તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોકની શરૂઆત:ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા પ્રતિબંધો વધુ હળવા થયા, આજથી આ ચાર મોટા ફેરફારો થશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 50 ટકા AMTS અને BRTS બસો 50 ટકાની કેપેસિટી સાથે દોડશે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ કેસો હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં સરકાર દ્વારા લગાવાયેલા કડક પ્રતિબંધોમાં ધીમે ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે. એવામાં આજથી રાજ્યમાં ઓફિસો, ATMS તથા BRTS બસો, કોર્ટમાં ઓફલાઈન સુનાવણી શરૂ કરવા સહિતની કેટલીક છૂટછાટો સરકાર તરફથી આપવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલથી રાજ્યમાં શું મોટા ફેરફારો થઈ રહ્યા છે, તેના પર એક નજર કરીએ.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે
આવતીકાલથી રાજ્યભરની સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શૈક્ષણિક વર્ષ નવું હશે પરંતુ અભ્યાસની પદ્ધતિ ગતવર્ષની જેવી જ રહેશે. કોરોનાને કારણે શિક્ષણ પર અસર પડી છે જેના કારણે ગત વર્ષ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઇન શિક્ષણથી જ થશે. જોકે સ્કૂલમાં સ્ટાફ તથા શિક્ષકોને હાજર રહેવાનું રહેશે.

સરકાર દ્વારા જ્યાં સુધી ઑફલાઈન વર્ગ શરૂ કરવા મંજૂરી આપવામાં નહિ આવે ત્યાં સુધી ઓનલાઇન વર્ગ જ ચાલુ રહશે. સ્કૂલો શરૂ થતી હોવાને કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ થશે. સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું બોડી ટેમ્પરેચર ફરજીયાત રોજ થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરવામાં આવશે.

ઓફિસો 100 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત થશે
છેલ્લા દોઢ માસ કરતાં પણ વધુ સમયથી સરકારી-ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલતી હતી. હવે સોમવારથી તમામ કચેરી પૂર્ણ સ્ટાફથી કાર્યરત થઇ શકશે. જોકે કચેરીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું અનિવાર્ય રહેશે.

AMTS બસની પ્રતિકાત્મક તસવીર
AMTS બસની પ્રતિકાત્મક તસવીર

AMTS-BRTS દોડતી થશે
અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ જતાં AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દીધી હતી. હવે કોરોના કાબુમાં આવી ગયો છે. સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે AMCના સત્તાધિશોએ સોમવારથી AMTS અને BRTS બસ શરુ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાને કારણે બંધ કરવામાં આવેલી બસોને હવે નિયમો સાથે 50 ટકા કેપેસીટી સાથે દોડાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને જોતાં હાલ પુરતુ રાત્રિ કર્ફ્યૂ અમલમાં હોવાથી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી જ બસો દોડાવવામાં આવશે.

કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે
રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય હાઇકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. માત્ર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોન્ફરન્સથી ચાલશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં ચાર મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તમામ અદાલતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી તમામ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. કોર્ટ પરિસરમાં એન્ટ્રી માટે એક જ ગેટ એક જ રહેશે. જ્યારે મુખ્ય ન્યાયિક અધિકારી માટે એકથી વધુ એન્ટ્રી કે એક્ઝિટ ગેટ રહેશે.

ગુજરાત યુનિવર્સિટીની પ્રતિકાત્મક તસવીર
ગુજરાત યુનિવર્સિટીની પ્રતિકાત્મક તસવીર

ગુજરાત યુનિવર્સિટી 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થશે
કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટી 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત હતી. ત્યારે હવે કેસમાં ઘટાડો થતાં 7 જૂનથી ગુજરાત યુનિવર્સિટી 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત રહેશે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓએ ફરજીયાત પણે તમામ કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.