તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી ધો.6થી 8ની સ્કૂલો ખૂલશે, ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, માંગરોળ તાલુકામાં 9 ઇંચ-માળિયા હાટીનામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ24 દિવસ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 2 સપ્ટેમ્બર, શ્રાવણ વદ અગિયારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી ધોરણ 6થી 8ની સ્કૂલો ખૂલશે, 30 હજાર સ્કૂલમાં 32 લાખ વિદ્યાર્થીનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ થશે.
2) સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, પાણીની તંગી હળવી થશે અને મૂરઝાતા પાકને જીવનદાન મળશે.
3) ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એટલે કે GATEની પરીક્ષા માટે આજથી gate.iitkgp.ac.in પર રજિસ્ટ્રેશન કરી શકાશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ધોધમાર, દક્ષિણમાં છૂટોછવાયો વરસાદઃ અંબાજીમાં રમકડાંની જેમ વાહનો તણાયાં
દુષ્કાળના ઊંબરે પહોંચી ગયેલા ગુજરાતને મેઘરાજાએ છેલ્લી ઘડીએ મેઘરાજા ઉગાર્યું હોય એવા ચિહ્ન રૂપે 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદનાં સૌથી રમૂજી દૃશ્યો યાત્રાધામ અંબાજીમાં જોવા મળ્યાં હતાં. અહીં ભારે વરસાદથી રસ્તા પર પડેલા વાહનો તણાવા લાગ્યાં હતાં. બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. , જ્યારે નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો, પરંતુ નોંધપાત્ર વરસાદ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) માંગરોળ તાલુકામાં 8 કલાકમાં 9 ઈંચ-માળિયા હાટીનામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો, જિલ્લાની મોટા ભાગની નદીઓ છલકાઈ
લાંબા વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના તમામ નવ તાલુકામાં મંગળવારની રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી સાર્વત્રિક વરસાદ વરસાવી દેતાં ખેડૂતો સહિત સૌકોઇ ખુશખુશાલ થઈ ગયા છે. જિલ્લાના તમામ તાલુકામાં બુધવારની વહેલી સવારના 6 વાગ્યાથી ચાર કલાકમાં સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે મૂરઝાતા પાકોને નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી છે. મંગળવારની રાતથી બુધવારની સવારે 10 વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વઘુ માંગરોળમાં 9 ઇંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ વરસ્‍યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) મહુવામાં મોતને ભેટનાર સુરતના પરિવારની અંતિમ તસવીરો, નદીમાં ડૂબતા પતિને બચાવવા જતાં પત્ની, માતા અને બે ભાભી પણ ડૂબ્યાં, 4નાં મોત
સુરતના મુસ્લિમ પરિવારના દીકરાના એક માસ પહેલાં જ લગ્ન થયા હોઈ, મંગળવારે મહુવાના કુમકોતર ખાતે આવેલી જોરાવર પીરબાવાની દરગાહની લીધેલી મન્નત પૂરી કરવા આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવી નવદંપતી સહિત પરિવારના સભ્યો નદીમાં નાહવા ગયાં અને 5 સભ્ય ડૂબી જવાની ઘટનાથી પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. મંગળવારે બે મહિલાના મૃતદેહ મળ્યા બાદ બુધવારે વધુ બે મહિલાના મૃતદેહ મળ્યા હતા. આમ સાસુ અને ત્રણ પુત્રવધૂનાં મોત થઈ ગયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

4) વાંસદામાં કોરોના બાદ અસ્થિર મગજના યુવાનનો આપઘાત, એ જ વૃક્ષ પર લટકી માતા-પિતાએ પણ જીવન ટૂંકાવ્યું
કોરોના મહામારીએ અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. વૃક્ષ પર જુવાનજોધ દિકરાની લાશ લટકતી જોઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેની નજીકની જ ડાળી પર લટકી જઈને જીવનનો અંત આણ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) અલકાયદાએ તાલિબાનને જીતની શુભેચ્છા પાઠવી, મઝહબના દુશ્મનોને કાશ્મીર અને બીજી ઈસ્લામી જમીનોથી આઝાદીનું આહ્વાન કર્યું
આતંકી સંગઠન અલકાયદાએ મંગળવારે અફઘાનિસ્તાનમાં મળેલી જીત બદલ તાલિબાનને શુભેચ્છા આપી છે. અલકાયદાએ આ શુભેચ્છા સંદેશમાં ઈસ્લામના દુશ્મનોને કાશ્મીર અને બીજી ઈસ્લામી જમીનોને આઝાદ કરાવવાનું આહ્વાન કર્યું છે. અમેરિકાની સેના પરત ફર્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનને આઝાદ જાહેર કર્યું છે. સંદેશામાં અલકાયદાએ પેલેસ્ટાઈન,લેવેન્ટ,સોમાલિયા અને યમન જેવા ક્ષેત્રોની આઝાદીની પણ માગ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) અર્થતંત્રમાં સુધારાના સંકેત, ઓગસ્ટમાં GSTમાંથી સરકારની તિજોરીમાં રૂ.1.12 લાખ કરોડ આવ્યા, વાર્ષિક ધોરણે 30% જેટલી વૃદ્ધિ
કોરોનાની અસરમાંથી બહાર આવી રહેલાં ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. ઓગસ્ટ મહિનામાં સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી રૂપિયા 1,12,020 કરોડની આવક થઈ છે. જુલાઈ મહિનામાં GST મારફતે રૂપિયા 1.16 લાખ કરોડની આવક થઈ હતી. ઓગસ્ટ મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 30 ટકા વધ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં GST કલેક્શન રૂપિયા 86,449 કરોડ થયું હતું. GST કલેક્શન પર કોરોના વાઈરસ સંક્રમણની બીજી લહેરની અસર થઈ છે અને જૂન મહિનામાં GSTથી થતી આવક રૂપિયા 1 લાખ કરોડથી નીચે આવી ગઈ હતી. આ અગાઉ સતત 9 મહિના સુધી GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

