ટ્રાફિક નિયમનો ભંગ કરીને એક્સેસ પર જતા ત્રણ લોકોને ટીઆરબી જવાને અટકાવતા ઉશ્કેરાયેલા ત્રણેયે મને કેમ રોક્યો છે તેમ કહીને ઝઘડો કરીને ટીઆરબી જવાનને છરી બતાવી ધાકધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે વેજલપુર પોલીસે ત્રણેયના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બિભત્સ ગાળો ભાંડીને ધમકી આપી
એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટી.આર.બી હર્ષદભાઈ તેમના સ્ટાફ સાથે સરખેજ જુહાપુરા રોડ પાસેના મકરબા ત્રણ રસ્તા પર ટ્રાફિક નિયમના પાલન કરાવવા માટે હાજર હતા. આ દરમિયાન એક એક્સેસ પર આવેલા ત્રણ શખસો ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યુ હોવાથી તેમને હર્ષદભાઈએ રોક્યા હતા અને પુછપરછ કરી રહ્યા હતા. આ દરમિયાન હમ કો ક્યુ રોકા હૈ તેમ કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમને શાંત રહેવાનું કહેતા ત્રણેય શખસો વધુ ઉશ્કેરાયા હતા અને હર્ષદભાઈ તથા તેમના સ્ટાફને છરી બતાવીને ધાકધમકી આપવા લાગ્યા હતા.
ધમકી આપી ત્રણેય ફરાર થયા
એટલું જ નહીં જો અમને ફરી ઉભા રાખશો તો તમને જોઈ લઈશ તેવી ધમકી આપીને ત્રણેય શખસો એક્સેસ લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે હર્ષદભાઈએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક્સેસ લઈને આવેલા ત્રણ અજાણ્યા શખસોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેય શખસોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.