આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી અન્વ્યે રાષ્ટ્રવ્યાપી આભિયાન "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ દરમ્યાન દેશના સૌ નાગરીકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી , કાર્યાલય, ઓફીસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તારીખ 7 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમ્યાન વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આવતીકાલે 7 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. શાહીબાગ સરદાર પટેલ સ્મારક ગાયત્રી મંદિર પાસેથી આ તિરંગા યાત્રાની શરૂઆત થશે. અમદાવાદની તમામ 16 વિધાનસભામાં આવતા 48 વોર્ડમાં તિરંગા યાત્રા ફરશે.
શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને યુવા મોરચા પ્રમુખ વિનયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષના અનુસંધાને સમગ્ર દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવી રહ્યું છે. 13થી 15 ઓગસ્ટ દરમ્યાન દેશના સૌ નાગરીકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી , કાર્યાલય, ઓફીસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આવતીકાલથી શરૂ થનારી તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે સૌ નાગરીકોને પ્રેરિત કરશે. આ તિરંગા યાત્રામાં ભારત માતાની પ્રતિમાને પણ જોડવામાં આવશે અને દરેક જગ્યાએ ભારત માતાની પ્રતિમાને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દર વર્ષે 14મી ઓગસ્ટે ઉજવાતા અખંડ ભારત સ્મૃતિ દિવસ અંતર્ગત વેજલપુર વિધાનસભાના જોધપુર વોર્ડ ખાતે આ તિરંગા યાત્રાનું સમારોપ થશે. સમગ્ર શહેરમાં આશરે 350 થી 400 કિલોમીટર જેટલો પ્રવાસ આ તિરંગા યાત્રા અંતર્ગત સમગ્ર મહાનગરમાં કરવામાં આવશે. શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે દરરોજ બે વિધાનસભામાં આ તિરંગા યાત્રા યોજાશે આવતીકાલે ત્રણ હજારથી વધુ બાઇકો સાથે યાત્રા નીકળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.