7) મોંઘવારી મુદ્દે કોંગ્રેસ-ભાજપ સામસામે, રાહુલે કહ્યું- પેટ્રોલિયમ પર 23 લાખ કરોડનો ટેક્સ વસૂલ્યો, સંબિત પાત્રાએ કહ્યું-નોટબંધીથી કોંગ્રેસને નુકસાન થયું
મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું તો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સરકારને બચાવવા મેદાનમાં ઉતર્યા. રાહુલે LPG સિલિન્ડરના વધતા ભાવ અને ડીઝલ-પેટ્રોલની વધતી કિંમતને લઈને મોદી સરકારને આડે હાથ લીધી. તેઓએ કહ્યું કે સરકારે ઓઈલની કિંમત વધારીને સામાન્ય લોકોની કમર ભાંગી નાખી છે. રાહુલે કહ્યું કે સરકાર જણાવે છે કે GDP વધી છે. આ GDPનો અર્થ તે નથી જે તમે સમજો છો, GDPનો અર્થ છે ગેસ, ડીઝલ-પેટ્રોલ અને સરકારે છેલ્લાં 7 વર્ષમાં આ ત્રણ વસ્તુની કિંમત વધારી છે. જેમાંથી સરકારે 23 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે પૈસા ક્યાં ગયા.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અરવલ્લીમાં આંચકારૂપ બનાવ, યુવકે સાણસીથી હેન્ડ ગ્રેનેડની પિન ખેંચતાં જ બ્લાસ્ટ, યુવક અને તેની પુત્રીનું મોત, બીજી બાળકી ગંભીર, હેંડ ગ્રેનેડ અંગે તપાસ
2) વાંસદામાં કોરોના બાદ અસ્થિર મગજના યુવાનનો આપઘાત, એ જ વૃક્ષ પર લટકી માતા-પિતાએ પણ જીવન ટૂંકાવ્યું
3) ભાજપના MLAનો CMને પત્ર, 'BPLની યાદીમાં વહાલાં-દવલાંની નીતિ અપનાવી છે, સ્કૂલો મર્જ કરવાનો નિર્ણય તમારી જાણ બહાર લેવાયો હોય તેમ લાગે છે'
4) ગોંડલમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, અંડરબ્રિજમાં કાર ફસાઇ, આશાપુરા ડેમ ઓવરફ્લો, રાજકોટ અને જસદણમાં દોઢ ઇંચ, સર્વત્ર પાણી જ પાણી
5) મથુરા સહિત ઉત્તરપ્રદેશનાં 7 શહેરમાં દારૂ, માંસ નહીં વેચાય, ટૂંક સમયમાં તમામનું પુનર્વસન કરવાની કામગીરી શરૂ થશે
6) કોરોનાનો વધુ એક જીવલેણ વેરિયન્ટ C.1.2 મળ્યો; ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક હોવાનો વૈજ્ઞાનિકોનો મત
7) વેક્સિનના બબ્બે ડોઝ લીધા પછીયે ફરાહ ખાન કોરોના પોઝિટિવ થઈ, કોમેડી શૉમાં એની જગ્યાએ મિકા સિંહ આવવાની ચર્ચા

આજનો ઈતિહાસ
વર્ષ 1969માં આજના દિવસે વિશ્વનું સૌપ્રથમ ATM ન્યૂયોર્કમાં શરૂ થયું હતું. અમેરિકાની કેમિકલ બેંકે રોકિવલ સેન્ટરમાં તેની શરૂઆત કરેલી.

અને આજનો સુવિચાર
આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...