નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે ધી ગોલ્ડન ટાઇમ શો રૂમનાં શટરનાં તાળાં તોડીને ચોર ટોળકી 25 લાખની કુલ 60 ઘડિયાળો ચોરી ગઈ હતી. ઉત્તરાયણના દિવસે સવારે 7થી 7.23 સુધીમાં એટલે કે માત્ર 23 જ મિનિટમાં 7 લોકોની ચાદર ગેંગે ઘડિયાળોની ચોરી કરી હતી. ટોળકીના લોકોએ શટર પાસે ચાદરની આડશ ઊભી કરી એક તાળું તોડીને અંદર ચોરી કરવા ગયો હતો.
ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણની રજા હોવાથી ત્રીજા દિવસે એટલે કે 16 જાન્યુઆરીએ ધી ગોલ્ડન ટાઇમના કર્મચારીઓ નોકરીઅે આવ્યા ત્યારે તેમણે શટરનાં તાળાં તૂટેલાં જોયાં હતા. આથી તેમણે આ અંગે ફ્લોર મેનેજર કમલેશ રસિકભાઈ શાહને જાણ કરી હતી. કમલેશભાઈએ પોલીસને જાણ કરતાં નવરંગપુરા પોલીસ આવી પહોંચી હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
પોલીસે શોરૂમમાં જઈ તપાસ કરી તો ચોરો શટરનું તાળું તોડીને દુકાનમાંથી 25 લાખની કિંમતની 60 ઘડિયાળો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શો રૂમની અંદર-બહારના સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું હતું કે, 14 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ચોર ટોળકી દુકાન પાસે આવી હતી, તેમાંથી તેઓ શટર પાસે ચાદરની આડશ રાખી ઊભા રહ્યા હતા જ્યારે એક ચોરે અંદર જઈને 23 મિનિટમાં જ 25 લાખની કિંમતની ઘડિયાળો ચોરી લીધી હતી. આ અંગે કમલેશ શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હોવાનું ઇન્ચાર્જ પીઆઈ વી. જે. જાડેજાએ કહ્યું હતું.
એક ચાદર લઈ ઊભો રહ્યો, બીજાએ શટર તોડ્યું
ચોરી થયેલી ઘડિયાળો ઊંચી બ્રાંડની હોવાથી તેની કુલ કિંમત 25 લાખ જેટલી થાય છે. 25થી 30ની વયના જણાતા તમામે જિન્સ, સ્વેટર, ગરમ ટોપી, માસ્ક પહેર્યા હતા અને કોલેજિયન જેવી બેગ ભરાવી હતી.
SG હાઈવે પાસે પણ આ ગેંગે ચોરીઓ કરી
એસજી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોના શોરૂમ અને દુકાનોમાં આ ચાદર ગંેગનો આતંક હતો. શિયાળામાં જ ચોરી માટે નીકળતી આ ગેંગના 5થી 7 લોકો એકસાથે નીકળતા અને શોરૂમની બહાર ચાદરની આડશ કરીને ચોરી માટે ઘૂસતા હતા અને ચોરી કરી ફરાર થઈ જતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.