ડ્રગ્સનું નામ આવતાં જ સમજાય છે કે એ કેવી ઇમેજ ઊભી કરે છે. કોઈ ડ્રગ્સના વેપારીએ ડ્રગની લાલચ આપી કોઈ યુવતીને ફસાવી હશે અને તેનું શોષણ પણ કર્યું હતું, પરંતુ હવે આ વાત જૂની થઈ ગઈ છે, કારણ કે ડ્રગ્સના વેપારમાં હવે યુવતીઓ પણ આવી ગઈ છે અને હવે તે યુવકોને ફસાવી રહી છે. પહેલા તે પાર્ટી કે ક્લબમાં જઈને લોકોને પોતાના મોહપાશમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. ત્યાર બાદ તેને ડ્રગ પાર્ટી કે ડ્રગ ખરીદવા માટે રૂપિયા આપે છે અને ત્યારથી શરૂ થાય છે આ ડ્રગ્સ અને તેના વેપારનો સિલસિલો. જે યુવક ડ્રગ્સનો આદિ થઈ જાય છે, તેને રૂપિયાની જરૂર હોય છે અને આ યુવતીઓ રૂપિયા પણ આપે છે, પરંતુ રૂપિયા ના ચૂકવતાં તેને ડ્રગ્સનો ડિલેવરી-બોય બનાવી દે છે. આ પ્રકારનું રેકેટ મુંબઇની યુવતી અમદાવાદમાં આવીને ચલાવતી હતી. તેણે અમદાવાદમાં ડ્રગ્સનું રેકેટ બનાવવા માટે એક મકાન ભાડે રાખ્યું હતું અને રોજ રાત પડતાં તે એસપી રિંગ રોડ પાસેના કેફે કે ફાઇવસ્ટાર હોટલ નજીક પહોંચી જતી હતી. આખું રેકેટ એસઓજીએ ઝડપી પાડ્યું છે.
ડ્રગ્સના વેપારમાં યુવતીઓની એન્ટ્રી
અમદાવાદના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી જયરાજસિંહ વાળા ઘણા સમયથી ડ્રગના માફિયાઓને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પહેલાં એવું હતું કે જુનાપુરાણા ગુનેગારો વેપારમાં આવતા હતા અને યુવાનોને ફસાવતા હતા, પરંતુ હવે યુવાનો જ યુવાનોને ડ્રગ્સમાં ફસાવતા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. એસઓજીએ તાજેતરમાં રહેનુમા ખાન નામની એક મહિલાને ઝડપી છે. આ મહિલા મૂળ મહારાષ્ટ્રના થાણેની છે.
મહિલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતી
જે ડ્રગ્સનો વેપાર કરવા માટે અમદાવાદ આવી હતી. અમદાવાદના જુહાપુરા પાસે એક ભાડાનું મકાન રાખી તે પોતાનું નેટવર્ક ફેલાવવા માગતી હતી. સૂત્રોની વાત માનીએ તો આ મહિલાએ અમદાવાદની અંદર પોતાના 100 કસ્ટમર બનાવ્યા છે, જે એમડી ડ્રગના રવાડે ચડ્યા છે અને તેમને ડ્રગના રવાડે ચડાવવા પાછળ રહેનુમાનો જ હાથ છે, કારણ કે પોલીસ-તપાસમાં જે વાત સામે આવી છે એમાં રહેનુમા રોજ સાંજે પોતાના શિકાર શોધવા માટે ઘરેથી નીકળતી હતી.
યુવતીઓને પણ ડ્રગ્સની લત લાગે છે અને પછી પેડલર બની જાય છે
ગુજરાત-અમદાવાદમાં ડ્રગ્સ તથા નશાખોરીની માયાજાળ ખૂબ ઊંડી અને વ્યાપક પ્રમાણમાં ફેલાઈ છે. ત્યાં સુધી કે યુવાનો એકવાર આ ચુંગાલમાં ફસાય અને નશો કરવા પૈસાના સ્ત્રોત સમાપ્ત થઈ જાય તો તેમની પાસે પેડલર તરીકે ડ્રગ્સ-ડીલરો કામ કરાવે છે, આથી પણ ચોંકાવનારું સત્ય એ છે કે યુવતીઓ ડ્રગ્સના નશામાં સપડાય અને પૈસા ન હોય તો તલબ પૂરી કરવા તેઓ શરીર આપવા પણ તૈયાર થઈ જાય છે. અત્યંત પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ પરિવારની યુવતીઓની આ નબળાઈનો લાભ ઉઠાવીને ડ્રગ્સ-ડીલરો રીતસરનું સેક્સરેકેટ પણ ચલાવે છે.
