ડબલડેકર બ્રિજ પરથી મહિલાનો આપઘાત:25 દિવસમાં ત્રણ યુવતીએ CTM ઓવરબ્રિજથી છલાંગ લગાવી, આજના બનાવમાં કમનસીબ મહિલાનું મોત

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સીટીએમ ડબલડેકરબ્રિજ રીતસરનો સુસાઇડ પોઇન્ટ બન્યો છે. એક મહિનામાં ત્રણ વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે આજે વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પણ આ વખતે કમનસીબ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. અગાઉ બે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે એક બાળક આત્મહત્યાનો પ્રયાસ કરવા ગયો હતો, તેને પોલીસે બચાવ્યો હતો. સતત વધી રહેલા આત્મહત્યાના બનાવોના કારણે હવે પોલીસ દ્વારા આ બ્રિજ પર પેટ્રોલિંગ કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

યુવતીએ છલાંગ લગાવતાં 108 દોડી ગઈ
સીટીએમ ડબલડેકરબ્રિજ પરથી એક યુવતીએ ઝંપલાવ્યું હતું, જોકે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108ને ઘટનાની જાણ કરી યુવતીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું, સાથે જ સ્થાનિકો દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આ‌વી છે, આ બ્રિજ પરથી છલાંગ મારી આત્મહત્યા કરવાની આ ચોથી ઘટના છે, જો પોલીસ દ્વારા આ બ્રિજ પર સતત પેટ્રોલિંગ થાય તો આવી ઘટના ટાળી શકાય છે.

48 વર્ષીય મહિલાએ બ્રિજ પરથી કેમ ઝંપલાવ્યું? તપાસ
અમદાવાદ સીટીએમ ડબલડેકરબ્રિજ પરથી 48 વર્ષીય શીતલબેન સુનીલભાઈ સોનાર નામની મહિલાએ પડતું મૂક્યું હતું. આ ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને શીતલબેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યાં હતાં. જોકે, હોસ્પિટલ પહોંચ્યા એ સમયે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પંચનામું કરી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ, શીતલબેને કયા કારણથી આત્મહત્યા કરી એ મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ આ ડબલડેકરબ્રિજ પરથી ત્રણ વ્યક્તિએ છલાંગ મારી હતી.

ત્રણ ઘટનામાં બે અભ્યાસ કરતા હતા
ભરચક ટ્રાફિકની વચ્ચે એક યુવતીએ બ્રિજ પરથી છલાંગ મારી હતી, જોકે તેને સમયસર સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. બીજી ઘટના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ઓવરબ્રિજથી છલાંગ મારવા માટે આવ્યો હતો. જોકે પરંતુ રાહદારીઓએ તેને બચાવી લીધો હતો. ત્રીજી ઘટનામાં 19 વર્ષીય યુવતીને અભ્યાસ બાબતે ઠપકો મળતાં તેણે બ્રિજ પરથી પડતું મૂક્યું હતું, જેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરી હતી.

શનિવારે આપઘાત રોકવા જનજાગૃતિ અભિયાન
શનિવારે સીટીએમ એક્સપ્રેસ હાઈવે ડબલડેકરબ્રિજ ઉપરથી સુસાઈટની બની રહેલા કિસ્સાઓ સામે જનજાગૃતિ અભિયાન કરાશે. એને લઈને 4 માર્ચે શનિવારે બપોરે એક વાગ્યે નાયલોન નેટ પ્લાન્ટ પાસે, સી.ટી.એમ. ચાર‌રસ્તા પાસે સોસાયટી સામે જનજાગૃતિ અભિયાન- સર્વ ધર્મ પ્રાર્થના તેમજ તંત્રને ઉજાગર કરાશે, જેને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ, મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખ તથા રાજેન્દ્ર સેંગલ, મંદાકિનીબેન પટેલ, બંટીભાઈએ આ અભિયાનમાં જોડાવવા લોકોને આગ્રહ કર્યો છે.

1 માર્ચના યુવતીના સુસાઇડ એટેમ્પ્ટના CCTV જોવા માટે અહીં ક્લિક કરો

યુવતી ગંભીર રીતે ઘાયલ થતાં એલજીમાં ખસેડાઈ
અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ પાસે આવેલા ડબલડેક્કરબ્રિજ ખરેખર આત્મહત્યા માટેની પ્લેસ બની હોય એવું લાગી રહ્યું છે. સીટીએમ બ્રિજ પર 1 માર્ચે સવારે 11 વાગ્યાના અરસામાં એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે યુવતી બ્રિજ ઉપરથી કૂદી ત્યારે નીચે પટકાતાં તેને ગંભીર ઇજા થઈ હતી. એટલું જ નહીં, તેને નીચે પટકાયા બાદ તેની ઉપર એક કાર ફરી વળી હતી. આ ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે.

યુવતી કૂદીને રોડ પર પડી, પછી કાર ફરી વળી
આ વિસ્તારમાં પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવતી અચાનક બ્રિજ પરથી કૂદી ત્યારે લોકો ડરી ગયા હતા અને તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે જ તેના પરથી કાર પણ જતી રહી હોવાની કારણે તેને ગંભીર હાલતમાં તાત્કાલિક એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ એક મહિનામાં ત્રણ વખત આત્મહત્યાના બનાવો આ બ્રિજ પરથી બનતા હવે બ્રિજ પર કોઈ કૂદે નહીં એ માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસના ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

રાઉન્ડ ઘ ક્લોક પેટ્રોલિંગની માગ
સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ બ્રિજ પરથી કૂદવાને કારણે ત્રણ લોકોમાંથી બે યુવતી હતી. તેમણે કયા કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો એ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ આ બ્રિજ સુસાઇડ પોઇન્ટ ન બને એ માટે પણ સ્થાનિક લોકો પ્રયાસ કરી રહ્યા છે અને બ્રિજ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ થાય તેમજ કોઈ વ્યક્તિ ચાલતી બ્રિજ પર જાય તો પણ એ દિશામાં તપાસ કરવામાં આવે તેવી પણ સ્થાનિક લોકોએ માગ ઉઠાવી છે.

12 વર્ષીય વિદ્યાર્થી આપઘાત કરવા પહોંચ્યો
17 ફેબ્રુઆરીના બપોરે 12 વર્ષીય વિદ્યાર્થી આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો. સદનસીબે ત્યાં ઉપસ્થિત લોકોએ તેને બચાવી લીધો હતો. આ વિદ્યાર્થીએ કયા કારણસર આ પ્રકારનું પગલું ભર્યું, તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. આ સાથે વિદ્યાર્થી બચી જતાં આસપાસના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સીટીએમ ઓવરબ્રિજ પાસે આજે એક 12 વર્ષીનો વિદ્યાર્થી આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો. ત્યારે આસપાસના લોકોએ તાત્કાલિક દોડીને તેને બચાવી લીધો હતો. વિદ્યાર્થી માનસિક તણાવમાં હોવાનું લાગતાં તેને લોકોએ સમજાવ્યો હતો અને તેના પરિવારને જાણ કરવા માટે પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પોલીસને પણ આ વાતની જાણ કરતાં તે પણ ત્યાં પહોંચી હતી. સમગ્ર મામલે બાળકનું કાઉન્સેલિંગ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સીટીએમ પાસેનો ડબલડેકર ઓવરબ્રિજ.
સીટીએમ પાસેનો ડબલડેકર ઓવરબ્રિજ.

રાહદારીઓએ સમયસૂચકતા દાખવી તેને બચાવી લીધો
ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓએ સમયસૂચકતા દાખવી તેને બચાવી લીધો હતો. કથિત રીતે પારિવારિક ટોર્ચર થતું હોવાની બાબતને લઈ આ પગલું ભરવા વિદ્યાર્થી આવ્યો હોવાનું પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

એક વ્યક્તિએ આપઘાતની ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી
અગિયાર દિવસ પહેલાં છઠ્ઠી ફેબ્રુઆરીએ કોલેજમાં અભ્યાસ કરતી ત્રિકમપુરાની એક યુવતીએ 2:45 વાગ્યાની આસપાસ કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલો નજીકમાં એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો છે, પરંતુ એ યુવતી કોઈ અગમ્ય કારણસર બ્રિજ ઉપરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે નીચેથી લોકો તેને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ કોઈ તેને બચાવે એ પહેલાં તેણે બ્રિજ પરથી કૂદકો માર્યો હતો.

યુવતીએ લગાવેલી મોતની છલાંગનાં લાઈવ દૃશ્યો.
યુવતીએ લગાવેલી મોતની છલાંગનાં લાઈવ દૃશ્યો.

સુસાઇડ એટેમ્પ્ટનો Live VIDEO:અમદાવાદમાં CTM એક્સપ્રેસ હાઈવે તરફના ઓવરબ્રિજ પરથી યુવતીએ માર્યો કૂદકો...વાંચવા માટે અહીં ક્લિક કરો

108ની ટીમે તાત્કાલિક સારવાર અર્થે ખસેડી
આ સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી હતી. ત્યાં જઈને 108ની ટીમે તપાસ કરતાં યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જ્યારે તેના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે તેની સ્થિતિ નાજુક લાગતાં તેની તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

શહેરમાં સીસીટીવી લેન્સનો પ્રોજેક્ટ હાથ ધરાશે
અમદાવાદના અલગ-અલગ સુસાઇડ પોઇન્ટ પર નજર રાખવા માટે હવે ટૂંક સમયમાં પોલીસ પણ પેટ્રોલિંગ કરે એવો પ્લાન કરી રહી છે. તેમાં પણ ખાસ કરીને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં અલગ-અલગ જગ્યાએ સીસીટીવી લેન્સની સાથે મહિલા અને બાળકોની સુરક્ષા માટેનો મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. આવા અનિચ્છનીય બનાવો ઘટાડવા તરફ એક કદમ પોલીસે આગળ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...