તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ ટીપ્પણી:રાજકોટ અગ્નિકાંડ બેદરકારીની આગ છે, તેને હોનારતમાં ના ખપાવશો

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: દેવેન્દ્ર ભટનાગર
  • કૉપી લિંક
ગઇ કાલે રાતે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગઇ કાલે રાતે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગની ફાઇલ તસવીર

અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને હવે રાજકોટ. છેલ્લા 4 મહિનામાં કોવિડ હૉસ્પિટલોના આઇસીયુમાં આગની એક સમાન ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે આ માત્ર હોનારતો નથી પણ નિષ્ફળ સિસ્ટમ અને અસંવેદનશીલ તંત્રની ખોફનાક બેદરકારીની પરાકાષ્ઠા છે. આ એક પ્રકારના ભ્રષ્ટાચારનું જ પરિણામ છે. જો સરકાર અને તંત્રએ અમદાવાદમાં શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગનાં કારણોની પ્રામાણિકતાથી તપાસ કરી હોત તો કદાચ વડોદરા અને રાજકોટમાં આગ લાગી ન હોત. પણ આ હોનારતો માટે જવાબદાર લોકો કોઈને કોઈ રીતે બચી જાય છે.

કોરોના સામે ઝઝૂમતો દર્દી જ્યારે સારવાર માટે પહોંચે છે ત્યારે તે પોતાની જાતને હૉસ્પિટલ અને ડૉક્ટરના હાથમાં સોંપી દે છે. તેને ખાતરી હોય છે કે મારો જીવ અહીં સુરક્ષિત છે. પણ આ ભરોસો વારંવાર તૂટી રહ્યો છે. કેટલીક હૉસ્પિટલના સંચાલકોએ સરકારમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કોરોનાની આફતને અવસર બનાવી દીધો છે. સારવારના નામે બેફામ કમાણીની લાલચમાં સરકારી અધિકારીઓ સાથે ગોઠવણ કરીને અમુક હૉસ્પિટલ સંચાલકો પોતાને કોવિડની સારવાર માટે અધિકૃત જાહેર કરાવી લે છે.

હૉસ્પિટલોની સુરક્ષાની તપાસના નામે સરકારના માણસો માત્ર ઔપચારિકતા પૂરી કરીને પાછા ફરે છે. આ જ કારણોસર આગની ઘટના બાદ આ હૉસ્પિટલ સંચાલકોને બચાવવાનો ખેલ શરૂ થઈ જાય છે. અમદાવાદમાં પણ ખેલ આપણે જોયો હતો, વડોદરામાં પણ અને જામનગરમાં પણ. હવે રાજકોટમાં પણ તપાસનો આદેશ આપીને આ જૂનો ખેલ ફરી શરૂ કરી દેવાયો છે. શું થશે તપાસના આદેશથી? આ માત્ર જનતાના આક્રોશને શમાવવા માટેનું સરકારી નાટક છે. વળતરની જાહેરાત કરીને સરકાર એવું માની લે છે કે અમે અમારી સંવેદનશીલતાનો પરિચય આપી દીધો છે. શું તમારા વળતરથી કોરોના હૉસ્પિટલોની વિશ્વસનીયતા અને લોકોની જિંદગીને જે નુકસાન પહોંચ્યું છે તે ભરપાઈ થશે?

આગ લાગ્યા પછી ત્રણ-ત્રણ દિવસ સુધી હૉસ્પિટલોમાં તપાસ કે ફાયર એનઓસી ચેકિંગનો દેખાડો કરવાથી દુર્ઘટનાઓ અટકવાની નથી. આજે જે રાજકોટમાં થયું છે તે કાલે બીજે ક્યાંક થશે. જો સરકાર ખરેખર આ દુર્ઘટનાઓને રોકવા માગતી હોય તો તેણે અત્યંત આકરા પગલાં ભરવા પડશે. જે હૉસ્પિટલોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નથી તેને તત્કાળ સીલ કરવી પડશે. આવી હૉસ્પિટલોને પરમિશન આપનારાઓ વિરુદ્ધ ફોજદારી કેસ કરવો પડશે. જિંદગી અને મોત સામે ઝઝૂમતા સામાન્ય માણસોના જીવન સાથેની આ ભયાનક રમતને તમે કોઈ મજબૂરીમાં સહન કરી લેતા હશો પણ જનતા ક્યારેય માફ કરશે નહીં. યાદ રાખજો.

અન્ય સમાચારો પણ છે...