રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનાના કેસો ઓછા થતા હવે ભાજપે જનઆશીર્વાદ યાત્રા શરૂ કરી છે. આજે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી જનઆશીર્વાદ યાત્રા સામે સવાલ ઉભા કર્યા છે કે, ભાજપ સરકાર કોરોનામાં લોકોને ઓક્સિજન બેડ આપી નથી શક્યા. લોકો ઓક્સિજન વગર મૃત્યુ પામ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાકાળ સમયે ભાજપના નેતાઓ અત્યારે યાત્રા કરવા નીકળ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ખરાબ પરિસ્થિતિ હતી. મેં લોકોને સ્ટ્રેચર પર મરતા જોયા છે. કોરોના મૃત્યુ પામ્યા તેનું અપમાન આ યાત્રા છે. ગુજરાતના કોઈ નેતાઓ ચાલ્યા નહિ. કોરોનામાં સરકાર ફેલ ગઈ એટલે ભાજપે કેન્દ્રના નેતાઓને મોકલ્યા છે.
કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને રૂ.1 લાખની સહાય આપો: ઈસુદાન
મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂતોની સમસ્યા અત્યારે સૌથી મોટી છે. આ તમામ કાર્યક્રમોના આશીર્વાદ લેવા જાવ છો? ઈસુદાન ગઢવીએ માગ કરી હતી કે, દિલ્હીની જેમ ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 1 લાખ આપવામાં આવે. જનઆશીર્વાદ યાત્રા કાઢવામાં પોસ્ટરો, બેનરો પાછળ લાખોનો ખર્ચ કરવાની જગ્યાએ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પૈસા આપવા જોઈએ. જનઆશીર્વાદ યાત્રામાં લોકોની ભીડ ભેગી કરવામાં આવે છે. કોરોનાથી મોતના આંકડા જુદા જોવા મળ્યા છે. સરકાર જો આ મૃતકોને સહાય નહિ આપે તો 2022માં આમ આદમી પાર્ટી સહાય કરશે.
પ્રવીણ રામને AAPના યુથ વિંગના અધ્યક્ષ બનાવ્યાં
આજે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ અને નિખિલ સવાણીએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે નવા જોડાયેલા પ્રવીણ રામને આમ આદમી પાર્ટીના યુથ વિંગના અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે નિખિલ સવાણીને યુથ વિંગના સંગઠન મહામંત્રી બનાવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.