તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્ષક જ બન્યા ભક્ષક:અત્યારસુધી હનીટ્રેપમાં નકલી પોલીસ બની બદમાશો રેકેટ ચલાવતા, હવે અસલી પોલીસ જ તોડબાજી કરવા લાગી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મયંક વ્યાસ
હનીટ્રેપનું રેકેટ ચલાવનારા અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટે.ના PI ગીતા પઠાણ
  • અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટે.ના PI ગીતા પઠાણ, PSI બ્રહ્મભટ્ટ સામે 4 કેસમાં લાખોની તોડબાજીની તપાસ ચાલુ
  • મોરબીની મહિલા ASI તૃષા બુહા પણ ગેંગ બનાવી આધેડોને ફસાવવાનું રેકેટ ચલાવવા બદલ ગિરફ્તાર થઈ ચૂકી છે

પૈસાદાર પુરુષોને કોઈ કોઈ યુવતી કે મહિલા દ્વારા પ્રેમજાળમાં ફસાવી તોડબાજી કરવાના પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તત્કાલીન મહિલા પોલીસ સ્ટેશન- પૂર્વના પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટની રવિવારે ધરપકડ કરી હતી. આવા કિસ્સાઓ કે જેને હનીટ્રેપ તરીકે ઓળખવામાં આવે છે તેનું પ્રમાણ છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત વધી રહ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અત્યારસુધી બદમાશો ટોળકી બનાવી પોલીસનો સ્વાંગ રચીને હની ટ્રેપમાં તોડબાજી કરતા હતા. પરંતુ હવે તો ખુદ પોલીસ ઈન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જ હની ટ્રેપની મોહજાળ રચી લાખોની તોડબાજીનો રીતસર ધંધો કરી રહ્યા છે.

મહિલા પોલીસ સ્ટેશનના PI ગીતા પઠાણનું ચકચારી રેકેટ
કોઈ પૈસાદાર વેપારી કે આસામીને કોઈ યુવતીના માધ્યમે પ્રેમજાળમાં ફસાવી હોટેલમાં લઈ જઈને અચાનક દરોડો પાડીને તોડબાજી કરવાનું એક રેકેટ તો ખુદ અમદાવાદના મહિલા PI જ ચલાવતા હતા. મહિલા પોલીસ સ્ટેશન- પૂર્વમાં ફરજ બજાવી ચૂકેલા મહિલા PI ગીતા પઠાણે આ તોડબાજી માટે એક ખાસ ગેંગ બનાવી હતી. આ ગેંગ પૈસાદાર વેપારીઓને સોશિયલ મીડિયાના માધ્યમે શિકાર બનાવતી હતી. આ ગેંગની યુવતીઓ શિકારને હાઈવેની હોટલોમાં લઈ જતી હતી. કોઈ વાર રેઈડ કરીને તો કોઈ વાર પછીથી રેપની ફરિયાદ કરાવીને શિકારને પોલીસ સ્ટેશનમાં બોલાવી સેટલમેન્ટના નામે લાખો પડાવાતા હતા.

હનીટ્રેપ તોડકાંડના ફસાયેલા
હનીટ્રેપ તોડકાંડના ફસાયેલા

મહિલા પોલીસ સ્ટેશનના PSI જે.કે બ્રહ્મભટ્ટ પણ સંડોવાયેલા
હનીટ્રેપ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં PI ગીતા પઠાણ ઉપરાંત તે સમયના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના PSI જે.કે બ્રહ્મભટ્ટ તથા મહિલા હેડ કોન્સ્ટેબલ શાદરાબેન ખાંટની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે ગત રવિવારે PSI બ્રહ્મભટ્ટની અટકાયત કરી છે. PSI બ્રહ્મભટ્ટ અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી અરજીઓ સ્વીકારી સામેના પક્ષને ફોન કરીને સમાધાન માટે પોલીસ સ્ટેશન બોલાવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે હવે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.

PI ગીતા પઠાણનો તોડની રકમમાં 50% હિસ્સો, બાકી બીજા બધાનો
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું હતું કે, PI ગીતા પઠાણની ગેંગ અત્યાર સુધીમાં અનેક લોકોને ટાર્ગેટ બનાવી ચૂકી છે. તેમની સામે સત્તાવાર રીતે ચાર ફરીયાદ નોંધાઈ છે, જેમાં પોલીસ અને તેની ગેંગ દ્વારા 26 લાખ રૂપિયા પડાવી લેવાયાના આક્ષેપ છે. આ રૂપિયામાં PI ગીતા પઠાણનો 50 ટકા ભાગ રાખવામાં આવતો હતો, જ્યારે બાકીની રકમ બીજા બધા વહેંચી લેતા હતા.

આ સમગ્ર રેકેટમાં ચારથી પણ વધુ લોકો ફસાયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ માને છે. ગીતા પઠાણ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પણ ક્રાઈમ બ્રાંચમા હનીટ્રેપની ફરીયાદ બાદ ફરાર હતા. તેમને 13 મેના રોજ ઝડપી લેવાયા હતા.

હનીટ્રેપ રેકેટમાં સંડાવાયેલી મહિલા ASI તૃષા રામજીભાઈ બુહા
હનીટ્રેપ રેકેટમાં સંડાવાયેલી મહિલા ASI તૃષા રામજીભાઈ બુહા

આઠ મહિના પહેલા રાજકોટમાં મહિલા ASI હની ટ્રેપમાં ઝડપાયા હતા
​​​​​​​માત્ર અમદાવાદ પોલીસ જ હની ટ્રેપના રેકેટ ચલાવતી હતી તેવું નથી. આઠેક મહિના અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા ASI તૃષા રામજીભાઈ બુહાની પણ હની ટ્રેપનું રેકેટ ચલાવવા બદલવ ધરપકડ થઈ હતી. બન્યું એવું કે ગત ઓક્ટોબરમાં મોરબીના સંજય નામના વેપારીને એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવી રાજકોટ બોલાવ્યા હતા. બાદમાં મહિલા તેના પતિ, GRD જવાન સહિત પાંચ શખ્સોએ સંજય પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા હતા. ત્યારે વેપારી પાસે 22500 રૂપિયા હતા તે પડાવી લીધા હતા.

વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતા મહિલા, તેના પતિ, GRD જવાન સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. તેમની તપાસમાં મહિલા ASI તૃષા બુહા આ રેકેટ ચલાવતી હોવાનું જણાયું હતું.

આધેડ વેપારીએ હનીટ્રેપની ફરીયાદ નોંધાવતા ભાંડો ફૂટ્યો હતો
ક્રાઈમ બ્રાંચમા એક વેપારીએ હની ટ્રેપની ફરીયાદ નોંધાવી હતી. જેમા અમદાવાદ ક્રાઇમબ્રાંચે જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બિપીન પરમાર, ઉન્નતી ઉર્ફે રાધીકા રાજપુત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની ધરપકડ કરી હતી. આ આરોપીની પુછપરછમા PI ગીતા પઠાણની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી છે. પીઆઈ ગીતા પઠાણે આ ટોળકી સાથે મળીને આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓની ક્રાઇમબ્રાંચે તપાસી છે. જેમા ચાર અરજીઓમાં હનીટ્રેપનો ખેલ ખેલાયો હોય તેવુ ખુલ્યું હતુ.