છેતરપિંડી:નિરમાના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોએ એપમાં રોકાણ કરી 6.65 લાખ ગુમાવ્યા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વધુ વ્યાજ કમાવવાની લાલચમાં એપમાં પૈસા રોક્યા હતા
  • યુવકે શરૂઆતમાં 33 હજાર રોકી 1 હજાર પાછા લીધા
  • ​​​​​​​પછી પિતાના 5 લાખ પણ રોકી દીધા, સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

ઓનલાઇન લોરિકેટ નામની એપ્લિકેશન પર ફિક્સ ડિપોઝિટ તેમ જ રોકાણ કરીને વધારે નફો કમાવવાની લાલચમાં નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થી, તેના મિત્ર તેમ જ મિત્રની ફોઈએ રૂ.6.65 લાખ ગુમાવ્યા હતા. આ એપ્લિકેશન ઓપરેટ કરતા જ ગઠિયાઓએ વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું, જેમાં એપ્લિકેશનમાં ઓનલાઇન રોકાણ કર્યું હોવાની રિસિપ્ટનો સ્ક્રીનશોટ મૂકવામાં આવતો હતો. આ અંગે તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચાંદખેડા- જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા તિવોલી એપાર્ટમેન્ટમાં રહેતો તેજસકુમાર સુરેશચંદ્ર પટેલ (ઉં.21) નિરમા યુનિર્વસિટીમાં મિકેનિકલ એન્જિનિયરિગ બ્રાન્ચના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ત્રણ મહિના પહેલાં તેજસકુમારના મિત્ર જય ત્રિવેદીએ તેજસકુમારને કહ્યું હતું કે, ઓનલાઇન લોરિકેટ નામની એપ્લિકેશનમાં પૈસાનું રોકાણ કરવાથી વધારે વ્યાજ કમાઈ શકાય છે. વધુમાં જય ત્રિવેદીએ તેજસકુમારને એમ પણ કહ્યું હતું કે, ‘આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઇન રોકાણ કરવાનું રહેશે. તંુ જે પણ પૈસાનું રોકાણ કરે તેનો સ્ક્રીનશોટ મને મોકલી આપજે, જેથી આ એપ્લિકેશનના ઓપરેટરોએ બનાવેલા વોટ્સએપ ગ્રૂપમાં તે સ્ક્રીનશોટ શેયર કરી દેવાનો રહેશે.’

આથી તેજસકુમારે લોરિકેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને યુપીઆઈથી શરૂઆતમાં રૂ.33 હજારનું રોકાણ કર્યું હતું. ત્યાર બાદ એક વખત રૂ. 1 હજાર ઉપાડ્યા હતા. જ્યારે રોકાણ પર વધારે વળતર મળતું હોવાથી પિતાના રૂ.5 લાખ પણ તેમાં રોકી દીધા હતા. જોકે તેજસકુમારે તેમના ફોઈના દીકરા દિવ્યેશકુમારને પણ આ એપ્લિકેશનમાં પૈસાનું રોકાણ કરવાની વાત કરી હતી, જેથી દિવ્યેશકુમારે તેમને કહ્યું હતું કે, આ એપ્લિકેશન તો ફ્રોડ છે.

આથી તેજસકુમારે પૈસા પાછા માગતા વારાફરતી વોટ્સએપ ગ્રૂપનાં પાંચ એડમિન ગ્રૂપમાંથી રિમૂવ થઈ ગયા હતા. જોકે તેજસકુમારે તપાસ કરતા તેના મિત્ર જય ત્રિવેદીએ આ એપ્લિકેશનમાં રૂ. 1.07 લાખ જ્યારે જયનાં ફોઈ મેઘાબહેને રૂ. 25 હજારનું રોકાણ કર્યું હતંુ. આમ આ ત્રણેય જણે આ એપ્લિકેશનમાં રોકેલા રૂ. 6.65 લાખ પાછા નહીં આપી તેમ જ વ્યાજ પણ નહીં ચૂકવી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ તેજસકુમારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, જેને આધારે ટેકનિકલ એનાલિસીસ થકી તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...