તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસ્ટ એડિટર:સમયને બાંધી નથી શકાતો, પણ સર્જનાત્મક રીતે આપણી સાથે જોડી શકાય છે! - શિલ્પા ચોક્સી

અમદાવાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગેસ્ટ એડિટર શિલ્પા ચોક્સીની તસવીર - Divya Bhaskar
ગેસ્ટ એડિટર શિલ્પા ચોક્સીની તસવીર

દરેક સ્ત્રીની એક કથા, સમયનું એક નાનકડું ચક્ર છે... સ્ત્રી પોતાના ખભા પર ઈતિહાસનું વહન કરે છે. એ એક આખી પેઢીને જન્મ આપીને ઉછેરે છે... સ્ત્રી સ્વયં સમયનું એક પરિમાણ છે. પોતાનો સમય કેવી રીતે વાપરવો કે વેડફવો એ તો દરેક સ્ત્રીએ જાતે જ નક્કી કરવું પડે.

સા માન્ય રીતે લગ્ન થાય એટલે સ્ત્રીના જીવનમાં એના પરિવાર અને સંતાનો સિવાય કંઈ બચતું નથી. લગ્ન પછી કોઈ કારકિર્દી શરૂ કરવી, અને એ પણ સાવ અજાણી દિશામાં... સહેલું નથી. બે બાળકો ટીનએજમાં પ્રવેશી ચૂક્યા હોય ત્યારે સૌથી પહેલો સવાલ તો એ પૂછાય, ‘હવે તારે શું કામ આ બધું કરવું છે? મને પણ પૂછેલું...’ જેનો જવાબ ત્યારે મારી પાસે નહોતો, આજે છે!

હું જરા લૉ પ્રોફાઈલ વ્યક્તિ છું. જાહેર જીવનમાં કે સોશિયલિસ્ટ તરીકે પેજ થ્રી સિવાય તમે મને ક્યાંય જોઈ નહીં હોય, આજે તમને મળવા માટે અહીં પહોંચી છું ત્યારે મારી એક નાનકડી ઓળખ આપવાની તક લઈ લઉં છું. હું સમય સાથે કામ કરું છું... તમને નવાઈ લાગશે, પણ હા હું ડિઝાઈનર વોચીસ અને કસ્ટમમેઈડ ઘડિયાળ અથવા ક્લોક બનાવવાનું કામ કરું છું. સાથે જ્વેલરી ડિઝાઈન પણ મારો શોખ, અથવા પેશન છે. આજે આ લખતી વખતે પાછી ફરીને વિચારું છું તો મને સમજાય છે કે આ શોખ અથવા પેશન મને મારા ડીએનએમાં, વારસામાં મળ્યું છે.

ખૂબ નાની હતી ત્યારે મારા નાની માના ઘરમાં મોટી બ્રિટિશ ઘડિયાળ હતી. એના ટકોરા અને એની ટકટકનો અવાજ મને ખૂબ આકર્ષતો. એ પછી ઘડિયાળોનું કોઈ વિચિત્ર આકર્ષણ શરૂ થયું. મને જેટલા પોકેટમની મળતા એ બધા હું ઘડિયાળ ખરીદવામાં વાપરી નાખતી... મને ઘડિયાળોની ડિઝાઈનમાં એકસરખાપણું બહુ નડતું. રાઉન્ડ, સ્કેવર, રેક્ટેન્ગલ અને ઓવલ, ચાર જ આકારમાં ઘડિયાળ મળે. એ વખતે હું જાતભાતની કલ્પનાઓ કરતી. સૂરજ જેવી ઘડિયાળ, પાણીના ટીપાં જેવી, મોરના પીંછા જેવી કે માછલી જેવી... પણ ત્યારે આવું કંઈ મળતું નહીં. પછી લગ્ન થયાં, મારા પતિ કેમિકલના બિઝનેસમાં. એમની ઓફિસમાં જતી પણ એડમિન સિવાય ખાસ કંઈ મારા ભાગે આવતું નહીં... હું જાઉં તો ય ઠીક અને ન જાઉં તો ય ઠીક! મને લાગ્યું કે મારે મારી ઓળખ ઊભી કરવી જોઈએ.

