નાયબ મુખ્યમંત્રીની સ્પષ્ટ વાત:વેપારીઓ માટે વેક્સિન લેવાનો કોઈ અલગ દિવસ રહેશે નહીં, વેક્સિન ન લેનારા અંગે હવે પછી નિર્ણય લઈશું

અમદાવાદએક વર્ષ પહેલા
પત્ની સાથે નીતિનભાઈ પટેલ
  • નીતિનભાઈ પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ મેળવી રાજ્યના નાગરિકોને સલામતીનો સંદેશ આપ્યો હતો. તેઓએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં દરરોજ 6 લાખ થી વધુ વ્યક્તિઓ કોરોના રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં વેપારીઓને વેક્સિન લેવાની સમય મર્યાદા પૂર્ણ થવા અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, વેપારીઓ માટે કોઈ અન્ય વર્ગને વેક્સિન લેવા માટે જુદો દિવસ એવું કરવામાં આવશે નહીં. કોઈ બહાનું કાઢીને વેક્સિન ન લે તે ચલાવી લેવાશે નહીં. બાકી રહેલાઓને કેવી રીતે વેક્સિન લેવડાવવી તે અંગે નિર્ણય કરીશું. ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટ વેપારીઓ માટે વેક્સિન લેવાનો છેલ્લો દિવસ હતો.

વેપારીઓ માટે વેક્સિનનો કોઈ ખાસ દિવસ રખાશે નહીં
નીતિનભાઈએ આગળ કહ્યું કે, વેપારીઓ બાકી રહ્યા છે એવી ગણના સરકારે કરી નથી. વેપારીઓ માટે વેપારી એસોસિયેશનની લાગણી ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ બેવાર મુદ્દત વધારી આપી હતી. બે દિવસ ખાસ વેપારીઓ અને તેમના સ્ટાફ માટે ફાળવ્યા હતા, એટલે વેપારીઓની સંખ્યા વધુ રહી હોય એવું હું માનતો નથી. છતાં પણ જે કોઈ વેપારી બાકી રહી ગયા હોય તે આજે અને કાલે વેક્સિન લઈ શકે છે. હવે વેપારીઓ માટે કે કોઈ અન્ય વર્ગને વેક્સિન લેવા માટે જુદો દિવસ એવું કરવામાં આવશે નહીં.

બધાને વેક્સિન લેવી જરૂરી છે
નીતિનભાઈએ વધુમાં ઉમેર્યું કે, જો આટલા બધા માર્ગદર્શન આપ્યા પછી થોડા ઘણાં લોકો કોઈપણ કારણસર વેક્સિન લેવા ન માગતા હોય અથવા વેક્સિન લેવાને લઈ ગેરમાર્ગે દોરાયેલા હોય તો સરકારનો કોઈ વાંક નથી, વાંક એવી વ્યક્તિઓનો છે જે વેક્સિન લેતા નથી. એટલે કોઈ બહાનું કાઢીને વેક્સિન ન લે તે ચલાવી લેવાશે નહીં. બધાને વેક્સિન લેવી જરૂરી છે, પોતે પણ સલામત રહે અને બીજા પણ સલામતી થાય એવો આપણો હેતુ છે. મેં વેક્સિન લીધી એટલે મારી અને મને મળતા રહેતા લોકોની પણ સલામતી વધે છે. છેલ્લા તબક્કામાં બાકી રહી ગયેલા લોકોને કેવી રીતે વેક્સિન લેવડાવવી તે અંગે નિર્ણય કરીશું.

હાલ 13 લાખ જેટલા કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ
કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કોરોના રસીકરણના માટેના વધુમાં વધુ જથ્થો ગુજરાત રાજ્યને પુરતો પાડીને રાજ્યના કોરોના રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાનો પણ આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો. હાલ આરોગ્ય વિભાગ પાસે 13 લાખ જેટલા કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, આજે પણ 6 લાખ જેટલા નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે.તેઓએ નાગિરકોને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઇને જલ્દીથી વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી.

રાજ્યમાં 60%ને પહેલો ડોઝ, 20%ને બન્ને ડોઝ અપાયા
ગુજરાતે 15મી ઓગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિને કોરોના વેક્સિનેશનના 4 કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી છે. અત્યાર સુધીમાં 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 80 ટકા લોકોનું રસીકરણ થયું છે. જેમાં 60%ને પહેલો ડોઝ, 20%ને બન્ને ડોઝ અપાયા છે.

રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લોકોને પ્રથમ ડોઝ અને 97 લાખ 38 હજાર 764 લોકોને બીજો ડોઝ એમ કુલ 4 કરોડ 1 લાખ 61 હજાર 708 ડોઝ દ્વારા લોકોનું વેક્સિનેશન થયું છે.

6.23 લાખ હેલ્થકેર વર્કરને પ્રથમ, 5.21 લાખને બીજો ડોઝસમગ્ર રાજ્યમાં 16 જાન્યુઆરી-2021થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ 6.23 લાખ હેલ્થકેર વર્કરને પ્રથમ ડોઝ તેમજ 5.21 લાખ હેલ્થકેર વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

13.43 લાખ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ તો 10.56 લાખને બીજો ડોઝ આપ્યો
31મી જાન્યુઆરી-2021થી ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 13.43 લાખ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા 10.56 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

45થી વધુ ઉંમર ધરાવતા કુલ 1.35 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપ્યો
ત્યારબાદ 1લી માર્ચ-2021ના રોજથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા 45 થી 59 વર્ષના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલ-2021ના રોજથી 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-19ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 45થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ 1.35 કરોડ લોકોને પ્રથમ ડોઝ તેમજ 71.17 લાખ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યા છે.

3 કરોડ 3 લાખ 22 હજાર 944 લોકોને પ્રથમ ડોઝ
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ 1મે-2021ના રોજથી 7 કોર્પોરેશન તથા 3 જિલ્લામાં 18-44 વર્ષ વય જૂથ માટે રસીકરણની કામગીરી અને 4 જૂન-2021થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જૂથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં આ વય જૂથના 1.48 કરોડ પ્રથમ ડોઝ અને 10.43 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આમ, 15 ઓગસ્ટ 2021 સુધીમાં રાજ્યમાં તમામ જૂથોના 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લોકોને પ્રથમ ડોઝ તથા 97 લાખ 38 હજાર 764 લોકોને બીજો ડોઝ મળી કુલ 4 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.