ગુજરાત સરકારનું નવું ગતકડું:કાયમી ભરતી ન કરવી પડે એટલે હવે 10,000 પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવા શિક્ષણમંત્રીની જાહેરાત

અમદાવાદ5 મહિનો પહેલા
જીતુ વાઘાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
જીતુ વાઘાણીની ફાઈલ તસવીર
  • શાળાઓની ખાલી જગ્યાને લઈને શિક્ષણ અટકે નહીં તે માટે તાત્કાલિક પ્રવાસી શિક્ષકો નિયુક્ત કરાશે

કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થયા બાદ રાજ્ય સરકારે સોમવારથી તમામ સ્કૂલ-કોલેજમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ ઓફલાઈન શરૂ કરવાના નિર્ણય કર્યો છે. જોકે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષકોની નિયુક્તિ માટે રૂ.10.50 કરોડની જોગવાઈ કરાઈ
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે. તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.10.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સોમવારથી રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ શરૂ
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસોમાં ઘટાડા બાદ ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. બે દિવસ પહેલા ગુરુવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આગામી સોમવારથી શાળા-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરી હતી.

3-4 હજાર શિક્ષકો બે દિવસ અગાઉ છૂટા કરાયા
ગત ગુરુવારે જ શિક્ષણમંત્રીએ પ્રસે કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ 10 ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી. તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. આ નિર્ણયથી લગભગ 3-4 હજાર શિક્ષકો છૂટા થઈ જશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.

10 વર્ષ બાદ શિક્ષકોના બદલી-બઢતીના નિયમોમાં ફેરફાર થયા
રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોના નિયમો શિક્ષણ વિભાગે રાજ્યના શિક્ષકોના સંગઠન સાથે બેઠક યોજી હતી. જે બાદ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના આ નિર્ણય સીધી રીતે રાજ્યના 2 લાખ શિક્ષકોને અસર થશે.

અન્ય સમાચારો પણ છે...