વીજળી બની આકાશી આફત:ગુજરાતમાં અઠવાડિયામાં વીજળી પડવાની જુદી જુદી ઘટનામાં 5નાં મોત, વીજળી થતી હોય ત્યારે આ 14 બાબતનું ખાસ ધ્યાન રાખવું

અમદાવાદ6 મહિનો પહેલા
આકાશી વીજળીની પ્રતીકાત્મક તસવીર.
 • વીજળી જોયા પછી 30ની ગણતરી શરૂ કરવી, જો 30એ પહોંચતાં પહેલાં ગાજવીજ સંભળાય તો ઘરની અંદર જાઓ
 • આકાશી વીજળી પડતાં ભચાઉમાં ઘેટાં-બકરાં ચરાવતા બે યુવકનાં મોત, પાટણમાં 17 વર્ષના કિશોરનું મોત

ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યું છે. ધીમે ધીમે આગળ વધતાં ચોમાસાથી ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે, વરસાદની સાથે કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે. રાજ્યમાં અઠવાડિયામાં જ વીજળી પડવાની ઘટનામાં 5 લોકોનાં મોત થયાં છે. એવામાં ચોમાસામાં આકાશી વીજળી પડવાની ઘટના બને ત્યારે અગમચેતી કે સાવધાની રાખીને દુર્ઘટનાને અટકાવી શકાય છે. એવામાં તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આકાશી વીજળી પડવાની ઘટના સંભાવના જણાય ત્યારે અથવા વીજળી પડ્યા બાદ શું કરવું એ અંગે લોકોને કેટલાંક સૂચનો કરવામાં આવ્યાં છે, જે રાજ્યભરના લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આકાશી વીજળી થતી હોય એ દરમિયાન રાખવાની સાવચેતીઓ

 • વીજળીની સલામતી માર્ગદર્શિકાનો 30-30નો નિયમ છે. વીજળી જોયા પછી 30ની ગણતરી શરૂ કરવી, જો તમે 30એ પહોંચતાં પહેલાં ગાજવીજ સાંભળો, તો ઘરની અંદર જતા રહો. ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા 30 મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો, ઈલેક્ટ્રિક વીજ ઉપકરણોને નુકસાન ન થાય એ માટે હંમેશાં કામની સ્થિતિમાં અર્થિંગ રાખો, વણવપરાતા પ્લગ પ્લાસ્ટિક કવરથી ઢાંકી દેવાં જોઇએ.
 • ઈલેકટ્રિકનાં ઉપકરણો પાણીની લાઇનો તથા ભેજથી દૂર રાખવાં. વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું.
 • તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું. શોર્ટસર્કિટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય એવી સ્વિચ વાપરવી. ઘરમાં દરેકને મેઈન સ્વિચની જાણ હોવી જોઈએ. ઈલેક્ટ્રિક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રિક કામ કરાવવું જોઇએ. ઈલેકટ્રિક કામ કરતી વખતે વીજળીના અવાહક વસ્તુ પર ઊભા રહેવું જોઇએ.
 • ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું. ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઊભા ન રહેવું. તમામ ઈલેક્ટ્રિક ઉપકરણોના પ્લગ કાઢી લેવાં. ફિશિંગ રોડ કે છત્રી પકડી રાખવી નહિ. ઈલેકટ્રિક થાંભલા/ટેલિફોન થાંભલાને અડવું નહીં.
વીજળી પડવાની ફાઈલ તસવીર
વીજળી પડવાની ફાઈલ તસવીર

વીજળી થતી હોય એ સમયે તમે ઘરની અંદર હોય તો શું કરવું?

 • વીજળીથી ચાલતાં ઉપકરણોથી દૂર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણાં અને છતથી દૂર રહેવું.
 • વીજળીના વાહક બને એવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવું, ધાતુથી બનેલાં પાઈપ, નળ, ફુવારો, વોશબેસિન વગેરેના સંપર્કથી દૂર રહેવું જોઇએ.

આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોય તો શું કરવું?

 • ઊંચાં વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી એનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચાં વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું, ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વીખરાઈ જવું.
 • મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો, મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો,
 • પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહી, પાણીમાં હોવ તો બહાર આવી જવું.
 • ધાતુની વસ્તુઓ, જેવી કે બાઈક, ઈલેક્ટ્રિક કે ટેલિફોનના થાંભલા, તારની વાંક, મશીનરી વગેરેથી દૂર રહો.
રાજ્યમાં અઠવાડિયામાં વીજળી પડવાથી 5નાં મોત થયાં.
રાજ્યમાં અઠવાડિયામાં વીજળી પડવાથી 5નાં મોત થયાં.

વીજળી પડવાની શક્યતા જણાય ત્યારે શું કરવું?

 • તમારા માથાના વાળ ઊભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે એમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

વીજળી/ઇલેકટ્રિકથી શોક લાગ્યા પછી શું કરવું?

 • લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનારી વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા, મેઈન સ્વિચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
 • કરંટ લાગનારી વ્યકિત દાઝી ગયેલી હોય તો ઠંડુ પાણી રેડવું, કરંટ લાગનારી વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડોક્ટરને જાણ કરવી, દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલા કપડાંને ઉખાળવું નહીં.

આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે શું કરવું?

 • વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૂર જણાય તો સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.

અઠવાડિયામાં વીજળી પડવાથી થયેલી મોતની ઘટનાઓ

 • રાજકોટના મેટોડામાં વીજળી પડતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની નીરજ શ્યામ યાદવ નામના યુવાનનું મોત થયું હતું.
 • પાટણમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું મોત થયું હતું
 • નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામે ખેતરમાં કામ કરી રહેલી એક પરિણીતા પર અચાનક વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
 • ભચાઉના ચોબારી ગામમાં ઘેટાં-બકરાં ચરાવતા બે યુવક પર વીજળી પડતાં તેમનાં મોત નીપજ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...