હોળીના તહેવાર દરમિયાન હોલિકા દહન માટે નાગરિકો દ્વારા રોડ ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે. રોડ ઉપર હોળી પ્રગટાવવાના કારણે રોડને નુકસાન થતું હોય છે જેને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જ્યારે પણ હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર માટી નાખવામાં આવે અને તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે જેના કારણે રોડને નુકસાન થાય નહીં અને વધુમાં જે પણ નજીકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ આવેલા છે ત્યાં હોલિકા દહન કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. જ્યાં પણ માટીની જરૂરિયાત હોય ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માટી પૂરી પાડવામાં આવશે તેથી રોડને નુકસાન થાય નહીં.
કોર્પોરેશનના પ્લોટમાં હોલિકા દહન કરવામાં આવે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, હોળીના તહેવારમાં રોડ ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે જાહેર રોડ ઉપર નુકસાન થતું હોય છે. રોડ અને નુકસાન ના થાય તેને ધ્યાનમાં રાખી અને સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે જ્યાં પણ જાહેર માર્ગ ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે તે પહેલા રોડ ઉપર માટી નાખવામાં આવે અને ત્યારબાદ પ્રગટાવવામાં આવે તો રોડને નુકસાન થાય નહીં અને વધુમાં જો નજીકમાં ક્યાંય મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ હોય તો તેમાં જ હોલિકા દહન કરવામાં આવે તેવી નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જ્યાં પણ માટીની જરૂરિયાત હોય ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. આ બાબતે તમામ ઝોનના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને આનું અમલીકરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
કોર્પોરેટરોએ પોતાના વોર્ડની સોસાયટી અને ફ્લેટોમાં જાણ કરવી
ભાજપના તમામ કોર્પોરેટરોએ પણ પોતાના વોર્ડમાં આવેલી સોસાયટીઓ અને ફ્લેટોના સેક્રેટરી અને ચેરમેનને જાણ કરી છે કે મુખ્ય રસ્તાઓ ઉપર હોળી પ્રગટાવવાના કારણે રસ્તાની સરફેસ અને રસ્તાનો એટલો ભાગ તૂટી જાય છે તે તૂટે નહિ એ હેતુથી નીચે ઈંટો તથા રેતી પાથરીને તેના ઉપર હોળી પ્રગટાવવા તમામ સોસાયટીઓને વિનંતી કરવામાં આવે છે. આ ઉપરાંત શક્ય હોય તો વિસ્તારની વિવિધ સોસાયટીઓ ભેગી થઈ સમૂહમાં કોઈ એક કોમન પ્લોટ અથવા કોર્પોરેશનના પ્લોટમાં હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ રાખી શકાય છે. આ અંગે કોઈપણ માહિતી માટે કોર્પોરેટરોનો સંપર્ક કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.