શિવરંજની હિટ એન્ડ રન કેસ:આરોપી પર્વ શાહના 1 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા, પોલીસ અકસ્માત સ્થળે જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી શકે

અમદાવાદ7 મહિનો પહેલા
પર્વ સહિત ત્રણ મિત્રોનાં નિવેદન લેવાયાં.
 • પોલીસે આરોપી વિરુદ્ધ 304ની કલમ ઉમેરવા માટે રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો
 • પોલીસે બુધવારે સવારે પણ પર્વની 1 કલાકથી વધુ સમય અલગ રાખીને પૂછપરછ કરી હતી

શહેરના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આત્મસમર્પણ કરનાર આરોપી પર્વ શાહને આજે મિર્ઝાપુર કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં પોલીસે તમામ લોકોના નિવેદનો સાથે એક રિપોર્ટ તૈયાર કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી. આ કેસમાં પોલીસે 3 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી હવે પોલીસ આ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે ત્યારે અનેક ખુલાસા થઈ શકે છે. સાથે આરોપી વિરુદ્ધ 304ની કલમ ઉમેરવા માટે પોલીસે રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જો આ કલમનો ઉમેરો થાય તો આરોપીને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જોકે આ બાબતે કોર્ટે કોઈ ટિપ્પણી કરી નથી.

ઘટના સ્થળે જઈ બનાવું રિકન્સ્ટ્રક્શન કરાવી શકે પોલીસ
જોકે પોલીસ હવે રિમાન્ડ દરમિયાન ઘટના સ્થળે જઈને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવી શકે છે. સાથે આરોપી પર્વ શું ખરેખર રેસ લગાવી રહ્યો હતો કે કેમ તે અંગે પણ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી શકે છે. એક દિવસના રિમાન્ડ દરમિયાન સેટેલાઇટ પોલીસ પર્વ ત્યાંથી ક્યાં ફરાર થઇ ગયો હતો, તેના મિત્રો તેની સાથે હતા કે નહીં? આ બાબતે પણ પૂછપરછ કરી શકે છે. આરોપી કેટલી સ્પીડે કાર હાંકી રહ્યો હતો તે તમામ બાબતે પોલીસ હવે પૂછપરછ કરશે. જેમાં અનેક ખુલાસા થઈ શકે છે અને આ આરોપી પર્વ શાહની મુશ્કેલીઓ વધારી શકે છે. જોકે પોલીસને રિમાન્ડ દરમિયાન જરૂર લાગશે તો તે ફરીથી રિમાન્ડ માટે કોર્ટેને રજૂઆત કરી શકે છે.

શિવરંજની પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાની સ્થળ પરની ફાઈલ તસવીર
શિવરંજની પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાની સ્થળ પરની ફાઈલ તસવીર

સવારે પર્વ શાહ અને તેના મિત્રોની પૂછપરછ કરાઈ
આ પહેલા આજે સવારે પર્વ શાહનું નિવેદન લીધા બાદ પોલીસે તેના 3 અન્ય મિત્રોને પણ પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા. આ મિત્રો બનાવ દરમિયાન પર્વ સાથે કારમાં હતા. તેઓ પણ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા, જેમાં એક મિત્રને ત્યાંના લોકોએ માર માર્યો હતો. જોકે આ 3 મિત્રોમાંથી એક મિત્રને પગમાં ઇજા થયેલી છે. આ 3 મિત્રોને સેટેલાઇટ પોલીસે અલગ અલગ રાખીને એક બાદ એકના નિવેદન નોંધીને પૂછપરછ કરી હતી. અંદાજિત 2 કલાક જેટલો સમય આ 3 મિત્રોના નિવેદન લેવામાં લાગ્યો હતો. જ્યારે આરોપી પર્વ શાહની આજે પણ 1 કલાકથી વધુ સમય અલગ રાખીને પૂછપરછ કરાઈ હતી.

અકસ્માત બાદ આરોપી મંદિરે દર્શન કરવા ગયો હતો
સેટેલાઈટ એન ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI બી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે પોલીસે અકસ્માત બાદ આરોપી પર્વ અને તેના મિત્રો કયાં કયાં ગયા હતા એની તપાસ કરી હતી. પોલીસે ચારેયનાં નિવેદન લીધાં હતાં. પોલીસને તમામનાં નિવેદન મેચ થતાં હોવાનું જણાયું છે. અકસ્માત બાદ ચારેય મિત્રો ઘટનાસ્થળેથી રેલિંગ કૂદીને નેહરુનગર તરફ ગયા હતા. ઘટનાસ્થળે પર્વના એક મિત્ર પાર્થને માર પડ્યો હતો. પાર્થનો પરિવાર પાર્થને માર પડ્યો એની પોલીસ ફરિયાદ કરવા નથી માગતો. નેહરુનગર સર્કલ પહોંચ્યા બાદ ચારેય જણાએ પરિવારજનોને ફોન કર્યા હતા. ચારેય જણા બાદમાં પર્વના પિતાના મિત્ર પ્રકાશભાઈના મીઠાખળી ખાતેના આદિત્ય ફ્લેટ ખાતે ગયા હતા.

બાદમાં પર્વ અને તેનો એક મિત્ર પર્વના ફોઈ દીપ્તિ બહેનના રાજહર્ષ ફ્લેટમાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા. પર્વને ઘટનાની રાત્રે ઊંઘ પણ નહોતી આવી. અકસ્માતની રાત બાદ સવારે પર્વ તેનાં પરિવારજનો સાથે સાણંદ મેલડી માતાનાં દર્શન કરવા ગયો હતો. બાદમાં તે માસી અલપાબહેનના પાલડી ખાતેના આગમ ફ્લેટ પર પહોંચ્યો હતો. બાદમાં પોલીસ સમક્ષ હાજર થયો. ચારેયને બપોર બાદ કોર્ટમાં હાજર કરવામાં આવશે. ચારેય લોકો સામે 188 જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. 304ની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કરાયો છે.

