પર્દાફાશ:અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં બજારમાં નકલી નોટ ફરતી કરવા ટ્યુશન સંચાલિકા સહિત 3 શખ્સે તમિલનાડુના સેલમથી 3.21 લાખની નકલી નોટ મગાવી, ધરપકડ

અમદાવાદ7 દિવસ પહેલા
રામોલ પોલીસે એક મહિલા સહિત 3 શખ્સની ધરપકડ કરી.
  • ત્રણેયને નકલી નોટના બદલામાં 60-40ના રેશિયા સાથે કમિશન મળવાનું હતું

અમદાવાદના રામોલ પોલીસે બે પુરૂષ અને એક મહિલાને લાખો રૂપિયાની નકલી નોટ સાથે ઝડપી છે. 3 લાખથી વધુની નકલી નોટ દક્ષિણ ભારતથી લાવીને દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતના બજારમાં ફરતી કરવાના હતા. જોકે, આ નકલી નોટો ફરતી થાય તે પહેલાં જ રામોલ પોલીસે મહિલાના ઘરે તેમજ અન્ય જગ્યાએથી નકલી રૂપિયાની નોટો રિકવર કરી હતી. પોલીસ પૂછપરછમાં આ મહિલા ટ્યુશન ક્લાસિસ ચલાવે છે. તેણે પોતાના બે સાથી સાથે મળી તમિલનાડુના સેલમમાંથી 3.21 લાખની નકલી નોટ લાવી હતી.

પોલીસે બાતમીના આધારે નકલી નોટનું રેકેટ ઝડપી પાડ્યું
રામોલ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો દિવાળીના તહેવાર દરમિયાન માર્કેટમાં નકલી નોટ ફરતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વિકેશ વનિયર (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ખોખરા), મિતેષ વાઘેલા (સોમસર, સુરેન્દ્રનગર)ની અટકાયત કરી હતી. જેમની પાસેથી પોલીસને 500ના દરની 1 લાખથી વધુની નકલી ચલણી નોટ મળી હતી. પોલીસે તેમની ઉલટ તપાસ કરતા તેમની સાથે એક મહિલા અલકા જોશી (અક્ષરધામ ઈન્ટરસોટી, સિટીએમ)ની કડીથી મળી હતી.

આરોપીઓ પાસેથી કબ્જે કરેલી નકલી નોટ.
આરોપીઓ પાસેથી કબ્જે કરેલી નકલી નોટ.

અલકાના ઘરેથી 2 લાખ 20 હજારની નકલી નોટ મળી
નકલી નોટના રેકેટમાં અલકા પણ સામેલ હતી. જેથી પોલીસની ટીમે તેના ઘરે રેડ કરતા એના ઘરમાંથી 2000 અને 500ના દરની 2 લાખ 20 હજારની નકલી નોટ મળી આવી હતી. આ અંગે પોલીસે ત્રણેય આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ નકલી નોટ તેઓ તમિલનાડુના સેલમ ખાતેથી મગાવી હતી .જે નોટના 60/40ના રેશિયા સાથે કમિશન મળવાનું હતું.

બજારમાં કેટલી નકલી નોટ ફરતી કરી તે અંગે તપાસ હાથ ધરી
બજારમાં તહેવારના સમયે ભીડ હોવાથી નકલી નોટ સરળતાથી ફરતી થઈ શકે. જે માટે આ ત્રિપુટીએ કારસો રચ્યો હતો. પણ પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા હતાં. હાલના લોકોએ બજારમાં કેટલી નોટ ફરતી કરી છે તે અંગેની તપાસ હાથ ધરી છે. પોલીસે ખૂટતી કડીઓ મેળવવા માટે આરોપીના રિમાન્ડ માંગવાની તજવીજ શરૂ કરી છે.

અલકા ક્લાસિસ ચલાવે છે.
અલકા ક્લાસિસ ચલાવે છે.