CMએ ટ્વીટ કરીને જાહેરાત કરી:27 સપ્ટે.થી 10 ઓક્ટો. સુધી 34 જેટલી વિવિધ રમતોનું અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરમાં આયોજન; 25 હજાર ખેલાડીઓ ભાગ લેશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • 7 વર્ષના ગાળા પછી નેશનલ ગેમ્સ યોજાશે, છેલ્લે કેરળમાં આયોજન થયું હતું
  • 2036માં ઓલિમ્પિક્સ યોજવાની તૈયારીઓના ભાગરૂપ આ વર્ષે ગુજરાતમાં પહેલીવાર 36મી નેશનલ ગેમ્સ યોજાશે

ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. આ વચ્ચે આગામી નેશનલ ગેમ્સનું આયોજન રાજ્યમાં થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજનમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.

ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યારસુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.

દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે
આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત 34 જેટલી રમતોમાં દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. ગુજરાતમાં ઓલિમ્પીકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ 36મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહિં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.

ખેલમહાકુંભની 11મી કડીમાં 55 લાખ રમતપ્રેમીઓ સહભાગી થયા
ખેલમહાકુંભની તાજેતરની 11મી કડીમાં પંચાવન લાખ રમતપ્રેમીઓ સહભાગી થયા અને ‘ખેલે તે ખિલે’નો મંત્ર સાકાર કર્યો છે.ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ આપણને મળ્યા છે. એટલું જ નહિ, પેરા ઓલિમ્પીકસમાં પણ ગુજરાતની દિકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યુ છે. ખેલાડીઓ-રમતવીરોને પદ્ધતિસરની તાલીમ, પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવી છે.

ગુજરાત શ્રેષ્ઠ યજમાન છે તે દેશ આખો જાણે છે
ગુજરાત શ્રેષ્ઠ યજમાન છે તે દેશ આખો જાણે છે. દેશભરના પ્રતિભા સંપન્ન ખેલાડીઓને આ ૩૬મા રાષ્ટ્રિય રમતોત્સવના માધ્યમથી વિશાળ પ્લેટફોર્મ ગુજરાત પુરૂં પાડશે. હાલના ઇન્ફ્રાસ્ટ્રકચરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ૩ મહિનાના વિક્રમી સમયગાળામાં જ આ રમતોત્સવ યોજવા રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સંપૂર્ણ સજ્જ છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત હંમેશા દેશ માટે દિશાદર્શક અને રોલમોડેલ સ્ટેટ રહ્યું છે ત્યારે આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટના આયોજનથી ગુજરાત અન્ય રાજ્યો માટે નવું ઉદાહરણ પુરૂં પાડશે એ પણ નિશ્ચિત છે.

રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું માધ્યમ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટ્સ કારકિર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે.

યુવાઓને ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરાશે
તેમણે વધુમાં કહ્યું હતું કે ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકૂદક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવામાં આવશે.

નવી કોઇ સુવિધા ઊભી કરવાની જરૂર નહીં રહે- હર્ષ સંઘવી
નેશનલ ગેમ્સના આયોજન માટે ગુજરાતમાં કોઇ નવી સુવિધા ઊભી કરવાની હાલ જરૂર નથી. રાજ્યમાં હાલ જે માળખાકીય સુવિધા ઉપલબ્ધ છે તેનો જ ઉપયોગ કરીને અમે આ રમતોનું આયોજન કરીશું. ગુજરાત આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટના આયોજનથી અન્ય રાજ્યો માટે નવું ઉદાહરણ પૂરું પાડશે.

10 હજાર ખેલાડીઓ આવશે, 37થી વધારે ટીમમાં સામેલ થશે
આ વખતે નેશનલ ગેમ્સ સાત વર્ષ કરતાં વધુ સમયના અંતરાલ બાદ યોજાવાની હોવાથી મોટી સંખ્યામાં રમતવીરો ભાગ લેશે. તેમની સંખ્યા 10 હજાર જેટલી રહેશે. આ ઉપરાંત દેશનાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત સૈન્ય, રેલવે સહિતના સરકારી સાહસોની ટીમો પણ રહેશે.

અમદાવાદમાં સ્પોર્ટ્સ વિલેજ બનશે, એશિયાટિક સિંહ મેસ્કોટ રહેશેે
આ ગેમ્સના આયોજન માટે અમદાવાદમાં એક સ્પોર્ટ્સ વિલેજ બનાવવાની વિચારણા છે. આ સ્પોર્ટ્સ વિલેજમાં ભાગ લેવા આવનારા ખેલાડીઓ માટે રહેવા, ઉપરાંત પ્રેક્ટિસ સેશન માટેની સુવિધા ઊભી કરાશે.

અન્ય સમાચારો પણ છે...