સરપ્રાઈઝ ચેકિંગ:અમદાવાદમાં આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદે હજારો લોકો રહેતા હવે ભાજપના સત્તાધીશો ચેકિંગમાં નીકળશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મકાન મળી રહે તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવે છે. મકાન મેળવનાર લાભાર્થીઓ સિવાય કેટલાક લોકો આવા મકાનમાં ભાડે ગેરકાયદેસર રીતે રહેતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રીતે ગેરકાયદેસર રહેનારા લોકો અને નોટિસ આપી અને મકાન ખાલી કરવા માટે જણાવવામાં આવે છે. છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે આવા ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને અસામાજિક તત્વો મકાનો પર કબજો મેળવી લે છે.

પશ્ચિમની એક યોજના અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ
હાઉસિંગ પ્રોજેક્ટ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ કમિટીમાં પશ્ચિમ વિસ્તારના એક એસ્ટેટ અધિકારીને આ મામલે ખખડાવ્યા હતા. તેઓએ પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક આવાસ યોજનામાં કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય અને ગેરકદેસર રીતે લોકો રહેતા હોય જે મામલે પશ્ચિમ વિસ્તારના એસ્ટેટ અધિકારીને કમિટીમાં ખખડાવ્યા હતા અને ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને તત્વોને દૂર કરવા સૂચના આપી હતી. લાભાર્થીઓની જગ્યાએ જો કોઈ મકાન ભાડે આપવામાં આવ્યું હોય અને ભાડુઆત રહેતા હોય તો આવા લોકોને ખાલી કરાવવા માટે સૂચના તમામ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. પરંતુ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને આવા અસામાજિક તત્વોની મિલીભગતના કારણે કોઈ પણ કાર્યવાહી થતી નથી.

600થી વધુ નોટીસ અપાઈ પરંતુ મકાન ખાલી નથી થયા
હાઉસિંગ પ્રોજેક્ટના ચેરમેન અશ્વિન પેથાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 600થી વધુ નોટીસો આપવામાં આવી છે. જોકે, તેમાંથી અનેક ભાડુઆતો દ્વારા હજી સુધી મકાન ખાલી કરવામાં આવ્યા નથી. જેથી હવે ભાજપના સત્તાધીશો દ્વારા આવા તમામ આવાસ યોજનાના મકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. ખુદ ભાજપના જ ચેરમેન અને સભ્યો સાથે આવાસ યોજનામાં પહોંચી આવા ગેરકાયદેસર રહેતા લોકોને પોલીસને સાથે રાખી મકાન ખાલી કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...