ગુજરાતમાં કોરોનાએ માજા મૂકી છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાની ટ્રાયલ વેક્સિન આવી ગઈ છે. અમદાવાદની સોલા સિવલ હોસ્પિટલમાં આજે કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું. પહેલા દિવસે ટ્રાયલ માટે માત્ર 5 જ વોલન્ટિયર આવ્યા હતા, જેમાંથી એક મહિલા અને ચાર પુરુષને કોરોના વેક્સિનની ટ્રાયલ આપવામાં આવી હતી. વેક્સિનની ટ્રાયલ પહેલાં પાંચ કોરોના વોલન્ટિયર્સમાંથી ત્રણ સાથે દિવ્યભાસ્કરે વાત કરી હતી.
સૌથી પહેલા વેક્સિનની ટ્રાયલ બિઝનેસમેને લીધી
‘‘હું બિઝનેસ કરું છું. મારા પરિવાર મેડિકલ ફિલ્ડ સાથે કનેક્ટ છે. હું મારી ફરજ સમજીને મેડિકલ બાબતો સમજીને કોરોના વેક્સિનની ટ્રાયલ માટે અહીં આવ્યો છું. વેક્સિન માટે મન બનાવતાં પહેલાં.મેં મારા પરિવાર સાથે વાત કરી હતી અને ચર્ચા બાદ મને એવું જાણવા મળ્યું કે સ્વસ્થ વ્યક્તિને વેક્સિન ટ્રાયલ દરમિયાન ક્યારેક નાની અસર થતી હોય છે, પણ હું આ ટ્રાયલમાં ભાગ લેવા આવ્યો છું.’’
બીજી ટ્રાયલ વેક્સિન લેનાર સ્ટુડન્ટ
‘‘હું વોલન્ટિયર તરીકે કોરોના વેક્સિનની ટ્રાયલ માટે આવ્યો છું. મને રેફરન્સથી જાણ થઈ હતી એટલે હું અહીં ટ્રાયલ માટે આવ્યો છું. હાલ મારી દરેક બાબતની ચકાસણી થશે અને ત્યાર બાદ મને વેક્સિનની ટ્રાયલ આપવામાં આવશે. હું માનુ છું કે આટલી મોટી ટ્રાયલમાં હું પણ સામેલ હોઉં અને સમાજમાં ક્યાંક ઉપયોગી થઈ શકું’’
પહેલા દિવસે વેક્સિન લેનાર એકમાત્ર મહિલા
‘‘હું વેક્સિનની ટ્રાયલ માટે આવી છું .મને જાણ થઈ કે સોલા સિવિલમાં વેક્સિનની ટ્રાયલ શરૂ થઈ રહી છે, એટલે હું અહીં આવી છું. હું માનું છું કે આ ટ્રાયલમાં સમાજના હિત માટે પણ ભાગ લેવો જોઈએ. હાલ અમને અહીં ટ્રાયલ પહેલાં વેક્સિન વિશે સમજાવવામાં આવ્યું છે અને એના માટે અમને ફોર્મ આપ્યું છે અને ડિટેઇલ સમજાવવામાં આવી છે.’’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.