વાતાવરણમાં મધ્ય અને ઉપરના લેવલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેની અસરોથી 30 કિલોમીટરની ગતિના પવનો સાથે શહેરના એસજી હાઈવથી માંડી ગોતા સુધીના, મણિનગર, રાણીપ, સેટેલાઈટ, નિકોલ સહિતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે 10.30 સુધી વરસાદ ચાલુ હતો. હજુ બે દિવસ હળવાં વરસાદી ઝાપટાંની વકી છે.
સાંજે 5 વાગ્યા પછી વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને તોફાની પવન શરૂ થયો હતો. લગભગ 15થી 20 મિનિટ પછી વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધૂળની ડમરી પણ ઊડી હતી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડતાં વાહનચાલકોએ બાજુએ ઊભા રહી જવું પડ્યું હતું. શહેરનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી વધીને 21 ડિગ્રી નોંધાયું હતું.
સૂકા-ભેજવાળા પવન ભેગા થતાં માવઠું થયું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર લેવલના ટ્રફને ઉપરાંત નીચલા લેવલે પવનની પેટર્નમાં ફેરફાર થાય ત્યારે સુકા અને ભેજવાળા પવનો ભેગા થતાં માવઠાની સ્થિતિ સર્જાય છે. અગાઉ 6 અને 27 માર્ચ-2020ના રોજ પણ અમદાવાદમાં માવઠું થયું હતું. આ બે દિવસ દરમિયાન અમદાવાદમાં 6 માર્ચે 4 મીમી અને 27 માર્ચે 9 મીમી વરસાદ પડ્યો હતો. > અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ
2020માં પણ 6 માર્ચે માવઠું થયું હતું
સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદમાં આ વખતે હોળીના દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. 2020માં પણ 6 માર્ચે માવઠું થયું હતું. જો કે, એ વખતે 10 માર્ચે હોળી હતી. સોમવારે સાંજ પછી અચાનક વરસાદ પડતાં લોકોએ છત્રી સાથે હોળીની પ્રદક્ષિણા કરવી પડી હતી. અગાઉ નવરાત્રિ, દિવાળી તેમજ ઉત્તરાયણમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.