સાવચેતીની તસવીર:આ રેલવે સ્ટેશન કે ST સ્ટેન્ડ નથી, પણ અમદાવાદના ‘સિવિલ હોસ્પિટલ’ની OPD છે; એક મહિનામાં વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓ વધ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કોરોનાની બીકે બીજી લહેરમાં ઓપીડીમાં માંડ 500 લોકો આવતા
  • હવે દોઢ મહિનામાં દર્દીઓની સંખ્યા વધી 2500થી 3 હજાર પહોંચી
  • 40 ટકા દર્દી ઓર્થોપેડિક, ચામડીના રોગ અને વાઇરલ ઈન્ફેક્શનના

કોરોનાની બીજી લહેરમાં કેસ વધતાં સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા 500 સુધી પહોંચી ગઈ હતી. કોરોનાના કેસ ઘટતાં જૂનમાં ઓપીડીમાં બમણો વધારો થયો હતો. જોકે આ આંકડો વધીને હવે 2500થી 3 હજાર સુધી પહોંચી ગયો છે. 1 મહિનામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં 1 હજારથી 1500 દર્દીનો વધારો થયો હોવાનું હોસ્પિટલ જણાવે છે.

ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો.
ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો.

સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીમાં આવી જ સ્થિતિ છે
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદી જણાવે છે, એક સમયે ઓપીડીમાં સારવાર માટે આવતા લોકોની સંખ્યા ઘટીને 500 સુધી પહોંચી ગઈ હતી. ઓપીડીમાં વિવિધ રોગ ઉપરાંત હાલમાં પ્રવર્તતી ડબલ સીઝનને કારણે શરદી-તાવ અને ખાંસી જેવા વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. કોરોનાના ઈન્ફેક્શનના ભયે ઓપીડીમાં હાડકાં અને ચામડીને લગતા રોગના દર્દીઓ આવવાનું ટાળતા હતા. જોકે હવે 30થી 40 ટકા ઓર્થોપેડિક, ગાયનેક અને ચામડીના રોગોની સારવાર માટે આવે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીમાં આવી જ સ્થિતિ છે.

કોરોનાકાળમાં ઓપીડીમાં બહુ ઓછા લોકો આવતા હતા, પણ હવે બમણો વધારો થયો.
કોરોનાકાળમાં ઓપીડીમાં બહુ ઓછા લોકો આવતા હતા, પણ હવે બમણો વધારો થયો.

વાઈરલ ઇન્ફેકશનના રોજના 25 કેસ, 3 દાખલ કરવા પડે છે
હોસ્પિટલની ઓપીડીમાં પહેલાં વાઈરલ ઇન્ફેકશનના રોજના 2થી 3 કેસ જોવા મળતા હતા, પણ ડબલ સીઝનને કારણે હવે ઓપીડીમાં રોજના 25 લોકો શરદી, ખાંસી અને તાવની સારવાર માટે આવે છે, જેમાંથી 2થી 3 લોકોને ઇન્ડોર દર્દી તરીકે દાખલ કરવામાં આવે છે.

ચોમાસાની સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો
ચોમાસાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડતાં જ અનેક રોગચાળા વકરતો હોય છે. અમદાવાદમાં પાણીજન્ય રોગોનો વધારો થયો છે. એમાં પણ ઝાડા-ઊલટી અને કમળાના કેસો વધ્યા છે. ચાલુ મહિનામાં 24 જુલાઈ સુધી શહેરમાં ઝાડા-ઊલ્ટીના 529 કેસ, કમળાના 125 કેસ, ટાઇફોઇડના 114 કેસો અને કોલેરાના 80 કેસ નોંધાયા છે. ગત અઠવાડિયે કરેલા સર્વેમાં અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટાઇફોઇડ અને ઝાડા-ઊલટીના કેસો વધુ મળી આવ્યા હતા. જે વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીનાં સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.

અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીનાં સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.
અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીનાં સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.

સાદા મલેરિયા અને ડેન્ગ્યુના કેસ ઓછા
મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સાદા મલેરિયાના કેસો અને ડેન્ગ્યુના કેસો ઓછા છે. 88 કેસ સાદા મલેરિયા અને ઝેરી મલેરિયાના 5 કેસ છે. ડેન્ગ્યુના 45 કેસ, ચિકનગુનિયાના 16 કેસ નોંધાયા છે.