શું ભાજપ સગાંને ટિકિટ નથી આપતો?:આ વખતે BJPએ 12 એવા ઉમેદવારને ટિકિટ આપી છે, જેઓ હાલના કે પૂર્વ ભાજપી નેતાનાં સગાં, આ રહી યાદી!

એક મહિનો પહેલા

ભારતીય જનતા પાર્ટીમાં સગાવાદને બિલકુલ સ્થાન નથી એવું કહેવાય છે, પરંતુ આ વખતની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઓછામાં ઓછા 12 એવા ઉમેદવારને ટિકિટ આપી છે, જે હાલનાં કે પૂર્વ ભાજપી નેતાનાં સગાં છે. આમાં સૌથી વધુ 4 સગાંને ટિકિટ રાજકોટ જિલ્લામાં, જ્યારે અમદાવાદમાં પણ બે બેઠક પર કોઈ મોટા નેતાના સગાંને ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપે પોતાની મૂળભૂત વિચારધારા સાથે સમાધાન કરીને પણ આ ચૂંટણી જીતવા 12 સગાંને તો ટિકિટ આપવી જ પડી છે.

જમાલપુર (અમદાવાદ): ભૂષણ ભટ્ટ
ખાડિયા-જમાલપુરની બેઠક પર ભાગ્યે જ કોઈ સ્વ. અશોક ચંદુલાલ ભટ્ટને નહીં ઓળખતું હોય. છેક 1975થી 2010માં નિધન થયું ત્યાં સુધી અશોક ભટ્ટ લાગલગાટ ખાડિયા બેઠક પર ભાજપના ધારાસભ્ય હતા. 2010માં અશોક ભટ્ટના નિધન બાદ તેમના પુત્ર ભૂષણ ભટ્ટને પેટાચૂંટણીમાં ટિકિટ મળી અને તેઓ વિજેતા થયા. ત્યાર બાદ 2012માં ભૂષણ ભટ્ટ ખાડિયા બેઠક પર ફરી ભાજપની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ 2017માં ખાડિયા-જમાલપુર બેઠકનું વિલીનીકરણ થતાં ભૂષણ ભટ્ટ ચૂંટણી હારી ગયા હતા. આમ છતાં આ વખતે 2022ની ચૂંટણીમાં ભૂષણ ભટ્ટને ખાડિયા-જમાલપુર બેઠક પરથી ભાજપે ફરી ટિકિટ આપી છે.

પુત્ર ભૂષણ ભટ્ટ અને પિતા અશોક ભટ્ટ.
પુત્ર ભૂષણ ભટ્ટ અને પિતા અશોક ભટ્ટ.

જેતપુર (રાજકોટ) : જયેશ રાદડિયા
જેતપુર જામકંડોરણા બેઠક પર જયેશ રાદડિયાનો અત્યારે દબદબો છે તે ફરી એકવાર પુરવાર થઈ ગયું છે, પરંતુ તેમનો આ દબદબો તેમના દિવંગત પિતા અને પાટીદાર સમુદાયના ભીષ્મ પિતામહ ગણાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને આભારી છે. સ્વ. વિઠ્ઠલભાઈ 1993થી લાગલગાટ 4 ટર્મ ધોરાજીના કોંગ્રેસના MLA હતા અને 2009માં પોરબંદરના સાંસદ બન્યા હતા. 2013માં તેઓ ભાજપમાં જોડાયા ત્યારે તેમની સાથે પુત્ર જયેશને પણ લઈ ગયા હતા. બસ, ત્યારથી જયેશ રાદડિયાને ભાજપ જેતપુરની ટિકિટ આપતો આવ્યો છે અને જયેશ રાદડિયા 2013ની પેટાચૂંટણી તથા 2017ની ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા છે. આ વખતે પણ જામકંડોરણાના એક કાર્યક્રમમાં જયેશભાઈના માતુશ્રીએ 'મારા જયેશનું ધ્યાન રાખજો' એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું, જેના જવાબમાં મોદીએ 'તમે ચિંતા કરતા નહીં' એવું જે વચન આપ્યું હતું અને એ પાળી બતાવ્યું છે.

