રુવાંટાં ઊભાં કરતું રેસ્ક્યૂ:અમદાવાદમાં જોતજોતાંમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો ને માતા અને બે માસૂમ દટાયાં, લોકોએ એક-એક પથ્થર હટાવી બહાર કાઢ્યાં છતાં બેને ન બચાવી શકાયાં

અમદાવાદએક વર્ષ પહેલા
પહેલા એક બાળકી નીકળી ત્યારબાદ બીજી બાળકી અને છેલ્લે માતા બહાર નીકળી હતી
  • શહેરના કાલુપુર પાસે બિલ્ડિંગનો સ્લેબ પડતાં 3 માસૂમ દટાયા, જેમાં બેનાં મોત થયાં હતાં
  • એક-એક પથ્થર હટાવતાં હમણાં કોઈ નીકળશે એમ લોકો આશા રાખતા હતા, ભૂકંપમાં સર્જાયેલાં દૃશ્યો જેવી સ્થિતિ સર્જાઈ
  • સ્થાનિક લોકોએ કરેલા રેસ્ક્યૂના વીડિયો જોઈને ભલભલાના રુવાંટાં ઊભાં થઈ જાય એવો માહોલ

અમદાવાદ શહેરમાં રિલીફ રોડ પાસે આવેલી કડિયા કુઈ પાસે બે દિવસ અગાઉ સાંજે વર્ષો જૂના બિલ્ડિંગનો સ્લેબ પડ્યો હતો, જેમાં બે દીકરી અને માતા દટાઈ ગયાં હતાં. લોકોને ખબર પડી કે કોઈ દટાયું છે અને ફાયરબ્રિગેડ આવે એ પહેલાં તમામને કાટમાળમાંથી બહાર કાઢવા માટે પ્રયાસ શરૂ થયા. આ સમયે લોકો એક-એક પથ્થર હટાવી રહ્યા હતા, જેમાં પહેલા એક બાળકી નીકળી; ત્યાર બાદ બીજી બાળકી અને છેલ્લે માતા બહાર નીકળી હતી. આમાં દીકરી અને માતાનાં મોત નીપજ્યાં હતાં. આ સમગ્ર રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે, જે ભલભલાનાં રુવાંટાં ઊભાં કરી દે એવો છે.

લોકોના પ્રયાસ વચ્ચે નિર્દોષોનાં મોત સાથે જંગ
વીડિયો સામે આવ્યા બાદ એમાં દેખાતાં દૃશ્યોમાં સ્લેબ પડ્યો ત્યારે માતા-દીકરીઓ દબાયેલાં હતાં. નાની સાંકડી ગલી હોવાથી રેસ્ક્યૂ માટે ખૂબ ઓછી જગ્યા હતી. ત્યાં કોઈને રેસ્ક્યૂનો કોઈ અનુભવ ન હતો. એક તરફ, એક-એક પથ્થર હટાવવા માટેના પ્રયાસો થતા હતા તો બીજી તરફ, 3 નિર્દોષના જીવ અંદર દબાયેલા હતા.

માસૂમ બાળકી અને માતા બહાર આવી જતાં લોકો તેમને ઊંચકીને દોડ્યા.
માસૂમ બાળકી અને માતા બહાર આવી જતાં લોકો તેમને ઊંચકીને દોડ્યા.

બાળકીને બહાર કાઢતાં જ એક વ્યક્તિ તેને ઊંચકીને દોડી
લોકોને શું કરવું એ કઈ ખબર પડતી ન હતી, પણ બધા કઈ કરો એવી બૂમો પાડતા હતા. લોકો ફરીવાર દબાયેલા લોકોને કાઢવા પ્રયાસ કરતા હતા, પણ કોણ ક્યાં છે, કોની નીચે દબાયેલા છે કઈ ખબર ન હતી. આ બધાની વચ્ચે પહેલા માસૂમ બાળકી બહાર આવી, તેને બચાવવા એક વ્યક્તિ તેને ઊંચકીને દોડે છે. ત્યાર બાદ બીજી બાળકી અને ત્યાર બાદ માતાને બહાર કઢાઈ હતી. આ કમનસીબ ઘટનામાં એક દીકરી અને માતાનાં મોત થયાં છે.

ઘર તરફ જતી વખતે ઉપરથી મોત આવ્યું
આ બનાવની વિગત એવી હતી કે જમાલપુર રાજ હોસ્પિટલ પાસેના શાલિન ફલેટમાં રહેતાં નાઝિયાબાનુ શેખ (31) મંગળવારે સાંજે 5.45 વાગ્યે દીકરી જોહરા(12) અને આખ્તાબાનુ(7) સાથે રિલીફ રોડ કડિયાકૂઈ ચાર રસ્તા પાસેથી સોદાગરની પોળ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે જ રોડ પરના 3 માળના જર્જરિત મકાનની બાલ્કની નાઝિયાબાનુ અને તેમની દીકરી પર પડી હતી.

હલીમાબહેન ઘરમાં જ હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ તેમને હેમખેમ નીચે ઉતાર્યાં.
હલીમાબહેન ઘરમાં જ હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ તેમને હેમખેમ નીચે ઉતાર્યાં.

બાલ્કની ધરાશાયી થઈ ને 3 નિર્દોષ દટાયા
હોસ્પિટલમાં નાઝિયાબાનુ અને આખ્તાબાનુનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે જોહરાની હાલત ગંભીર છે. જે મકાનની બાલ્કની ધરાશાયી થઇ એ મકાન રજબ મંસૂરી (65)નું હતું અને ત્યાં તેઓ અને તેમનાં પત્ની હલીમાબહેન(62) રહેતાં હતાં. બાલ્કની પડી ત્યારે હલીમાબહેન ઘરમાં જ હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ તેમને હેમખેમ નીચે ઉતાર્યાં હતાં.