સરળતાથી મળશે મહેસૂલી દસ્તાવેજો:આવી રીતે ઓનલાઈન મેળવી શકશો મહેસૂલી રેકોર્ડના નમુના નં.6, 7/12, 8-અ ની ડિજિટલ નકલો

અમદાવાદ10 મહિનો પહેલા
  • ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે

રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના નાગરિકોને આજથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.6, 7/12, 8-અ ઓન-લાઇન મળશે. ડિજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે. મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.

ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરો
સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. ત્યાં ચોથા નંબર પર VIEW LAND RECORD - RURAL પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નીચે Select any one ( (કોઇ એક પસંદ કરો) એવુ લખેલું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.

વિગત સિલેક્ટ કર્યા બાદ નીચે દેખાતી વિગતો ભરો
આપે વિગતોમાં 7/12 કે 8-અ ની વિગત સિલેક્ટ કરી હોય પછી નીચે જિલ્લો પસંદ કરો, બાદમાં તાલુકો પસંદ કરો, પછી ગામ સિલેક્ટ કરીને અને સરવે નંબર નાંખો. આ તમામ જરૂરી વિગતો ભર્યા બાદ નીચે કેપ્ચા કોર્ડ નાંખો. જેને ભર્યા બાદ Get record Detail પર ક્લિક કરવાથી આપને આપનો જરૂરી દસ્તાવેજ મળી જશે.

કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે
તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.