પુત્ર જયેશ રાદડિયા અને પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા.
પુત્ર જયેશ રાદડિયા અને પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા.

છોટાઉદેપુરઃ રાજેન્દ્ર રાઠવા
ગુજરાત કોંગ્રેસના ભીષ્મ પિતામહ મોહનસિંહ રાઠવાએ બરાબર ચૂંટણીના મહાભારતનું રણશિંગું ફૂંકાવાની સાથે જ પાર્ટી બદલી છે. જોકે અગાઉ રખાયેલી ગણતરી મુજબ તેમણે પુત્રમોહમાં આવીને જ 11 વખતના કોંગ્રેસી MLA હોવા છતાં કોંગ્રેસને રામ-રામ કર્યા હતા. હવે તેમની તો ઉંમર થઈ ગઈ અને ચૂંટણી લડી શકાય એવું આરોગ્ય નથી તો તેમણે પાર્ટી બદલીને પુત્ર રાજેન્દ્ર રાઠવાની ટિકિટ ભાજપમાંથી નક્કી કરી લીધી છે. ભાજપે પણ મોહનસિંહ જેવા દિગ્ગજ નેતાને આગમનનો શિરપાવ આપતાં તેમના પુત્ર રાજેન્દ્રને છોટાઉદેપુરના જ ઉમેદવાર જાહેર કર્યા છે. મોહનસિંહના મતે કદાચ તેમના પુત્રના કરિયર ભાજપમાં સેટ થઈ જાય.

મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્ર રાઠવા.
મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્ર રાઠવા.

નરોડા (અમદાવાદ): ડો. પાયલ કુકરાણી
આ વખતે ટિકિટ ફાળવણીમાં સૌથી ચર્ચિત ચહેરો છે અમદાવાદનાં ડો. પાયલ કુકરાણીનો, જેમને નરોડા સીટ પરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. 30 વર્ષીય ડો. પાયલ કુકરાણી કદાચ ભાજપની 160 ઉમેદવારોની પહેલી યાદીમાં સૌથી યુવા ચહેરો છે. ડો. પાયલની માતા રેશમા કુકરાણી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના હાલનાં કોર્પોરેટર છે, જ્યારે તેમના પિતા મનોજ કુકરાણીને નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવનકેદની સજા થઈ ચૂકી છે. સિંધી સમાજમાંથી આવતાં ડૉક્ટર પાયલ કુકરાણીએ રશિયામાંથી જનરલ મેડિસિન (એમડી)ની ડીગ્રી લીધી છે. હાલ તેઓ અસારવા સિલિવ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

ડો. પાયલ કુકરાણીની માતા રેશમા કુકરાણી.
ડો. પાયલ કુકરાણીની માતા રેશમા કુકરાણી.

અકોટા (વડોદરા) : ચૈતન્ય દેસાઈ
એક સમયના દિગ્ગજ ગણાતા સ્વ. મકરંદ દેસાઈનું નામ ઘણું જાણીતું છે. તેમના પુત્ર મકરંદ દેસાઈને ભાજપે વડોદરાની એકદમ સેફ ગણાતી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. પ્રતિષ્ઠિત MIT યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા ચૈતન્ય દેસાઈના પિતા સ્વ. મકરંદ દેસાઈ પણ વર્ષો પૂર્વે વડોદરા શહેરના વાડી વિસ્તારમાંથી ભાજપના MLA રહી ચૂક્યા છે. ચૈતન્યભાઈને ટિકિટ આપીને એક રીતે સ્વ. મકરંદ દેસાઈનું ઋણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અદા કર્યું છે. સ્વ. મકરંદ દેસાઈના નામથી અકોટા વિસ્તારમાં રસ્તાનું નામકરણ પણ થયેલું છે. ચૈતન્ય દેસાઈ અગાઉ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે.

પુત્ર ચૈતન્ય દેસાઈ અને પિતા સ્વ. મકરંદ દેસાઈ.
પુત્ર ચૈતન્ય દેસાઈ અને પિતા સ્વ. મકરંદ દેસાઈ.

