AAP ભારે પડી શકે છે!:ભાજપ-કોંગ્રેસ માટે પડકારરૂપ બની શકે છે 'આપ’ના આ 10 ઉમેદવાર, 4 બેઠક પર હાલના MLA 900થી 2200 મતથી જ જીત્યા

અમદાવાદ11 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP)એ 10 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાંથી 4 બેઠક એવી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો 5 હજારથી વધુ મતથી જીતી શક્યા નથી. એમાં પણ ખાસ કરીને દિયોદર, છોટાઉદેપુર, ગારિયાધાર અને રાજકોટ ગ્રામ્યમાં પાંચ હજાર કરતાં ઓછા મતથી જીત્યા છે. એ ઉપરાંત એકમાત્ર નરોડા બેઠક એવી છે, જ્યાં માત્ર 60 હજારથી વધુ મતે ભાજપની જીત થઈ છે. હવે આ 10 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને માટે AAPની 10 બેઠકના ઉમેદવારો પડકારરૂપ બની શકે છે.

આ બેઠકો પર 2017માં ભારે રસાકસી જોવા મળી હતી
બીજી તરફ જોઈએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની નરોડા બેઠક પર ભાજપના બલરામ થાવાણીએ 60,142 મતથી જીત મેળવી હતી. રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ગોવિંદભાઇ પટેલ 47,121 મતથી વિજયી થયા હતા, જ્યારે બારડોલી બેઠક પર ભાજપના ઈશ્વરભાઈ પરમાર 34,854 મતથી જીત્યા હતા. કામરેજ ભાજપના વી.ડી. ઝાલાવડિયાનો 28191 મતથી વિજય થયો હતો. બેચરાજી બેઠક પર કોંગ્રેસના ભરત ઠાકોરે ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને 15811 મતથી હરાવ્યા હતા. એકમાત્ર દિયોદર બેઠક એવી છે, જ્યાં 2017ની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અંતે કોંગ્રેસના શિવાભાઈ ભૂરિયાએ ભાજપના ઉમેદવારને માત્ર 972 મતથી પરાજય આપ્યો હતો.

ચાર મહિના પહેલાં જ 10 બેઠક પર ઉમેદવારોની જાહેરાત
આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલાં જ 10 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં કોંગ્રેસમાંથી આવેલા વશરામ સાગઠિયા અને ઓમપ્રકાશ તિવારી સહિત 2012માં AAPમાંથી ચૂંટણી લડેલા જગમાલ વાળા, 2017માં ચૂંટણી લડેલા અર્જુન રાઠવા, રામ ધડૂકને ફરીવાર ટિકિટ આપી છે.

બીજું લિસ્ટ પણ જલદી જાહેર કરવામાં આવશે
AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્ટ જાહેર થયું એમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ જલદી જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે
તેમણે વધુમાં કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે, તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલું લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.

આગામી સમયમાં નક્કી થશે BTP અને AAP વચ્ચે બેઠકની ફાળવણી
તેમણે આગળ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે. આજે દસ જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી છે, ત્યાર બાદ ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. AAP અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી AAP અને કઈ સીટ પર BTP લડશે એ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...