તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેય હોસ્પિ. અગ્નિકાંડ:એક-એક શ્વાસ માટે તરફડિયા મારતા આ 8 કોરોના વોરિયર્સને તંત્રએ ICUમાં મોતને ઘાટ ઉતારી દીધા

અમદાવાદએક વર્ષ પહેલા
  • રોજના 50 હજાર જેટલો ચાર્જ ચૂકવવા છતાં આ હતભાગી દર્દીઓનો શ્રેય હોસ્પિ. જીવ તો ન જ બચાવી શકી

શ્રેય હોસ્પિટલમાં ગત મધરાત્રિએ લાગેલી આગમાં જે 8 લોકોએ જીવ ગુમાવ્યો તેઓ ખરા અર્થમાં કોરોના સામેના વોરિયર્સ હતા. પરંતુ આ એવા હતભાગી વોરિયર્સ હતા કે જેમનો જીવ હોસ્પિટલની બેદરકારીને લીધે ગયો. આ તમામ આઠ જણા ICUમાં દાખલ થવા માટે શ્રેય હોસ્પિટલને રોજના રૂમ ચાર્જિસ વત્તા દવા અને ડોક્ટર વિઝિટના મળીને રૂ. 50 હજારથી વધુ ચાર્જ ચૂકવી રહ્યા હતા. આમ છતાં તેમના સ્વજનોને તો છેવટે મૃતદેહ પણ જોવા ન મળી શક્યો. ઓળખવામાં પણ તકલીફ પડે તે હદે ભડથું થઈ ગયેલા મૃતદેહોનું સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું ત્યારે ખબર પડી કે કાર્બન મોનોક્સાઈડ શ્વાસમાં જવાને લીધે આ તમામના મૃત્યુ થયા હતા.

ટ્રસ્ટી ભરત મહંતની પૂછપરછ કરવામાં આવી
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ કેસમાં નવરંગપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે 2 ડોક્ટર અને દર્દીઓના નિવેદન લીધા છે. ટ્રસ્ટી ભરત મહંતની પૂછપરછ કરવામાં આવી છે અને FSL રિપોર્ટ બાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હોસ્પિટલની ગુનાઈત બેદરકારી બદલ જવાબદાર કોણ?
શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીએ જીવ ગુમાવ્યો તે બદલ ગુનાઈત બેદરકારી હોવાની બાબત દીવા જેવી સ્પષ્ટ છે. આમ છતાં સરકારી તંત્ર શું ગુનાઈત બેદરકારીની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહે છે. સરકારી તંત્ર પણ આ કરુણાંતિકા માટે સરખા ભાગે દોષી છે કારણ કે શ્રેય હોસ્પિટલ પાસે ફાયરનું એનઓસી જ નહોતું અને તેમ છતાં તેને ચાલવા દીધી. આટલું પૂરતું ન હોય તેમ સરકારે તેને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલનો દરજ્જો આપ્યો અને તેની સાથે 50 ટકા બેડ શેરિંગનો એમઓયુ પણ કર્યો.

4 મહિનાથી ફાયર NOC વગર ચાલતી શ્રેય હોસ્પિટલ
નવરંગપુરા વિસ્તારમાં આવેલી અને કોરોના હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે આગમાં 8 લોકોના મોત નિપજ્યાં હતાં. શ્રેય હોસ્પિટલમાં છેલ્લા 4 મહિનાથી ફાયર NOC વગર ચાલતી હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 1996માં શ્રેય હોસ્પિટલના પ્લાન પાસ થયા હતા. વર્ષ 2016માં ગેરકાયદે બાંધકામની ઈમ્પેક્ટ ફી ભરી હતી. જેથી AMCએ 20 વર્ષ સુધી વધારાનું ગેરકાયદે બાંધકામ ચાલુ રાખવા દીધુ હતું અને તેની સામે પગલાં લીધાં ન હતા. આ બાબતો પરથી સ્પષ્ટ જણાય છે કે AMCના અધિકારીઓ અને શ્રેય હોસ્પિટલની મિલીભગત હતી. કોરોના કાળમાં MOU કર્યા ત્યારે AMCએ ફાયર NOC છે તેમજ હોસ્પિટલ સંપૂર્ણ કાયદેસર છે કે કેમ તેની ચકાસણી કેમ ન કરી તેના પર સવાલ છે.

