વિવાદ:કચકચિયા સ્વભાવને કારણે ત્રણ પુત્રએ માતાને તરછોડી, મહિલા હેલ્પલાઈને સંતાનોને સમજાવી 4-4 મહિના રાખવા રાજી કર્યા

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દીકરાના ઘરની બહાર બેઠેલી વૃદ્ધાની વાત સાંભળીને એક વ્યક્તિએ હેલ્પલાઈનની મદદ માગી હતી
  • હેલ્પલાઈને વૃદ્ધાને કચકચ કરવાનું અને લોકોને બિનજરૂરી સલાહ આપવાનું બંધ કરી ભગવાનનું નામ લેવા સમજાવ્યાં

સ્વભાવ કયારેક માનવીને મુશ્કેલીમાં મુકી દેતો હોય છે, આવું જ કંઈક શહેરની 82 વર્ષીય વૃદ્ધા સાથે બન્યું છે. નાની નાની વાતોમાં કચકચ કરવાની અને બિનજરૂરી બધાને સલાહ આપવાના વૃદ્ધાના સ્વભાવના કારણે તેના પાંચ સંતાનોમાંથી એક પણ સંતાન તેમને સાથે રાખવા માટે તૈયાર નહતા. એક સદગૃહસ્થે મહિલા હેલ્પલાઈન અભયમને ફોન કરીને મદદ માંગતા કાઉન્સેલરોની મદદથી વૃદ્ધાને શાંતિથી જીવન જીવવાની સલાહ આપતા તેમના ત્રણ પુત્રો તેમને સાથે રાખવા માટે તૈયાર થયા હતા.

શહેરના પોશ વિસ્તારમાં રહેતા સાધનસંપન્ન પરિવારની 82 વર્ષીય વૃદ્ધાનો સ્વભાવ ગમે તે બિનજરૂરી બાબતોમાં માથું મારવાની અને કચકચ કરવાની અને લોકોને ગમે કે ન ગમે સલાહ આપવાની ટેવ પડી ગઈ હતી. જેના કારણે તેમના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ પરેશાન હતા. 15 વર્ષ પહેલા પતિના અવસાન બાદ એક પછી એક એમ ત્રણે પુત્રોએ માતાના સ્વભાવના કારણે તેમને સાથે રાખવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સ્થિતિમાં એક દીકરી માતાને પોતાની સાથે રાખવા તૈયાર થઈ હતી પરંતુ વૃદ્ધાના સ્વભાવથી કંટાળી દીકરીએ પણ સાથે રાખવાની ના પાડી દીધી હતી. આ ઘટના બાદ વૃદ્ધા પોતાના મોટા દીકરાના ઘરની બહાર બેઠાં હતાં તે દરમિયાન એક નાગરિકને વૃદ્ધાની હાલત જોઈ દયા આવતા તેમણે વૃદ્ધાની સાથે વાત કરી મહિલા હેલ્પલાઈન મદદ માંગી હતી.

મહિલા હેલ્પલાઈનના કાઉન્સીલરે વૃદ્ધાના ઘરની મુલાકાત લઈ વાતચીત કરી તેમના સંતાનોને બોલાવ્યા હતા જેમની સાથે વાત કરતા એક બાબત સપાટી પર આવી હતી કે કોઈને વૃદ્ધા સામે વેરઝેર નથી પરંતુ તેમને કચકચ કરવાનો સ્વભાવ જ નડે છે. આ બાબતે કાઉન્સેલરે વૃદ્ધાને સમજાવી ભગવાનનુ નામ લેવાની સલાહ આપી પોતાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરવાની અને બીજાના કામમાં માથું મારવાનો સ્વભાવને છોડવાની સલાહ આપી હતી આ સાથે વૃદ્ધાના સંતાનોને પણ સમજાવતા માતાને સાથે રાખવા રાજી થયા હતા.

સાસુને જોઈ પુત્રવધૂએ દરવાજો બંધ કરી દીધો
દીકરીએ માતાને સાથે રાખવાનો ઈન્કાર કરી દેતા માતા મોટા દીકરાને ઘરે ગયા હતાં. જો કે સાસુને આવેલાં જોઈને પુત્રવધૂએ પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને પરિવારજનો પાછળના દરવાજેથી કયાંક ચાલ્યા ગયા હતા જેના કારણે વૃદ્ધા દીકરાના ઘરની બહાર ચાર કલાક સુધી ઓશિયાળા બનીને બેઠા હતા. એક સદગૃહસ્થે હેલ્પલાઈનનો સંપર્ક કરી ઘરમાં પ્રવેશ અપાવ્યો હતો.

પુત્રોને સરખા હિસ્સે મિલકત આપી દીધી
વૃદ્ધાના પતિનું 15 વર્ષ પહેલાં અવસાન થયા બાદ વૃદ્ધાએ ત્રણે દીકરાને સરખે હિસ્સે મિલકતમાં ભાગ આપી દીધો હતો અને દીકરીને તેમના હિસ્સાની રકમ આપી હતી. આ સંજોગોમાં વૃદ્ધા દીકરા સાથે વારાફરતી રહીને જીવન વીતાવશે તેવુ નકકી થયુ હતુ પરંતુ વૃદ્ધાનો સ્વભાવ તેમનો વેરી બની ગયો હતો અને તેમને ધીરેધીરે ત્રણે છોકરાએ છોડી દેતા દીકરીએ પોતાની સાથે રાખ્યા હતા.