રાજકોટ (ગ્રામ્ય) : ભાનુબેન બાબરિયા
રાજકોટના ગ્રામ્યની વિધાનસભા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય તથા રાજકોટના વોર્ડ નં. 1ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાને ફરી એક વખત ટિકિટ આપી છે. શેડ્યૂલ કાસ્ટ માટેની આ અનામત બેઠકમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા લાખાભાઈ સાગઠિયાને ભાજપે ટિકિટ આપી હતી. રાજકોટ ગ્રામ્યની બેઠક પર અગાઉ ભાનુબેનના સસરા માધુભાઈ બાબરિયા 1998માં વિજેતા બન્યા હતા. હવે ફરી એક વખત બાબરિયા પરિવારમાં જ આ ટિકિટ ગઇ છે. ભાનુબેને 2007 અને 2012માં આ બેઠક જીતી હતી, પરંતુ 2017માં લાખાભાઈ સાગઠિયાને આ બેઠકની ટિકિટ અપાઈ હતી અને ભાનુબેન રાજકોટ મ્યુનિ.ના વોર્ડ નં. 1ના કોર્પોરેટર બન્યાં હતાં. હવે ફરી એક વખત બાબરિયા પરિવારને જ આ ટિકિટ મળી છે.

ભાનુબેન બાબરિયાના સસરા માધુભાઈ બાબરિયા.
ભાનુબેન બાબરિયાના સસરા માધુભાઈ બાબરિયા.

ગોંડલ (રાજકોટ): ગીતાબા જાડેજા
હાઇપ્રોફાઇલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક પર રસાકસી બાદ ભાજપે હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાને જ રિપીટ કરવાનો નિર્ણય લીધો છે. આ ટિકિટ માટે શરૂઆતથી જ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા ગ્રુપ તથા રીબડા ગ્રુપ વચ્ચે કાંટે કી ટક્કર જામી હતી. આખરે ગીતાબા જાડેજાના નામ પર ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે મહોર લગાવી હતી. આમ તો જયરાજસિંહ 2002 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં ગોંડલમાંથી વિજેતા થયા હતા, પરંતુ 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહ કાનૂની મુદે ઘેરાતા તેમનાં પત્ની ગીતાબાને ટિકિટ ફાળવાઈ હતી. ગીતાબા આ ચૂંટણીમાં 15397 મતની લીડથી વિજેતા થયા હતા. જયરાજસિંહે આ વખતે પણ તેમનાં પત્ની ગીતાબા માટે ગોંડલમાંથી ભાજપની ટિકિટ માગી હતી જે મળી.

જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબાને ટિકિટ ફાળવાઈ.
જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબાને ટિકિટ ફાળવાઈ.

સોમનાથ : માનસિંહ પરમાર
ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ બેઠક પર ભાજપે માનસિંહ પરમારને ટિકિટ આપી છે, જેઓ તાલાલાના પૂર્વ MLA ગોવિંદભાઈ પરમારના ભત્રીજા થાય છે. ગોવિંદભાઈ 2016માં તાલાલાની પેટાચૂંટણી જીત્યા હતા, પરંતુ 2017માં ભગવાન બારડ સામે હારી ગયા હતા. જ્યારે માનસિંહની વાત કરીએ તો તેઓ પહેલીવાર આ સોમનાથની બેઠક પરથી ઝુકાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2017માં આ બેઠક પર કોંગ્રેસના વિમલ ચૂડાસમા જીત્યા હતા અને એ પહેલાં 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના જ જસા બારડ જીત્યા હતા, પરંતુ 2014માં તેઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક જીત્યા હતા.

માનસિંહ પરમાર તાલાલાના પૂર્વ MLA ગોવિંદભાઈ પરમારના ભત્રીજા.
માનસિંહ પરમાર તાલાલાના પૂર્વ MLA ગોવિંદભાઈ પરમારના ભત્રીજા.

