• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Tiffin Hit The Conductor In The Head For Not Returning The Loose Rupee To The Passenger, AMTS Conductor Complains At Kagdapeeth Police Station

એક રૂપિયાની બબાલ:પેસેન્જરને છૂટો રૂપિયો પાછો ન આપતા કન્ડક્ટરને માથામાં ટિફિન માર્યું, કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં AMTSના કન્ડક્ટરની ફરિયાદ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયો પછી આપું તેમ કહ્યું, પણ છૂટા ન મળતાં મામલો વણસ્યો

એએમટીએસ બસમાં પેસેન્જર અને કન્ડક્ટર વચ્ચે છૂટા પૈસાની માથાકૂટ સામાન્ય બાબત છે. આવી જ એક ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા માત્ર એક રૂપિયાને કારણે પેસેન્જરે કન્ડક્ટરને માથામાં ટિફિન મારી લોહીલુહાણ કર્યો હતો. દરમિયાન અન્ય પેસેન્જરોએ હુમલો કરી નાસવાનો પ્રયાસ કરનાર પેસેન્જરને પકડી લીધો હતો. આ અંગે કન્ડક્ટરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નરોડામાં રહેતા અને એએમટીએસમાં કન્ડક્ટરની ફરજ બજાવતા ધનાભાઇ ખરાદી સોમવારે પોતાની ફરજ પર હતા, ત્યારે સાંજે એક પેસેન્જરે ટિકિટ પેટે રૂ.15 આપ્યા હતા. જોકે, ટિકિટનો ચાર્જ રૂ.12 થતો હતો. ધનાભાઇ પાસે રૂ.3ની જગ્યાએ રૂ.2 જ ખુલ્લા હતા. તેથી રૂ.2 પેસેન્જરને પરત આપી બાકીનો 1 રૂપિયો પછીથી આપવા કહ્યું હતું. પરંતુ ધનાભાઇ પાસે 1 રૂપિયો ન હોવાથી પેસેન્જરે બૂમાબૂમ કરતાં ધનાભાઇએ તેને શાંત રહેવા કહ્યું હતું. છતાં પેસેન્જરે ઉશ્કેરાઇને ઝપાઝપી કરી ધનાભાઇને ટિફિન મારી દેતાં ધનાભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા.

આ દરમિયાન બૂમાબૂમ થતાં અન્ય પેસેન્જરોએ હુમલો કરનારને ઝડપી લીધો હતો. બીજી તરફ ધનાભાઇને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ મામલે ધનાભાઇએ ઝડપાયેલા પેસેન્જર વિનોદ અમર ચુનારા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...