ખબરદાર જમાદાર:ધરમ કરતાં ધાડ પડી એ આનું નામ.. કોન્સ્ટેબલ સારું કરવા ગયા ને કોઈનું ઘર ભાંગ્યું, IPSની બદલીઓ દિવાળીના દિવસે?

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણી વખત કંઈક સારું કરવા જતાં ગરબડ થઈ જાય ને કોઈનું અહિત થાય તો નામોશી આવે એનું નામ ધરમ કરતાં ધાડ પડી. ગુજરાતના જ એક મોટા શહેરમાં એક કોન્સ્ટેબલ ડ્યૂટી પતાવીને ઘરે જતા હતા. રસ્તામાં એક ગલ્લે ઊભા રહેલા કોન્સ્ટેબલે સામેની સાઈડે ઝાડીઓ પાસે એક નવીનક્કોર કાર પડેલી જોઈ. ગલ્લાવાળાએ કહ્યું, આ કાર અડધો કલાકથી પડી છે. કોન્સ્ટેબલે પણ કાર પાસે જઈ દસેક મિનિટ આમ-તેમ માલિકની તપાસ કરી, પણ કોઈ ન મળ્યું. છેવટે તેણે મોબાઈલ એપમાં ચેક કરી કારમાલિકનો નંબર શોધી તેને ફોન કર્યો તો તેણે કહ્યું, કાર તો મારી વાઈફ લઈને હોસ્પિટલ ગઈ છે. કોન્સ્ટેબલે હકીકત કહી તો કારમાલિક હાંફળાફાંફળા દોડી આવ્યા. પછી અધ્ધર શ્વાસે કારમાલિકે આજુબાજુમાં અને પછી ઝાડીઓમાં અંદર જોઈને જોયું તો તેમનાં પત્ની વાંધાજનક સ્થિતિમાં પ્રેમી સાથે મળી આવ્યાં. બસ, પછી તો ધણી-ધણિયાણીના ઝઘડામાં બિચારા કોન્સ્ટેબલ હોળીનું નારિયેળ બન્યા જેવો ઘાટ થયો. આખરે વરઘોડો પોલીસ સ્ટેશને પહોંચ્યો ને માંડ-માંડ બે માણસને સમજાવીને ઘરે મોકલ્યા. અત્યારે પોલીસબેડામાં આ મામલો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે.

બદલીની રાહ જોઈ IPS થાક્યા, હવે દિવાળીએ વારો
ગુજરાતમાં ચૂંટણી ટાણે નિયમ અનુસાર, IPSની બદલીઓના એક-બે રાઉન્ડ નીકળી ગયા છે, પરંતુ હજી સુધી મોખરાના અને સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવતા ઘણા IPSની બદલીઓ બાકી છે. હવે ચૂંટણી જાહેર થાય એ પહેલાં ગમેતે ભોગે આ બદલીઓ કરવી પડે. આ સ્થિતિમાં હવે દિવાળી ટાણે જ આ ફરજિયાત બદલીનો છેલ્લો રાઉન્ડ આવે એમ લાગે છે. ઘણા IPS આ મામલે વારંવાર અંદરોઅંદર ચર્ચા કરતા રહ્યા છે કે બદલી ક્યારે આવશે? જ્યારે પણ વડાપ્રધાન ગુજરાત આવે તેના બે-ત્રણ દિવસ સુધી બદલીઓ આવશે એ ચર્ચાનું બજાર ગરમ રહે છે, પરંતુ બદલીઓ હવે દિવાળીના ટાણે જ આવે અને ઘણું ખરું તો દિવાળીની રાત્રે જ જાહેર કરાય એવો છેલ્લો અવસર છે.

એક PIએ તો મહેફિલ માટે હોટલને જ ઘર બનાવી દીધું
અમદાવાદ શહેરમાં પોલીસ અને પોલીસ અધિકારીઓના અવનવા શોખ વિશે અનેક ચર્ચાઓ થઈ રહી છે. એમાં પણ અન્ય શહેરમાંથી અમદાવાદ આવેલા એક પોલીસ-ઇન્સ્પેક્ટર (PI) સાહેબ અત્યારે ખૂબ ચર્ચામાં છે. ખાવા અને પીવા બંનેના શોખીન હોવાથી આ PI પોતે ઘરે જવાને બદલે એક હોટલને જ પોતાનું ઘર બનાવીને ત્યાં રહી ગયા છે. તેમના જ કહેવા મુજબ, હોટલ જેવી છૂટ ઘરમાં ક્યાંથી મળે? અમદાવાદ શહેરના મધ્યમાં આવેલી નાનકડી ગલીમાંની આ હોટલમાં ઘણા સમયથી PI રહે છે. અહીં તેઓ બિનધાસ્ત મિત્રો સાથે મહેફિલ માણે છે અને આમાં કોઈ રોકટોક ન થાય એ માટે પોતાના બોરિયાં-બિસ્તરાં સાથે ત્યાં સ્થાન જમાવી લીધું છે. હવે તેમને ઘર ગમતું નથી અને તેમના માણસો જેઓ TikTok માટે ફેમસ છે, તેઓ તેમનું મનોરંજન પણ હોટલમાં કરી આપે છે