નાંદોદ (ભરુચ) : ડો. દર્શના દેશમુખ
ડૉ. દર્શનાબેનના નાનાભાઈ ડૉ. રવિ દેશમુખ વર્ષોથી RSSમાં વિવિધ હોદ્દાઓ પર સક્રિય રહ્યાં છે. આ તમામ ગણિત ગોઠવી ભાજપે ડૉ. દર્શના દેશમુખ વસાવાને નાંદોદની ટિકિટ આપી છે. ડૉ. દર્શના દેશમુખના પતિ પણ ડૉક્ટર છે અને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે. તેમને સંતાનમાં એક દીકરી છે, જે અભ્યાસ કરી રહી છે. તેઓ ભાજપના પૂર્વ સાંસદ ચંદુ દેશમુખનાં દીકરી છે. વર્ષ 1951થી ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસનું એકહથ્થુ શાસન હતું, પરંતુ 1989માં કોંગ્રેસના અહેમદ પટેલને હરાવી ચંદુ દેશમુખે ભરૂચ બેઠક પર ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. 1998 સુધી ચંદુ દેશમુખ ભરૂચના સાંસદ રહ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદુ દેશમુખ સાથેના સંબંધો સાચવતાં ડો. દર્શના દેશમુખને ટિકિટ આપી હોવાનું મનાય છે.

ડો. દર્શના દેશમુખ.
ડો. દર્શના દેશમુખ.

ઠાસરા (ખેડા): યોગેન્દ્ર પરમાર
રામસિંહ પરમાર ગુજરાતના મોટા રાજકીય ચહેરાઓમાંથી એક છે. ખેડા જિલ્લાની ઠાસરા સીટ પર 2012ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર જીતનારા રામસિંહ પરમાર 2017ની ચૂંટણી પહેલાં પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા. ભાજપે તેમને ઠાસરા પરથી ટિકિટ આપી પણ તેઓ હારી ગયા હતા. હવે આ વખતે ભાજપે તેમને વફાદારીનો રિવોર્ડ આપતાં તેમના પુત્ર યોગેન્દ્ર પરમારને ઠાસરા બેઠક પરથી જ ઉમેદવાર બનાવ્યા છે. યોગેન્દ્ર પરમાર આ પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.

પુત્ર યોગેન્દ્ર પરમાર અને પિતા રામસિંહ પરમાર.
પુત્ર યોગેન્દ્ર પરમાર અને પિતા રામસિંહ પરમાર.

સગાંને ટિકિટ આપી

બેઠકઉમેદવારસંબંધ
અકોટા (વડોદરા)ચૈતન્ય દેસાઈ

પૂર્વ. સંઘ નેતા સ્વ. મકરંદ દેસાઈના પુત્ર

છોટાઉદેપુરરાજેન્દ્ર રાઠવા

હાલના MLA મોહનસિંહ રાઠવાના પુત્ર

નરોડા (અમદાવાદ)ડો. પાયલ કુકરાણી

હાલનાં કોર્પોરેટર રેશમા કુકરાણીનાં પુત્રી

રાજકોટ (પશ્ચિમ)ડો. દર્શિતા શાહ

પૂર્વ સંઘ નેતા ડો. પીવી દોશીનાં પૌત્રી

રાજકોટ (ગ્રામ્ય)ભાનુબેન બાબરિયા

પૂર્વ MLA માધુભાઈ બાબરિયાના પુત્રવધૂ

ગોંડલ (રાજકોટ)ગીતાબા જાડેજા

પૂર્વ MLA જયરાજસિંહનાં પત્ની

સોમનાથમાનસિંહ પરમાર

તાલાલાના પૂર્વ MLA ગોવિંદભાઈના ભત્રીજા

નાંદોદ (ભરૂચ)ડો. દર્શના દેશમુખ

ભરુચના પૂર્વ MP ચંદુ દેશમુખનાં પુત્રી

ઠાસરા (ખેડા)યોગેન્દ્ર પરમાર

હાલના MLA રામસિંહ પરમારના પુત્ર

જમાલપુર (અમદાવાદ)ભૂષણ ભટ્ટ

પૂર્વ મંત્રી સ્વ. અશોક ભટ્ટના પુત્ર

જેતપુર (રાજકોટ)જયેશ રાદડિયા

પૂર્વ મંત્રી સ્વ. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર

અન્ય સમાચારો પણ છે...