તસ્કર પોલીસ સકંજામાં:અમદાવાદમાં વકીલના ઘરમાંથી દાગીના તથા 20 લાખ રોકડની ચોરી કરનાર ચોર ઝડપાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
CCTVમાં ચોરી કરનાર શખ્સ કેદ થઈ ગયો - Divya Bhaskar
CCTVમાં ચોરી કરનાર શખ્સ કેદ થઈ ગયો
  • વકીલ પરિવાર સાળંગપુર દર્શન કરવા ગયો અને તસ્કરે હાથ ફેરો કરી દીધો
  • આરોપીને પોલીસે નારોલ સર્કલ પરથી 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો

અમદાવાદમાં પોલીસને ગુનેગારો ચેલેન્જ આપતા હોય એમ ગુનાખોરી વધી રહી છે. પાંચ દિવસ પહેલા જ શહેરમાં ધોળા દિવસે રૂ. 22 લાખની ચોરીની ઘટના સામે આવી હતી. પાલડી વિસ્તારમાં આવેલા અક્ષત ફ્લેટમાં વકીલના ઘરમાં તસ્કરો ત્રાટકી જમીન દસ્તાવેજ માટે રાખેલા રોકડા રૂ. 20 લાખ અને 2 લાખના દાગીનાની મળી રૂ. 22 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વકીલનો પરિવાર સાળંગપુર દર્શન કરવા ગયો હતો ત્યારે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે રૂ. 18 લાખના મુદ્દામાલ સાથે નારોલ સર્કલ પરથી આરોપીને ઝડપી પાડ્યો છે.

વકીલના ઘરમાં ચોરી કરનારો આરોપી ઝડપાયો
આરોપીને પકડ્યા બાદ પોલીસની પૂછપરછમાં વધુ 3 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પાલડી સહિત શાહઆલમમાં એક મકાનમાંથી દસ તોલા દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી હતી. વી.એસ હોસ્પિટલ પાછળના એપાર્ટમેન્ટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી તથા પાલડીમાં સુહાસીની ફ્લેટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું હતું.

ઈન્ટરલોક તોડી અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી ગયા
ઈન્ટરલોક તોડી અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી ગયા

ચોરી કરનારે નકુચાને સ્ક્રૂથી ખોલી અને ઈન્ટરલોક તોડ્યું
પાલડી વિસ્તારમાં ધરણીધર દેરાસર પાસે આવેલા અક્ષત ફ્લેટમાં શિલ્પાબેન શાહ પરિવાર સાથે રહે છે. શિલ્પાબેનના પતિ નીતિનભાઈ સિવિલ કોર્ટમાં વકીલ છે. મંગળવારે શાહ પરિવાર બોટાદ ખાતે સાળંગપુર દર્શન કરવા માટે ગયો હતો. ઘરને લોક મારી ચાવી બાજુમાં આવેલા મકાનમાં આપીને ગયા હતા. સાંજે પરિવાર પરત ઘરે આવ્યો હતો. શિલ્પાબેન બાજુમાંથી ચાવી લઈ ઘર ખોલવા ગયા ત્યારે ઘરનો દરવાજો અંદરથી ખુલ્લો હતો. નકુચાને સ્ક્રૂથી ખોલી ઈન્ટરલોક તોડી અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરની તમામ લાઈટો ચાલુ હતી. ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે પતિને જાણ કરી હતી.

કબાટના દરવાજા ખુલ્લા હતા અને ડ્રોઅર પણ પલંગ પર હતા
કબાટના દરવાજા ખુલ્લા હતા અને ડ્રોઅર પણ પલંગ પર હતા

અન્ય રૂમમાં કબાટ પણ વેરવિખેર હતા
ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. બેડરૂમમાં આવેલા કબાટના દરવાજા ખુલ્લા હતા અને ડ્રોઅર પણ પલંગ પર હતા. કબાટમાં ડ્રોઅરમાં જમીનના દસ્તાવેજ માટે મૂકેલા રોકડા રૂ. 20 લાખ ગાયબ હતા તેમજ રૂ. 2 લાખના સોના અને ચાંદીના દાગીના ગાયબ હતા. અન્ય રૂમમાં કબાટ પણ વેરવિખેર હતા. ઘટનાની જાણ પાલડી પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અજાણ્યા શખસ ઘરના નકુચાને તોડી રૂ. 22 લાખની મતાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પાલડી પોલીસે નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.