મોંઘો દારૂ પકડાતાં જ PIના મિત્ર 'ગિફ્ટ' લેવા પહોંચ્યા
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના રિંગ રોડ પર એક પોલીસ સ્ટેશનના PIએ આવતાંની સાથે દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું. આ પકડાયેલો દારૂ એટલો બધો મોંઘો હતો કે કેટલાકની નજર જપ્ત બોટલો પર પડી. આ વાતની ખબર પડતાં જ પોતાને PIના મિત્ર ગણાવતા એક સાહેબ તેમને અભિનંદન પાઠવવાના બહાને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. એક તરફ પોલીસ-ઇન્સ્પેક્ટર દારૂ પકડાયા હોવાની વિગતો આપી રહ્યા હતા, ત્યારે તેમના મહેમાનો આ બોટલ માટે ત્યાં પહોંચ્યા હતા. હવે આ પોલીસ-ઇન્સ્પેક્ટરે તેમને બોટલ આપી કે નહીં એ અંગે પોલીસ સ્ટેશનમાં ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ બોટલ માગવા જનાર પોતે PI સાહેબને ઘણા જૂના કિસ્સા યાદ કરાવતા હતા.

છેડતીની ફરિયાદ લેવાની જગ્યાએ 'વહીવટ' થયો
સુરતના લાલ દરવાજા પાસેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર સામે સ્ટાફની જ એક મહિલાએ છેડતીનો ગુનો દાખલ કરાવવા હમણાં ખૂબ ધમાલ મચાવી હતી. સૌપ્રથમ હોસ્પિટલમાં તેના પરિવારના સભ્યો અને મિત્રોને બોલાવી લીધા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની PCR વાન આવી ગઈ અને ડોક્ટર તથા છેડતીની ફરિયાદ કરનાર સહિત તમામને પોલીસ સ્ટેશન લઈ જવાયા. પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી આ ડ્રામા ચાલ્યો હતો. મોંઘી દાટ ગાડીઓમાં વગ ધરાવતા લોકો પણ ડોક્ટરની ભલામણ કરવા પહોંચવા લાગ્યા. બાદમાં પોલીસની સમજાવટથી યુવતી સાથે 'સમાધાન' કરી દેવાયું ને સંતુષ્ટ થઈ યુવતી જઈ રહી. આમ, આ મામલે ડોક્ટર પાસેથી પણ લાખોનો વહીવટ કરાયો હોવાની ચર્ચા છે. હવે પોલીસ સ્ટેશનમાં છેડતી જવા ગંભીર ગુનાને નોંધવાની જગ્યાએ આવી રીતે 'સમાધાન' (કે વહીવટ) કરાય એ કેટલું યોગ્ય એવી છેક ગૃહમંત્રી સુધી રજૂઆતો થઈ છે.

મેરેથોન ગઈ, હવે વ્હોટ્સએપમાં ડીપી બદલાશે
નાઈટ મેરેથોન માટે અમદાવાદમાં બે મહિના સુધી પોલીસે ખૂબ મહેનત કરી, પરંતુ અંતે મેરેથોન જ રદ થતાં હવે છેક બે મહિના બાદ પોલીસકર્મચારીઓને વ્હોટ્સએપ ડીપી બદલવાની છૂટ મળી છે. હવે પોલીસકર્મીઓ વ્હોટ્સએપના ડીપીમાં પોતાનો કે મનપસંદ અન્ય ફોટો લગાવી શકે છે. અમદાવાદ શહેરમાં સૌથી મોટી નાઈટ મેરેથોન માટે તડામાર તૈયારીઓ થઈ હતી. અનેક લોકોને આ મેરેથોનમાં જોડવા માટે તૈયાર કરાયા, લાખો ટી-શર્ટ છપાઈ, પરંતુ પછી અચાનક આ મેરેથોન મોકૂફ કરી દેવામાં આવી છે. જોકે એક IPS અધિકારીએ શહેરના તમામ પોલીસકર્મીઓને વ્હોટ્સએપ ડીપીમાં મેરેથોનનો ફોટો મૂકવા સૂચના આપી હતી, પરંતુ હવે મેરેથોનનું કોઈ ભવિષ્ય દેખાતું નથી, એટલે સાહેબે દિવાળીના તહેવારમાં દરેકને મનપસંદ વ્હોટ્સએપ ડીપી રાખવા છૂટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...