મારી દીકરી શૈલજા દસમા ધોરણમાં હતી ત્યારે એ ભણતી અને હું બેસી રહેતી. એની સાથે કલાકોના કલાકો બેસતી ત્યારે વિચાર આવ્યો કે બંને ભણીને સાસરે જતી રહેશે ત્યારે હું શું કરીશ! 38 વર્ષની ઉંમરે મેં મારા પેશનને ફોલો કરવાનું નક્કી કર્યું. જ્વેલરી ડિઝાઈનની ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું. મારા શિક્ષકની ઉંમર 25 વર્ષની હતી, ને મારા સહઅધ્યાયીઓ 18 અને 19 વર્ષના... એ લોકો મારી ખૂબ મજાક ઉડાવતા, કારણ કે એ લોકો માનતા કે હું માત્ર ટાઈમપાસ કરવા ઈન્સ્ટિટ્યૂટમાં આવું છું. કેટલાક સોફ્ટવેરમાં સમજ ન પડે તો મદદ કરવાને બદલે મારી મશ્કરી કરતા. હું ઘેર આવીને રડતી. જોઈન્ટ ફેમિલીમાં, સંતાનો પણ ટીનએજ વટાવી ચૂક્યા હોય ત્યારે નવેસરથી શરૂઆત કરવી સહેલી તો નથી જ હોતી, પણ કોણ જાણે કઈ હિંમતથી મેં કોર્સ પૂરો કર્યો. એ પછી વૉચ ડિઝાઈનની વાત આવી ત્યારે ખબર પડી કે ભારતમાં વૉચ ડિઝાઈન માટે એ વખતે કોઈ કોર્ષ હતો જ નહીં. બાળકો અને પરિવારને મૂકીને, સ્વિટ્ઝર્લેન્ડ જવું અશક્ય હતું. માણેકચોકમાં સીધી સીડી ચડીને એક માથું અડી જાય એવી નાનકડી ઓફિસમાં મેં ઘડિયાળના રિપેરિંગનું અને બનાવટનું કામ શીખવા માંડ્યું... પહેલી ઘડિયાળ બનાવી ત્યારે એક બાળકને જન્મ આપવા જેટલો આનંદ થયો હતો! સમયને કોઈ બાંધી શકતું નથી, પરંતુ સમયને ખૂબ સર્જનાત્મક અને સુંદર રીતે આપણી સાથે જોડી શકાય છે, ભેટમાં આપી શકાય છે, સ્મૃતિ સ્વરૂપે સાચવી શકાય છે, લાગણીની ભાષા બનાવીને પોતાની વાત કહી શકાય છે તો ક્યારેક આપણા સ્વભાવ અને પ્રકૃતિને પણ આપણે આપણા કાંડે બાંધેલા સમયના સાધન દ્વારા અભિવ્યક્ત કરી શકીએ છીએ... આ બધું મને ઘડિયાળ બનાવવાની મારી યાત્રામાં સમજાતું ગયું.

2010માં મારી પોતાની કંપની, ‘મેરીગોલ્ડ’ શરૂ કરી. આજે ભારતના ઘણા રોયલ ફેમિલી, બોલિવુડના સ્ટાર્સ અને કેટલાય સેલિબ્રિટિઝ માટે હું કસ્ટમ મેઈડ વૉચીસ ડિઝાઈન કરું છું. મને મારા કામમાં ખૂબ મજા આવે છે. ક્રિએટિવિટી અને ટેકનોલોજીનો આવો સમન્વય ભાગ્યે જ ક્યાંક મળતો હશે! આજે ગુલબાઈ ટેકરા પર એક સરસ મજાનો સ્ટુડિયો મારો કમ્ફર્ટ ઝોન છે. હું સ્ટુડિયો પહોંચું એટલે જાણે નવી વ્યક્તિ જ બની જાઉં છું. આપોઆપ નવા વિચારો આવવા લાગે છે. આજે 11 વર્ષ થયાં, આટલા નાના સમયગાળામાં મારી ડિઝાઈન્સ એટલી તો લોકપ્રિય થઈ છે કે ભારતની એક મોટી ડિઝાઈનર કંપનીએ અમારી નાનકડી કંપનીને કેસ સ્ટડી તરીકે પોતાના લિસ્ટમાં સમાવી છે. હું દુનિયાભરની વૉચીસ ભેગી કરું છું, અને એમાંથી તદ્દન નવા વિચાર સાથે નવું જ સર્જન કરું છું. હવે ‘મેરિગોલ્ડ’ મારે માટે માત્ર કંપની કે બિઝનેસ નથી, એક જીવનશૈલી છે. કોઈપણ કસ્ટમાઈઝ્ડ વૉચ ડિઝાઈન કરતા પહેલાં હું પહેરનાર કે જેને આપવાની છે એવી વ્યક્તિના શોખ, ગમા-અણગમા, સ્વભાવ અને એના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરું છું... આ પ્રવાસમાં મને ‘માણસ’ને સમજવાની પણ એક જુદી જ, અનોખી તક પ્રાપ્ત થઈ છે એમ કહું તો ખોટું નથી.

