હાજરીમાં ભાજપના 11 જેટલા સભ્યોએ મેયર કિરીટ પરમારને સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ આપ્યા હતા. કોંગ્રેસમાંથી કિરણ ઓઝાએ જ્યારે AIMIMમાંથી જમાલપુરના પૂર્વ કોર્પોરેટર શરીફખાન દૂધવાળાએ ફોર્મ ભર્યું હતું.

સ્કૂલ સમિતીની ચૂંટણી માટેના ઉમેદવારોની તસવીર
સ્કૂલ સમિતીની ચૂંટણી માટેના ઉમેદવારોની તસવીર

સ્કૂલ બોર્ડમાં 15 સભ્યોની કમિટિ હોય છે
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ મેયર સહિતનાં હોદ્દેદારોની વરણી થયા બાદ વિવિધ કમિટીઓની રચના લાંબા સમય બાદ કરવામાં આવી હતી. કોરોના કાળના નામે વિવિધ કમિટિઓની મોડી વરણી બાદ હવે સ્કૂલબોર્ડની રચના કરવામાં આવશે. સ્કૂલબોર્ડમાં 15 સભ્યોની કમિટિ હોય છે જેમાં 3 સભ્યો DEO હોય છે અને બાકીના 12 સભ્ય તરીકે કોઇ પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા લોકો જ ઉમેદવારી કરતા હોય છે.

ભાજપ, કોંગ્રેસ અને AIMIMના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ભાજપ, કોંગ્રેસ અને AIMIMના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

5 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાશે
આગામી 5 ઓગસ્ટના રોજ સ્કૂલબોર્ડમાં 12 સભ્યની ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે 22મી જુલાઇ સુધીમાં ઉમેદવારીપત્રો રજૂ કરવાનાં રહેશે. ત્યારબાદ 29મી જુલાઇએ મેયરની ઓફિસમાં તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. બાદમાં 5 ઓગસ્ટના રોજ સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં ચૂંટણી યોજાશે. સાંજે સાડા છ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

આગામી 5 ઓગસ્ટના રોજ યોજાશે ચૂંટણી
આગામી 5 ઓગસ્ટના રોજ યોજાશે ચૂંટણી

ઓવૈસીની પાર્ટીમાંથી પણ એક ઉમેદવાર ઊભો રહી શકે
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તાધારી પક્ષ હોવાથી સ્કૂલબોર્ડમાં પણ તેમના જ સભ્યોની વરણી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડમાં ગત વખતે કોંગ્રેસના સભ્યો પણ હતા. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ માટે હજી સુધી વિપક્ષના નેતા નક્કી નથી કરી શકી તો સ્કૂલ બોર્ડમાં સભ્યપદ માટે અરજી કરશે કે કેમ ? તે આજે નક્કી થશે. ઉપરાંત આ વખતે પ્રથમવાર ચૂંટાયેલાં ઓવૈસીની પાર્ટીનાં કોર્પોરેટરો સ્કૂલબોર્ડની ચૂંટણીમાં તેમનો એક ઉમેદવાર ઉભો રાખશે.

ભાજપે જાહેર કરેલી ચેરમેન અને સભ્યોની યાદી
ભાજપે જાહેર કરેલી ચેરમેન અને સભ્યોની યાદી