સેટેલાઈટ એન ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI બી.બી. વાઘેલા.
સેટેલાઈટ એન ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI બી.બી. વાઘેલા.

કારમાં પર્વ સાથે બે ભાઈ રિષભ-દિવ્ય અને મિત્ર પાર્થ હતા
પર્વએ એમ પણ જણાવ્યું હતું કે અકસ્માતના સમયે કારમાં તેની સાથે તેના બે ભાઈ રિષભ શાહ (રહે. સિદ્ધગિરિ ફ્લેટ, પાલડી) અને દિવ્ય શાહ (સોહમ ફ્લેટ્સ, મીઠાખળી) ઉપરાંત પાલડી વાસુપૂજ્ય ફ્લેટમાં રહેતો મિત્ર પાર્થ શાહ હાજર હતા. અકસ્માત બાદ તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હોવાનો પર્વએ દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જે i20 કાર મીઠાખળીના શૈલેષ શાહ નામની વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે.

આરોપી પર્વ પોલીસ સમક્ષ હાજર થયો હતો.
આરોપી પર્વ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

આ પણ વાંચોઃ વિસ્મય શાહથી પર્વ શાહ સુધી, અતુલ વેકરિયા જામીન પર મુક્ત તો વિસ્મય જેલમાં, પર્વ પોલીસના શરણે, માર્ગ અકસ્માતમાં ગુજરાત 10મા નંબર પર

વેન્ટોમાં પોલીસ પીછો કરતા હોવાનું લાગતાં કાર દોડાવીઃ પર્વ
પોલીસમાં હાજર થયા બાદ પર્વ શાહે DivyaBhaskarને જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે તે મિત્રો સાથે થલતેજ ગુરુદ્વારા ચાર રસ્તા પાસે બેઠા હતા અને પછી વરસાદ પડતાં થોડા રોકાઈને મીઠાખળી સિદ્ધગિરિ ફ્લેટ સ્થિત તેમના ઘરે રવાના થયા હતા. સિંધુભવન રોડ પાસેથી વળ્યા ત્યારે તેમને લાગ્યું કે વેન્ટો કારમાં પોલીસવાળા તેમનો પીછો કરી રહ્યા છે એટલે તેમણે ગાડી ફાસ્ટ દોડાવી હતી. આવામાં શિવરંજની પછી તેમની કારને વેન્ટોવાળાએ દબાવતા તેમણે બ્રેક મારી પણ નિયંત્રણ ન રહ્યું અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ હતી. જોકે રાત્રે અકસ્માત થયા બાદ તેઓ તરત પોલીસ સમક્ષ હાજર કેમ ન થયા એ પ્રશ્નનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.

અમે બધા ગભરાઈ ગયા હતા એટલે રાત્રે પર્વ હાજર ન થયોઃ પિતા શૈલેષ
પર્વની સાથે એન-ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશને આવેલા તેના પિતા શૈલેષ શાહે DivyaBhaskar સમક્ષ કબૂલ્યું હતું કે રાત્રે પર્વે અકસ્માતની ઘટના વિશે અમને બધું કહી દીધું હતું. એ સમયે અમે બધા ખૂબ ગભરાઈ ગયા હતા અને માટે જ સવાર પડતાં વડીલોની સલાહ લઈને આગળ શું કરવું એ નક્કી કર્યું હતું. જે લોકો ગુજરી ગયા છે તેમના માટે અમને ખૂબ અફસોસ છે અને હવે આગળ જોઈએ શું થાય છે.

પોલીસે તેના ત્રણેય મિત્રોને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા.
પોલીસે તેના ત્રણેય મિત્રોને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા.

આ પણ વાંચોઃ શિવરંજની ફૂટપાથ પર કાચ ચઢાવી શ્રમજીવી મહિલાને કચડનાર પર્વ શાહ પોલીસમાં હાજર, વેન્ટો કારમાં પોલીસ સમજીને કાર ભગાવ્યાનું રટણ

પર્વ શાહનો સિંધુભવનથી નીકળવાથી લઈને પોલીસ સમક્ષ હાજર થવા સુધીનો ઘટનાક્રમ

 • પર્વ રાત્રે 11.30થી 11.50 વચ્ચે પોતાના મિત્રો સાથે સિંધુભવનથી નીકળ્યો.
 • રાત્રે 12.15 વાગ્યે અજાણી વેન્ટો કાર પાછળ હતી.
 • 12.30 કલાક અકસ્માતનો સમય.
 • 12.40 કલાકે પોલીસ સ્થળ પર પહોંચી.
 • રાત્રે 1 વાગ્યે ઈજાગ્રસ્તોને સોલા સિવિલ ખસેડાયા.
 • વહેલી સવારે 3 વાગ્યે સોલા સિવિલથી અસારવા સિવિલ ખસેડાયા.
 • સવારે 6 વાગ્યે અસારવા સિવિલથી ઘાયલ પરિવાર પોતાના વતન દાહોદ જવા નીકળ્યો.
 • બપોરે 2 વાગ્યે પોલીસે ગાડીના નંબર આધારે એડ્રેસ કાઢ્યું.
 • સાંજે 4.40 કલાકે કારચાલક પર્વ સામે પોલીસ સમક્ષ હાજર થયો.
 • સાંજે 5.20 કલાકે પોલીસે આગળની કાર્યવાહી કરી.
 • સાંજે 5.30 કલાકે નિવેદન નોંધવાનું શરૂં કર્યું.
 • સાંજે 5.45 કલાકે ઉચ્ચ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા.
અન્ય સમાચારો પણ છે...