રાજ્યની મેટ્રો કોર્ટમાં 10 અને સેશન્સ કોર્ટમાં 3 ધારાશાસ્ત્રીની ભરતી કરવામાં આવશે. રાજ્યની સોથી મોટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં લીગલ સર્વિસ કમિટી દ્વારા 10 આસિસ્ટન્ટ લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલની જગ્યા ભરવામાં આવશે તેમ જ સેશન્સ કોર્ટમાં ત્રણ લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલની જગ્યા ભરવામાં આવશે, જેના કારણે વકીલો ફોર્મ ભરવા માટે ઊમટી પડ્યા છે. આ જગ્યાઓ માટે 24 માર્ચે સાંજે 6 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો અનુસાર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ્સ ખાતે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલની ઓફિસ શરૂ કરવામાં આવશે. મેટ્રો કોર્ટમાં કાર્યરત કાનૂની સેવા સમિતિ પૂર્ણકાલીન સચિવ તરીકે પી.વી.ભટ્ટ ફરજ બજાવે છે.
જે ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવશે તેમણે લીગલ એઇડમાં આરોપીઓ તરફે વકીલાત કરવાની રહેશે. લીગલ એઇડમાં મોટા ભાગે લગ્ન સંબંધી, ચેક રિટર્નના તકરાર સહિતના કેસો હોય છે. 42 મેટ્રો કોર્ટમાં અંદાજે 3.50 લાખ કેસો પડતર છે. આ પડતર કેસોના નિકાલ માટે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતોનું આયોજન કરીને કેસ નિકાલ કરવાનું પણ કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.