શહેરના ચંડોળા તળાવ સહિત અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં આવેલાં કુલ 37 જેટલાં તળાવોની રૂ. 4.40 કરોડના ખર્ચે સફાઈ કરવા બે વર્ષ માટે કોર્પોરેશન દ્વારા ત્રણ કંપનીને કોન્ટ્રેકટ આપવામાં આવ્યો છે. તળાવોમાં કોન્ટ્રેકટરો દ્વારા સફાઈ કરવામાં આવે છે કે નહીં અને જો સફાઈ કરી છે તો યોગ્ય રીતે થઈ છે કે નહીં એ અંગે દિવ્યભાસ્કર દ્વારા તળાવો સફાઈનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
આ રિયાલિટી ચેકમાં તળાવોની યોગ્ય સફાઈ કરવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે. સફાઈના નામે ધુપ્પલ ચલાવવામાં આવે છે. તળાવોની ન તો યોગ્ય સફાઈ ન તો ટેન્ડરની શરતો મુજબ કામગીરી થઈ છે. કોન્ટ્રેકટરોને કરોડો રૂપિયાના કોન્ટ્રેકટ સફાઈ માટે આપવામાં આવ્યા છે, પરંતુ મલેરિયા ખાતાના અધિકારીઓ ખરેખર સફાઈ થાય છે અને કચરો દૂર કરાય છે કે કેમ એ અંગે જોવા પણ ગયા નથી.
ચેનપુરમાં 3 જગ્યાએ ગેરકાયદે જોડાણથી ગંદું પાણી છોડાય છે
આ રિયાલિટી ચેક દરમિયાન અમારી ટીમ સૌથી પહેલા રાણીપના ચેનપુર તળાવ પહોંચી હતી. આ તળાવમાંથી કચરો દૂર કરવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તળાવમાં ગેરકાયદે ગટરનાં જોડાણો પણ જોવા મળ્યાં હતાં. 3 જગ્યાએ ગેરકાયદે જોડાણ કરી તળાવમાં ગંદું પાણી જતું જોવા મળતું હતું. કચરો પણ ત્યાં જ મૂકી રાખવામાં આવ્યો હતો.
તમામ તળાવની સફાઈ થઈ ગઈ છેઃ મલેરિયા ખાતાના અધિકારી
મ્યુનિસિપલ કોર્પોરેશનના મલેરિયા ખાતાના અધિકારી રાકેશ શર્માએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ તળાવની સફાઈ થઈ ગઈ છે. તળાવના મેઇન્ટેન્સની કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાંક તળાવોની યોગ્ય રીતે સફાઈ ન થયા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે અને આ બાબતે કોન્ટ્રેક્ટરોનું ધ્યાન દોરી તેમને પેનલ્ટીની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ચંડોળા તળાવનો કોન્ટ્રેક્ટ મીનાક્ષી સખી મંડળને આપ્યો છે
રૂ.4.40 કરોડના કોન્ટ્રેકટમાં શહેરના સૌથી મોટા અને ગંદકી ધરાવતા ચંડોળા તળાવને સાફ કરવા માટે સૌથી વધુ રૂ. 68.70 લાખમાં મીનાક્ષી સખી મંડળને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. ચંડોળા તળાવમાં સફાઈ જ ન થઈ હોય એવું જોવા મળ્યું હતું. ગંદકી માટે જે રીતે જોડાણો છે ત્યાં પાણી આવતું નજરે પડ્યું હતું. સૌથી વધુ ગંદકી આ તળાવમાં જોવા મળી છે, પરંતુ ત્યાં સફાઈ કરવામાં જ આવી નથી અને સફાઈ થઈ હોવાનું દર્શાવવામાં આવે છે. ચંડોળા તળાવને વિકાસ કરવા પાછળ કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને સફાઈની કામગીરી માટે હવે રૂ. 68.70 લાખ ફાળવવામાં આવ્યા છે છતાં કામગીરી થતી નથી.
રામોલ વિસ્તારમાં આવેલા તલાવડી તળાવ અને ગફુર બસ્તી પાસે આવેલા તળાવમાં પણ યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવી હતી. તળાવમાંથી જ કચરો દૂર કરવાનો હોય છે, હજી દૂર કરાયો નથી.
અધિકારીઓની કોન્ટ્રેક્ટરો સાથે મિલીભગત?
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં તળાવોનો સફાઈના કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે, જેમાં દેવ રેસિડેન્ટ વેલ્ફેર એસોસિશેયનને રૂ. 1.76 કરોડ, મીનાક્ષી દલિત સખી મંડળને ચંડોળા તળાવ માટે રૂ. 68.70 લાખનો સહિત ત્રણ કંપનીને કોન્ટ્રેકટ આપવામાં આવ્યો છે. જોકે આ કોન્ટ્રેક્ટમાં આરોગ્ય ખાતાના મલેરિયા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રેક્ટરની મિલીભગત જણાય છે. યોગ્ય સફાઈ થતી નથી અને ટેન્ડરની શરતોના પાલન વગર કામગીરી કરવામાં આવી છે ત્યારે તેને શું દંડ કરવામાં આવશે કે પછી કોન્ટ્રેકટ રદ કરવામાં આવશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.