અમદાવાદ પોલીસની કાર્યવાહી:રથયાત્રા દરમિયાન ખોટા સમાચાર પ્રસારિત કરનારા ત્રણની ધરપકડ, પાંચ યુ ટ્યૂબ ચેનલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રથયાત્રામાં હુમલો થયો હોવાના ખોટા સમાચાર ફેલાવ્યા હતા

રથયાત્રા દરમિયાન લોકોમાં ભય ફેલાય અને બે કોમ વચ્ચે તંગદિલી વધે તેવા આશયથી અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આતંકી હુમલો થયો તેવા ભ્રામક અને ખોટા સમાચાર યુ ટ્યુબ ચેનલો પર પ્રસારિત કરતા પાંચ ખાનગી યુ ટ્યુબ ચેનલના માલિકો સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરીને ત્રણની ધરપકડ કરી છે.

પોલીસને કેટલીક યુ ટ્યુબની ચેનલોની લિંક મળી હતી જેમાં ખોટા સમાચાર, રથયાત્રામાં આતંકવાદી હુમલો થયો જેમાં 20 લોકો ઘાયલ થયા બે બાળકો દટાઈ ગયા, રથયાત્રામાં આગ લાગતા બધુ સળગી ગયું, રથયાત્રામાં થયો મોટો ધડાકો, આખું દ્વારકા ભારે વરસાદમાં તણાઈ ગયું જેવી માહિતી યુ ટ્યુબ પર અપલોડ કરનારા યુ ટ્યુબ ચેનલના પાંચ સંચાલકો સામે ગુનો નોંધી સુરેશભાઈ પરમાર ( અમદાવાદ) સુરેશ લુહાર( બનાસકાંઠા) અને આનંદ દેસાઈ ( બનાસકાંઠા)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે જીગર ધામેલિયા(ભાવનગર), તારાભાઈ ઘાંચી(બનાસકાંઠા)ની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પૈકી સુરેશ પરમાર કરિયાણાની દુકાન ધરાવે છે, સુરેશ લુહાર અને જીગર ધામેલિયા અભ્યાસ કરે છે.

પૈસા કમાવા યુ ટ્યુબ ચેનલની શરૂઆત કરી
આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યંુ કે, આરોપીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા કમાવાની લાલચમાં આ યુ ટયુબ ચેનલો બનાવી હતી જેમાં સનસનાટી ફેલાવી પોતાની ચેનલને વધુ લાઈક મળે તે માટે ખોટા ભ્રામક સમાચારો પ્રસારિત કર્યાં હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ. આરોપીઓ પૈકી સુરેશ પરમારે યુ ટ્યુબ ચેનલ થકી વાર્ષિક એક લાખની, સુરેશ લુહારે 60 હજારની અને જીગર ધામેલિયાએ વાર્ષિક દોઢ લાખની કમાણી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યંુ છે.

અન્ય સમાચારો પણ છે...