યુવાનોને ફસાવી પાર્ટી માટે ઓફર કરતી
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રહેનુમા રોજ સાંજે તૈયાર થઈને એસપી રિંગ રોડ પાસે આવેલા કેફે નજીકની ફાઇવસ્ટાર હોટલોની ગેલરીઓ અને સિંધુભવનની આસપાસના નિર્જન સ્થળે પહોંચી જતી હતી, જ્યાં તે કોઈ એકલ યુવાન સાથે આંખના ઇશારામાં વાતો કરતી અને જો કોઈ તેનામાં ફસાય તો તરત જ તેને પાર્ટી માટે ઓફર કરતી હતી.
યુવતી યુવાનોને મફતમાં ડ્રગ્સ આપતી
લેટ નાઈટ સુધી ફરતી રહેનુમા પોતાની મોહક અદાઓમાં કોઈને ફસાવી દેતી હતી અને એક વખત તેને સાથે કોઈ યુવાન પાર્ટીમાં જાય, ત્યાર બાદ તેને ડ્રગ્સ આપી દેતી હતી. યુવાન બીજી વખત ડ્રગ્સ માટે ડિમાન્ડ કરે ત્યારે આ યુવતી તેને મફતમાં ડ્રગ્સ આપતી હતી. પછી ધીમે ધીમે તેને ઉછીના રૂપિયા આપવાનું શરૂ કરે અને જો તે રૂપિયા પરત ના કરે તો તેને ડ્રગ્સ ડિલિવરી-બોય બનાવી દેતી હતી.
એસઓજીએ મહિલા સહિત ચારને ઝડપી પાડ્યા
આવી રીતે આ યુવતીએ અમદાવાદ શહેરમાં અલગ જ યુવાનોને પોતાના ડિલિવરી-બોય બનાવી દીધા હતા, જેમાં આજે એસઓજીએ 6 લાખથી વધુના મુદ્દા માલ સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય આરોપી મહિલા છે. જ્યારે તેની સાથે ડિલિવરી કરનાર શાબાશ ખાન, જેનિસ દેસાઈ અને અંકિત શ્રીમાળીની ધરપકડ કરી છે.
સાંજ પડ્યે સિંધુભવન રોડ-રિંગ રોડના ખૂણા-ઝાડીઓ પર ગાડીની લાઈનો
અમદાવાદમાં સિંધુભવન રોડ અને રિંગ રોડને અડીને આવેલા પશ્ચિમના વિસ્તારો ડ્રગ્સના નશાના હોટસ્પોટ બની રહ્યા છે. ડ્રગ્સનો વેપાર ધીમે-ધીમે પાર્ટીઓથી બહાર હવે રોડની સાઈડમાં અને નો-મેન્સ લેન્ડ જેવા ઝાડી વિસ્તારમાં થાય છે. આવા ખૂણેખાચરે ડ્રગ્સનો નશો કરતું યુવાધન સાંજ પડતાં જ ગાડીઓમાં ગોઠવાઈ જાય છે. ટોળે વળીને યુવાનો ગપ્પા મારતા હોવાનું પહેલી નજરે લાગે, પણ અંદરખાને ડ્રગ્સનો નશો થતો હોવાની વિગતો તપાસ એજન્સીઓ પાસે આવી રહી છે.
ઓર્ડર લેનાર-ડ્રગ્સ આપનાર-પેમેન્ટ લેનારી અલગ-અલગ વ્યક્તિ
આ ડ્રગ્સનું નેટવર્ક અને ચલણ વિશે દિવ્ય ભાસ્કર દ્વારા ટોચની તપાસ એજન્સીઓ પૈકીની એક એજન્સીના સિનિયર અધિકારી સાથે વાત કરી હતી. આ અધિકારીએ મહત્ત્વની વિગત જણાવતાં કહ્યું હતું કે આ ધંધો કરનારા ખૂબ શાતિર હોય છે. મોટા ભાગે ડ્રગ્સની ડિલિવરી લેવા હવે યુવતીઓ આવે છે અને પછી ફ્રેન્ડ્સ સર્કલમાં બધા મળીને ડ્રગ્સનું સેવન કરે છે. સામાન્ય રીતે શહેરના કોટ વિસ્તારમાં મોટા પાયે ડ્રગ્સ-પેડલર અને કેરિયર સક્રિય છે. તેમનું ડ્રગ્સ ડિલિવરીનું નેટવર્ક એટલું ફાસ્ટ અને સચોટ છે કે તેને ક્રેક કરી ન શકાય. આમાં ઓર્ડર લેનાર, ડ્રગ્સની ડિલિવરી કરનાર અને પેમેન્ટ લેનાર એમ બધા અલગ-અલગ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.