મૃતકોને 21 લાખની સહાય જાહેર કરવી જોઈએ
વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે શ્રેય હોસ્પિટલ ચાર મહિનાથી NOC વગર ચાલતી હતી. અમદાવાદમાં આવી સેંકડો હોસ્પિટલ ફાયર NOC વગર ચાલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજદિન સુધી ફાયરના એકપણ ઓફિસરની સામે જવાબદારી બદલ પગલાં નથી લેવાયા. ઘટનામાં શ્રેય હોસ્પિટલના સંચાલકોની સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબદાર છે જેથી તેમની સામે પણ ગુનો નોંધાવો જોઈએ અને મૃતકોને 21 લાખની સહાય જાહેર કરવી જોઈએ.

ખેરાલુના જ્યોતિબેનને રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ ICUમાં રાખ્યા હતા
શ્રેય હોસ્પિટલની આગે ખેરાલુના જ્યોતિબેન સિંધીને પણ ભરખી લીધા છે. ત્યારે તેમના પરિવારજનોમાં રોષ છે. મૃતક જ્યોતિબેનના નણંદે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, હોસ્પિટલને જોઈએ ત્યારે પૈસા અમે આપ્યા હતા. 3 લાખ રૂપિયા હોસ્પિટલમાં આપ્યા છે છતાં કોઈ સેફ્ટી નથી. પૈસા માટે તેઓ ફોન કરી શકે છે પરંતુ આવી ઘટના બાબતે તેઓ અમને કોઈ જાણ નથી કરી શકતા. તેઓનો કોરોના રિપોર્ટ બે દિવસ પહેલા નેગેટિવ આવ્યો હતો. છતાં તેઓને ICUમાં રાખ્યા હતા અને વોર્ડમાં શિફ્ટ કરવાનું કહેતા હતા પરંતુ શિફ્ટ કર્યા ન હતા અને બનેલી ઘટનામાં તેઓનું મોત નીપજ્યું છે.

ધોળકાના પિતા-પુત્ર 10 દિવસથી શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં
શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં એક જ પરિવારના પિતા-પુત્ર જેમને કોરોના પોઝિટિવ હતો તેમને પણ જીવ ગુમાવ્યો છે. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા 10 દિવસથી કોરોના પોઝિટિવ આવતા શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં ત્યારે અચાનક જ આગ લાગતા દાખલ પિતા-પુત્રનું મોત થયું છે.

મૃતક મનુભાઈને આજે રજા આપવાના હતા
મેમનગરના મનુભાઈ રામીની ઉમર 83 વર્ષ હતી. તેઓ મેડિકલ એસોશિએશનમાં હતા. મનુભાઈને પહેલા સાલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી અને બે દિવસ પહેલાં જ તેમને શ્રેય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મનુભાઈની તબિયતમાં સુધારો થતાં આજે રજા આપવાના હતા.

મૃતક આરીફ મન્સૂરીને આજે જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના હતા
વેજલપુરલના આરીફ મન્સૂરી ઘણા સમયથી કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા. આજે(ગુરુવારે) જ તેમને ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના હતા. તેમના મિત્ર સબીર હુસેન લૂહાર અને ભાઈ સીરાઝ મન્સૂરી જણાવે છેકે, રાત્રે 3 વાગ્યે આગ લાગી અને સવારે મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ. આ ગોઝારો ગુરુવાર ક્યારેય નહીં ભૂલી શકાય.

મૃતક લીલાવતીબેન 11 દિવસથી ICUમાં દાખલ હતા
મૃતક લીલાવતીબેન શાહનો 12 દિવસ પહેલાં જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર માટે SMS હોસ્પિટલ બાદ શ્રેય હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. 11 દિવસથી તેઓ ICUમાં સારવાર લઇ રહ્યાં હતાં. મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યાની આસપાસ વીડિયોકોલ પર લીલાવતીબેને પુત્ર રાજુભાઈ સાથે વાત કરી હતી અને મારે ઘરે આવવું છે, ક્યારે આવવાનું છે ? તેમ પુછ્યું હતું, ત્યારે પુત્રએ કહ્યું હતું કે, કાલે તમને પહેલાં માળે વોર્ડમાં શિફ્ટ કરશે અને પછી રજા આપવામાં આવશે. પરંતુ રાતે જ આવી ઘટના બની હતી અને કમનસીબે તેમનું મૃત્યુ થયું હતું.

ફાયર વિભાગ દ્વારા આપેલી મૃતકોના નામ અને ઉંમરની યાદી

નામઉંમર
આરિફ મંસૂરી42
નવનીત શાહ80
લીલાબેન શાહ72
નરેન્દ્ર શાહ61
અરવિંદ ભાવસાર78
જ્યોતિ સિંધી55
મનુભાઈ રામી82
આયેશાબેન તિરમીઝી51
અન્ય સમાચારો પણ છે...