ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલ દ્વારા આયોજિત કેમ્પસ જોબ પ્લેસમેન્ટમાં યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીને બેન્કિંગ સેક્ટરનું અત્યાર સુધીનંુ સૌથી વધુ વાર્ષિક રૂ.13.58 લાખનું જોબ પેકેજ ઓફર કરાયું છે. જે ત્રણ વિદ્યાર્થીને જોબ ઓફર થઈ છે, તેમાંથી બે વિદ્યાર્થી બી. કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (ગ્રાન્ટેડ)નાં છે. આ બંનેમાંથી યુવકે ગુજરાતીમાં અને યુવતીએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થિની ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એમએસસીની છે. જોબ પ્લેસમેન્ટ ફેરમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, મેનેજમેન્ટ, લો, એજ્યુકેશનના આશરે 175થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્લેસમેન્ટમાં ભાગ લેવા ધોરણ 10-12માં ફર્સ્ટ ક્લાસ, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ ફર્સ્ટ કલાસની લાયકાત નક્કી કરાઈ હતી.પ્રી-પ્લેસમેન્ટ ટોક, રિટર્ન ટેસ્ટ, ગ્રૂપ ડિસ્કશનની પ્રવૃત્તિઓ ઓનલાઇન હાથ ધરાયા પછી ટેકનિકલ, એચઆર ઈન્ટરવ્યૂ રાઉન્ડ કંપનીએ અમદાવાદમાં યોજ્યા હતા. અત્યાર સુધીમાં બી. કે. સ્કૂલના કુલ 100થી વધુ વિદ્યાર્થીઓમાંથી 52 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે.
પ્લેસમેન્ટમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, મેનેજમેન્ટ, લો બ્રાન્ચના કુલ 175થી વધુએ ભાગ લીધો હતો
જૂનમાં મેનેજમેન્ટ ગ્રેડ-1ની જોબ મેળવશે
ગુજરાત યુનિવર્સિટીના ત્રણેય વિદ્યાર્થીઓ જૂનમાં ફેડરલ બેન્કમાં ઓફિસર ઇન જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ-1 જોબ જોઈન કરશે. અભ્યાસમાં તેજસ્વી એવા આ વિદ્યાર્થીઓને ભારતની કોઈ પણ ફેડરલ બેન્કમાં પ્લેસમેન્ટ મળશે. - ડો.કિંજલ દેસાઈ, પ્લેસમેન્ટ ઓફિસર, ગુજ. યુનિ.
ભાઈ, પ્રોફેસરોનું માર્ગદર્શન ઉપયોગી થયું
મને જે જોબ ઓફર થઈ છે, તેની પાછળ બેન્ક ઓફ બરોડમાં મેનેજર તરીકે કાર્યરત મારા ભાઈની પ્રેરણા અને પ્રોત્સાહન છે. ઇન્ટરવ્યૂ સારી રીતે ક્લીયર કરવામાં કોલેજના મારા પ્રોફેસરોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું છે. - સ્ટેફી દેવદત્ત, જોબ મેળવનાર વિદ્યાર્થિની
પ્લેસમેન્ટમાં સારી કંપનીઓ સામેલ કરાઈ
મારાં માતાપિતાએે મને દેશના કોઈ પણ સ્થળે સારા પગાર સાથેની નોકરી મેળવવા પ્રોત્સાહિત કરી. પ્લેસમેન્ટ સેલ, બી. કે. સ્કૂલનો પણ જોબ અપાવવામાં મહત્ત્વનો ફાળો છે. કો ઓર્ડિનેટરે વિવિધ કંપનીઓને સામેલ કરતા સારા પગારની જોબ મળી શકી. - તન્હા ભંડારી, વિદ્યાર્થિની
પ્રોફેસરોના માર્ગદર્શનથી સારી જોબ મળી
મેં શાળાકીય અભ્યાસ ગુજરાતી માધ્યમની સોમનાથ સ્કૂલમાં કર્યો છે છતાં બી. કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસરોના શિક્ષણ અને માર્ગદર્શનથી સારા પગાર સાથેની નોકરી મેળવવામાં સફળતા મળી છે. - પૃથક જોષી, વિદ્યાર્થિની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.