આમ જોવા જઈએ તો હું સમય સાથે કામ કરું છું. કલાક, મિનિટ, ક્ષણોને માણસ પોતાના કાંડા પર બાંધીને, કોટમાં લટકાવીને કે દિવાલ પર રાખીને પોતાના સમયને ગોઠવી શકે એવો એક નમ્ર પ્રયાસ હું કરું છું. આમ જોવા જઈએ તો જીવનમાં બીજુ છે શું, સમય સિવાય? અને આપણી પાસે સૌથી ઓછું શું છે, સમય... જે સૌથી મહત્ત્વનું છે, એ જ સૌથી ઓછું છે! આ મિનિટ, ક્ષણો, કલાકો, મહિનાઓ કે ઋતુઓ તો આપણે આપણી સગવડ માટે ગોઠવી છે. એક પરિમાણ તરીકે આ સમયને આપણે કાલખંડમાં વહેંચ્યો છે. બાકી નિરાંતે વિચારીએ તો સમજાય કે સમય તો એક ચક્ર છે જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ પૂરું થાય છે. એને પહેલાં શ્વાસ કે આખરી શ્વાસ સાથે સંબંધ નથી, એને ઉગતા સૂરજ કે ડૂબતા સૂરજ સાથે, અંધારા કે અજવાળા સાથે નિસ્બત નથી... એ તો પ્રવાહ છે, અસ્ખલિત ! આપણે એક નાનકડો હિસ્સો છીએ આ પ્રવાહનો. હું આ અસ્ખલિત પ્રવાહને, એના અમાપ વિસ્તારને, એના અનાદિ-અનંત અસ્તિત્વને એક સર્જનાત્મક સ્વરૂપ આપવાનો પ્રયાસ કરું છું.

મારે મારી બધી મહિલા વાચકોને કહેવું છે કે સમય સાથે કામ કરીને મને સમજાયું છે કે જીવનમાં ક્યારેય ‘મોડું’ થતું નથી. આ એક કોન્સેપ્ટ છે, એક ભ્રમણા માત્ર... ‘હવે શું ?’ અથવા ‘હવે કઈ થાય નહીં’ જેવા શબ્દો નિરાશાજનક છે. આપણે બધાએ, ખાસ કરીને સ્ત્રીઓએ આ નિરાશામાંથી બહાર આવવાની જરૂર છે. સાંજે ડૂબતો સૂરજ દરરોજ એવું કહીને જાય છે કે હું પાછો આવીશ... એ પોતાનું વચન નિભાવે છે. વિતી ગયેલો કલાક, ભલે પાછો ન ફરે, પરંતુ એ આવનારા કલાકને આપણી હથેળીમાં મૂકીને જાય છે. આપણે સમજતા નથી, સમજવા માગતા નથી અથવા જીવન પાસેથી જે મળ્યું છે એને સ્વીકારીને સાભાર જીવવાને બદલે સામાન્ય રીતે જે નથી મળ્યું એનો હિસાબ કરવામાં બહુ સમય વેડફી નાખીએ છીએ.

વિતી ગયેલા સમય વિશે અફસોસ ન કરવો એવું હું શીખી છું, પણ વેડફાઈ ગયેલા સમયનો કોઈ ઉપાય નથી એવું પણ આપણે સમજી લેવું જોઈએ. દિવ્ય ભાસ્કરે શરૂ કરેલી આ મહિલા તંત્રીની સિરિઝ મારા જેવી અનેક જાણીતી-અજાણી મહિલાઓને તમારા સુધી લઈ આવશે. અમારા સૌ પાસે પોતાની એક કથા છે-મને વિશ્વાસ છે કે તમારી પાસે તમારી એક કથા હશે. તમારા સંઘર્ષની, સર્જનની, સ્નેહની, સંબંધોની કે સમસ્યાની... આવી કોઈપણ કથા ‘ભાસ્કર’ના પાનાં પર પ્રકાશિત થાય તો જ એનું મહત્ત્વ છે, એવું નહીં માનતા. દરેક સ્ત્રીની એક કથા, સમયનું એક નાનકડું ચક્ર છે... સ્ત્રી પોતાના ખભા પર ઈતિહાસનું વહન કરે છે. એ એક આખી પેઢીને જન્મ આપે છે અને ઉછેરે છે... સ્ત્રી સ્વયં સમયનું એક પરિમાણ છે. પોતાનો સમય કેવી રીતે વાપરવો કે વેડફવો એ તો દરેક સ્ત્રીએ જાતે જ નક્કી કરવું પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો