રથયાત્રા ઉત્સવ:જગન્નાથ મંદિરમાં ત્રણ દિવસ ઉત્સવો, સાધુ-સંતોનો ભંડારો અને વસ્ત્રદાન કરાશે, CMને પહિંદવિધિ માટે આમંત્રણ અપાયું, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ14 દિવસ પહેલા
  • 145મી રથયાત્રાના મુખ્ય યજમાન તરીકે શહેરના બિલ્ડર કેવલ ભવરલાલ મહેતા (આશ્રય) અને પ્રતાપજી ઠાકોર
  • અતિથિ વિશેષ તરીકે નિરમાના કરસન ભાઈ પટેલ અને નિરમા પરિવાર તેમજ ધનરાજ પરિમલભાઈ નથવાણી

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળતા હોય છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ વર્ષે 145મી રથયાત્રાને લઈને જમાલપુર જગન્નાથ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર તરફથી રથયાત્રા મહોત્સવમાં જોડાવા માટે લોકોને નિમંત્રણ પાઠવવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદવિધિ કરતા હોય છે અને મંદિર ટ્રસ્ટ તરફથી રથયાત્રામાં પહિંદવિધિ માટે મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને દિલીપદાસજી મહારાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પહિંદ વિધિ માટે નિમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે.

રથયાત્રામાં નિરમાના કરસન પટેલ અતિથિ વિશેષ હશે
145મી રથયાત્રાના મુખ્ય યજમાન તરીકે શહેરના બિલ્ડર કેવલ ભવરલાલ મહેતા (આશ્રય) અને પ્રતાપજી ઠાકોર છે. રથયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે પ.પૂ બ્રહ્મપીઠાધીશ્રર કયા પરિવારચાર્ય સ્વામીશ્રી 1008શ્રી રામરતનદાસજી મહારાજ (ડાકોર, ગુજરાત) રહેશે. અતિથિ વિશેષ તરીકે નિરમાના કરસન ભાઈ પટેલ અને નિરમા પરિવાર તેમજ ધનરાજ પરિમલભાઈ નથવાણી છે. અષાઢી બીજના રોજ યોજાતી રથયાત્રા પહેલા બે દિવસ અન્ય વિધિ અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે.

મંદિરમાં 3 દિવસ ઉત્સવો ઉજવાશે
​​​​​
29, 30 જૂન અને 1 જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. 29મી જૂને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે, જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે. 29મી જૂનના રોજ સવારે 11 વાગ્યે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ-સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે. સાધુ-સંતોના ભંડારામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પંકજભાઈ મોદી હાજર રહેશે.

અષાઢની એકમે ભગવાનનો સોનાવેશથી શણગાર થશે
બીજા દિવસે અષાઢી સુદ એકમને, 30 જૂનના રોજ સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો સોનાવેશ તેમજ શોડશોપચાર પૂજન થશે. 10.45 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ગજરાજોનું પૂજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં જય અમિત શાહ હાજર રહેશે. બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથનું પૂજન અને આરતી કરવામાં આવશે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. સાંજે 8 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે, જેમાં વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહેશે.

મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેશે
1 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાય છે. મંગળા આરતીમાં દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેતા હોય છે. આ વર્ષે પણ સવારે 4 વાગ્યે અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...