માતા કે પિતાએ વેક્સિન ના લીધાનું દર્દ:વેક્સિન ના લેવાથી ત્રણ ટીનેજર્સે માતા કે પિતા ગુમાવ્યાં, પપ્પાએ વેક્સિનનો એક ડોઝ પણ લીધો હોત તો મારી સાથે હોત

અમદાવાદ4 મહિનો પહેલા
  • 15 દિવસ સુધી પપ્પા કોરોના સામે ઝઝૂમ્યા હતા, આજે મેં વેક્સિન લીધી: પૂજા સોલંકી

જીજ્ઞેશ કોટેચા, મેહુલ ચૌહાણઃ રાજ્યભરમાં આજથી(3 જાન્યુઆરી,2022) 15થી 18 વર્ષના ટીનેજર્સને વેક્સિનેટ કરવાના મહાઅભિયાનની શરૂઆત થઈ છે. આ વેક્સિનેશન મેગા ડ્રાઇવનો દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. કોરોનાએ કરોડો પરિવારના આધાર છીનવ્યા છે તો સામે વેક્સિને કરોડો પરિવારોને વિખેરાતાં બચાવ્યા છે. ત્યારે આજે દિવ્ય ભાસ્કરે કોરોનામાં માતા કે પિતા ગુમાવનારા ટીનેજર્સ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાંથી એક વિદ્યાર્થિનીના પિતાનું મૃત્યુ થયું ત્યારે વેક્સિન નહોતી. જ્યારે એક વિદ્યાર્થિનીને પિતાએ અને એક વિદ્યાર્થીને માતાએ વેક્સિન ના લીધાનો અફસોસ છે. રાજકોટની પૂજા સોલંકી નામની કિશોરીએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો મારા પિતાએ વેક્સિન એક ડોઝ પણ લઈ લીધો હોત તો આજે મારી સાથે હોત.

પિતાએ વેક્સિન ન લીધી એનો આજે પણ અફસોસઃ પૂજા
પૂજા સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે મેં મહિનામાં મારા પિતાએ વેક્સિન લીધી ન હતી, જેનો મને આજે પણ અફસોસ છે અને વેક્સિન વગર તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા. 15 દિવસ સુધી તેમણે હોસ્પિટલમાં કોરોના સામે લડત આપી હતી, પરંતુ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નહોતો. કદાચ વેક્સિનનો એક ડોઝ પણ લેવાઈ ગયો હોત તો આજે તેઓ મારી સાથે હોત.

કોરોનામાં પિતા ગુમાવનારી પૂજા સોલંકી.
કોરોનામાં પિતા ગુમાવનારી પૂજા સોલંકી.

વેક્સિન કોરોના સામે રક્ષણ આપે છે અને મોતથી બચાવે છેઃ પૂજા
પૂજાએ વધુમાં જણાવ્યું હતું કે આજે મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. વેક્સિન કોરોના સામે રક્ષણ આપે છે અને મોતથી બચાવે છે, એવું અનેક કિસ્સામાં સામે આવ્યું છે અને એ એક વાસ્તવિકતા પણ છે. તેથી મારી અપીલ છે કે દરેક લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ.

કોરોનાને કારણે માતા ગુમાવનારો ઉત્સવ પરમાર.
કોરોનાને કારણે માતા ગુમાવનારો ઉત્સવ પરમાર.

વેક્સિન ના લીધી હોવાથી માતા ગુમાવ્યાંઃ ઉત્સવ
જ્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા ઉત્સવ પરમારે પણ વેક્સિન ના લીધી હોવાથી માતા ગુમાવ્યા છે. ઉત્સવે જણાવ્યું કે દરેક લોકોએ વેક્સિન અચૂક લેવી જોઈએ. વેક્સિન એ આપણને કોરોના સામે રક્ષણ આપે છે અને એ આપણા સૌ માટે સુરક્ષાકવચ છે.

મારા માતાએ વેક્સિન લીધી નહીં અને બીજી લહેરમાં સંક્રમિત થયાઃ ઉત્સવ
મારા માતાએ કોરોનાની વેક્સિન લીધી ન હતી અને કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન તેઓ સંક્રમિત થયાં હતાં. 7 એપ્રિલે સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં અને તેઓ કોરોના સામે જંગ હારી ગયાં હતાં. 10 દિવસની સારવાર બાદ 17 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું, માટે તમામને હું અપીલ કરું છું કે જે પણ લોકોને વેક્સિન લેવાની બાકી હોય તેઓ અચૂક લઇ લે તથા પોતે તેમજ પોતાના પરિવાર, દેશને સુરક્ષિત બનાવે.

કોરોનામાં મૃત્યુ પામેલા પિતા રાહુલ યેવલા સાથે શ્રાવણી(જમણી બાજુથી પ્રથમ)
કોરોનામાં મૃત્યુ પામેલા પિતા રાહુલ યેવલા સાથે શ્રાવણી(જમણી બાજુથી પ્રથમ)

મેં કોરોનામાં પિતા ગુમાવ્યા, પણ એ સમયે વેક્સિન નહોતી
જ્યારે વડોદરાના માંજલપુર વિસ્તાર રહેતી અને સમા-સાવલી રોડ પર આવેલી ઊર્મિ સ્કૂલમાં ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની શ્રાવણી યેવલાએ આજે કોરોના સામે રક્ષણ મેળવવા માટે સ્કૂલમાં જઇને વેક્સિન લીધી હતી. તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં અપીલ કરી હતી કે મેં કોરોનામાં પિતા ગુમાવ્યા છે, એ સમયે વેક્સિન ન હતી. મેં આજે વેક્સિન લીધી, તમે પણ વેક્સિન લઈ લો.

વિદ્યાર્થિની શ્રાવણીએ કહ્યું હતું કે કોરોનાને કારણે મારા પિતા (રાહુલ યેવલા)નું મૃત્યુ થયું હતું. મારા પિતાને જ્યારે કોરોના થયો ત્યારે વેક્સિન પણ નહોતી. તેથી તમારે વેક્સિન જરૂર લેવી જોઇએ. વેક્સિન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે. મેં કોરોનામાં પિતા ગુમાવ્યા છે. હાલ વેક્સિન ઉપલબ્ધ છે તો તમે વેક્સિન જરૂર લો.

બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
શ્રાવણીના પિતા રાહુલ યેવલાનું મુંબઈમાં કોરોનાને કારણે મૃત્યુ થતાં તેની 17 વર્ષની દીકરી શ્રાવણી અને 13 વર્ષની દીકરી સૃષ્ટિએ પિતાની છત્રછાયા અને હૂંફ ગુમાવી છે. શ્રાવણી હાલ ધોરણ 12 સાયન્સમાં વડોદરાના સમા-સાવલી રોડ પર આવલે ઊર્મિ સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે સૃષ્ટિ માંજલપુરમાં આવેલી અંબે સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે.