ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા છેલ્લા 4 વર્ષમાં સરકારી કચેરીઓ માટે વિવિધ સેવાઓની અંદાજે 7 હજારથી વધુ જગ્યાઓ માટે બહાર પડાયેલી જાહેરાતોની સામે 30 લાખથી વધુ ઉમેદવારોએ અરજીઓ કરી હતી. આયોગને આ પરીક્ષાઓના ફોર્મની ફી થકી અંદાજે રૂ. 5 કરોડથી વધુ રકમની આવક થઈ છે.
દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલી RTI અરજીના જવાબમાં આયોગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આરટીઆઇના જવાબમાં એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ડૉક્ટર્સને સરકારી નોકરીમાં રસ નથી. પીડિયાટ્રિશિયનની 145 જગ્યાઓ માટે માત્ર 34 અરજીઓ જ્યારે રેડિયોલોજિસ્ટની 49 જગ્યાઓ સામે 20 અરજીઓ આવી હતી.
સરકારી નોકરી માટે સૌથી ઓછી હરિફાઈ તબીબોમાં છે. ક્લાસ-1 અને ક્લાસ-2, પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર વગેરે જેવી જગ્યાઓ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજીઓ કરી હતી. બીજી તરફ, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીઓનું આવું કોઈ રજિસ્ટર નીભાવવામા આવતું નહીં હોવાની માહિતી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
ફિઝિશિયનની 61 જગ્યાઓ સામે માત્ર 62 ઉમેરવારોએ અરજી કરી
જગ્યાનું નામ | જગ્યા | અરજી |
રેડિયોલોજિસ્ટ | 49 | 20 |
ફિઝિશિયન | 61 | 62 |
પીડિયાટ્રિશિયન | 145 | 34 |
વ્યાખ્યાતા,શલ્યતંત્ર | 4 | 5 |
વ્યાખ્યાતા,સ્વસ્થવૃત | 3 | 4 |
વ્યાખ્યાતા, રચના શરીર | 6 | 5 |
વ્યાખ્યાતા, પ્રસૂતિ, સ્ત્રી રોગ | 4 | 4 |
રીડર, એનેટોમી | 1 | 2 |
રીડર, ફાર્મસી | 1 | 2 |
સહપ્રાધ્યાપક, પીડિયાટ્રીક સર્જરી | 3 | 4 |
સહપ્રાધ્યાપક, કાર્ડિયો વાસ્ક્યુલર | 3 | 1 |
સહપ્રાધ્યાપક, ન્યૂરો સર્જરી | 6 | 5 |
2019-20માં 3022 જગ્યાઓ માટે 10.63 લાખથી વધુ અરજી
વર્ષ | જગ્યાઓ | અરજીઓ | આવક |
2018-19 | 1604 | 850426 | - |
2019-20 | 3022 | 1063331 | 1,55,28,100 |
2020-21 | 2300 | 695560 | 1,67,12,400 |
2021-22 | - | - | 64,12,100 |
આ જગ્યાઓ માટે સૌથી વધુ અરજીઓ
જગ્યાનું નામ | જગ્યાઓ | અરજીઓ |
નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર | 720 | 625096 |
વહીવટી સેવા/મુલ્કી સેવા/મુખ્ય અધિકારી | 660 | 798051 |
પોલીસ ઇન્સ્પેક્ટર | 100 | 347540 |
સૌથી ઓછી અરજી... આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગની જગ્યાઓ માટે સૌથી ઓછી અરજીઓ આવી હતી. 3 વર્ષમાં ડૉક્ટર્સની 1946 જગ્યા સામે 17 હજાર અરજીઓ આવી હતી. 2-3 સેવાની જગ્યામાં વધુ અરજીઓ આવી હતી.
ગુજરાતમાં 8.8% પોસ્ટ-ગ્રેજ્યુએટ્સ, 5.3% ગ્રેજ્યુએટ્સ બેરોજગાર!
ગુજરાતમાં 8.8% પોસ્ટ-ગ્રેજ્યુએટ્સ જ્યારે 5.3% ગ્રેજ્યુએટ્સ યુવાનો બેરોજગાર છે. રાજ્યમાં 15 વર્ષની ઉપરના અને વિવિધ એજ્યુકેશન લેવલમાં સરેરાશ બેરોજગારી દર 2% છે. ડિપ્લોમા-સર્ટિફિકેટ કોર્સમાં 5.2% યુવાનો બેકાર છે. ગત 26મી જુલાઇએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
શિક્ષિત બેરાજગારોની સ્થિતિ
શિક્ષણ લેવલ | બેરોજગારો |
માધ્યમિક | 3.90% |
ઉચ્ચતર માધ્યમિક | 3.50% |
ડિપ્લોમા-સર્ટિફિકેટ કોર્સ | 5.20% |
ગ્રેજ્યુએટ | 5.30% |
પોસ્ટ ગ્રેજ્યુએટ | 8.80% |
સરેરાશ કુલ | 2.00% |
ગૌણ સેવા પસંદગી મંડળ પાસે કોઈ રેકોર્ડ નથી
RTIના જવાબમાં સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરાયેલી ભરતીઓ અંગે અને લેવાયેલી પરીક્ષાઓ બાબતે કોઈ રેકોર્ડ/રજિસ્ટર નિભાવવામાં આવતું નથી. તેમજ, જાહેર માહિતી અધિકારીએ માહિતી જે રૂપમાં હોય તે રૂપે પૂરી પાડવાની હોય છે. તેના પર સંશોધન કરી, નિષ્કર્ષરૂપે માહિતી તારવી અરજદારને પૂરી પાડવાની નથી જેથી માંગવામાં આવેલી માહિતી આપી શકાય એમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પેપર ફૂટવા બાબતે ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદોમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.