કમિટીનો નિર્ણય:અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ત્રણ ટેનિસ કોર્ટ ખાનગી કોન્ટ્રાક્ટરોને ચલાવવા માટે આપવામાં આવ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેનિસ કોર્ટમાં રમવા માટે કોર્પોરેશનના ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવી
  • શહેરમાં આવેલા કેટલાક ગાર્ડનો સાધનો તૂટી ગયા હોવાની ફરિયાદો ઉઠતા રિપેર કરવા અધિકારીઓને સુચના

અમદાવાદ શહેરમાં લાંભા, રામોલ અને નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના વિવિધ પ્લોટોમાં બનાવવામાં આવેલા ટેનિસ કોર્ટને પાંચ વર્ષ માટે પી.પી.પી.મોડલથી ચલાવવા માટે કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત આજે મળેલી રિક્રિએશનલ કમિટીમાં મંજુર કરવામાં આવી છે. દરેક ટેનિસ કોર્ટ જે પ્લોટ અને કોર્ટને કરોડોના કિંમતમાં બનાવી અને હવે ખાનગી કંપનીને દર મહિનાના નજીવા ભાડાની કિંમતે ચલાવવા આપવામાં આવશે.

ટેનિસ શીખવા માટે દર મહિને 500 રૂપિયા ફી લેવાશે
રિક્રિએશનલ કમિટિના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું હતું કે, લાંભા, રામોલ અને નિકોલ વિસ્તારમાં ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા છે જેને પીપીપી ધોરણે ચલાવવાની મંજૂરી આજે આપવામાં આવી છે આ ટેનિસ કોર્ટમાં કોર્પોરેશનના ધારાધોરણ મુજબ ફી નક્કી કરવામાં આવી છે. જેમાં નાના બાળકોથી લઇ અને મોટા શીખવા માટે દર મહિને 500 રૂપિયા ફી તેમજ જે લોકો અગાઉ શીખી ચૂક્યા છે અને તેઓ કોર્ટનો રમવા માટે ઉપયોગ કરવો હોય તો તેઓને માસિક રૂ.1000, છ મહિનાના રૂ.5000 તેમજ એક વર્ષના રૂ.9000 ચૂકવવા પડશે.

5 વર્ષ માટે શરતો તથા ફી મુજબ દરખાસ્ત મંજુર કરાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લાંભા ટેનિસકોર્ટમાં 2 કોર્ટ વેગડા હસમુખભા પુરસોત્તમદાસને એક કોર્ટ દીઠ નેગોશીએશનથી આવેલ રૂ.1.15 લાખ લેખે 2 ટેનિસ કોર્ટના રૂ. 2.30 લાખના 18 ટકાના જી.એસ.ટી. ભરાવી પાંચ વર્ષ માટે પી.પી.પી.મોડેલથી ચલાવવા આપવા તેમજ રામોલ ટેનિસ કોર્ટ 2 કોર્ટ સોફટ ટેનિસ એસોશીએશન ઓફ ગુજરાતને એક કોર્ટ દીઠ નેગોશીએશનથી આવેલ રૂ. 1.25 લાખ લેખે ટેનિસ કોર્ટના રૂ. 2.50 લાખ+ 18 ટકા જી.એસ.ટી.ભરાવી પાંચ વર્ષ માટે પી.પી.પી.મોડેલથી ચલાવ આપવા તેમજ નિકોલ ટેનિસ કોર્ટ (2 કોર્ટ) મારૂ અનિલ રાજેશભાઇને એક કોર્ટ દીઠ નેગોશીએશનથી આવેલા રૂ.1.30 લાખ/- લેખે 2 ટેનિસ કોર્ટના રૂ. 2.60 લાખ + 18 ટકા જી.એસ.ટી. ભરાવી પાંચ વર્ષ માટે નક્કી થયેલ શરતો તથા ફી મુજબ પી.પી.પી.મોડેલ ચલાવવા આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

મહિલાઓના સ્વિમિંગનો સમય બદલવા રજૂઆત
આ ઉપરાંત શહેરના કેટલાક બાગ-બગીચાઓ રીપેરિંગ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલા સ્વિમિંગ પુલમાં મહિલાઓના સ્વિમિંગનો બપોરનો સમય હોય છે. તેને સવારે અથવા મોડી સાંજે કરવા માટેની રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને યોગ્ય રીતે સમય નક્કી કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...