કોરોના માટે નવી ગાઇડલાઇન:હવેથી લગ્ન પ્રસંગમાં 200 વ્યક્તિની છૂટ, ચારેય મહાનગરોમાં કર્ફ્યૂ રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી યથાવત્ રહેશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં લગ્ન પ્રસંગમાં 100ને બદલે 200 વ્યક્તિને છૂટ આપવામાં આવી છે
  • લગ્નમાં ફરજિયાત માસ્ક, સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે

ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ કાબૂમાં છે અને રિકવરી રેટ લગભગ 97 ટકા આસપાસ છે. તેવા સમયે ગુજરાત સરકારે ચાર મહાનગરોના લોકોને વધુ રાહત આપતો નિર્ણય કરીને પહેલી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીના સમય દરમિયાન રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધીનો કર્યો છે. આમ, રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધુ એક કલાકનો ઘટાડો થયો છે. ગઇ 15 જાન્યુઆરીથી આ ગાળો આઠ કલાકનો કરાયો હતો તે હવે સાત કલાકનો રહ્યો છે. 15 ફેબ્રુઆરી બાદ જો કોરોના સંક્રમણની સ્થિતિ વધુ કાબૂમાં રહેશે તો પુનઃ સમીક્ષા કરીને કર્ફ્યૂ હટાવવા કે તેમાં વધુ ઘટાડો કરવાનો નિર્ણય લેવાઇ શકે છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ હુકમ શનિવારે બહાર પાડ્યો છે.

લગ્ન પ્રસંગમાં 100ને બદલે 200 વ્યક્તિને છૂટ આપવામાં આવી છે.
લગ્ન પ્રસંગમાં 100ને બદલે 200 વ્યક્તિને છૂટ આપવામાં આવી છે.

અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, આ ઉપરાંત આ ફેબ્રુઆરી મહિનામાં લગ્ન અને અન્ય પ્રસંગો યોજનારા પરિવારો માટે હાશકારો થાય તેવા સમાચાર પણ છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સામાજિક કે ધાર્મિક સમારોહ જો ખુલ્લા સ્થળોમાં, પાર્ટીપ્લોટ કે કોમન પ્લોટ જેવા સ્થળોએ યોજાવાના હોય તો તેમાં વ્યક્તિ મર્યાદા રહેશે નહીં. જ્યારે બંધ સ્થળો જેવા કે હોલ, બેન્ક્વેટ કે હોટેલ, ઘર કે અન્ય કોઇ ખાનગી કે જાહેર મકાન અથવા જ્ઞાતિની વાડીઓમાં સમારોહ યોજવો હોય તો તે સ્થળની કુલ વ્યક્તિ ક્ષમતાના પચાસ ટકા પણ સંખ્યાની દૃષ્ટિએ 200થી વધુ નહીં તેટલાં લોકો ભાગ લઇ શકશે.

હોલ–હોટલ-બેન્ક્વેટ હોલમાં 50 ટકાની કેપેસિટીની મર્યાદા: પંકજકુમાર
ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, ગુજરાતમાં તો રાજ્ય સરકારનાં સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોની સક્રિય અને સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ 93.94 ટકા સુધી લઇ જવામાં સફળતા મળી છે, જેથી હવે કેટલાક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. જો કે આ દરમિયાન કોઇપણ વ્યક્તિએ મોં અને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આયોજકે અને યજમાને સમારોહના સ્થળ પર સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતેની વ્યવસ્થા કરવાની રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સમારોહ સ્થળે ખુરશીઓ વચ્ચે અંતર તથા લોકોને ઊભા રહેવા માટે ફ્લોર માર્કિંગ પણ કરવાનું રહેશે. સમારોહમાં આવેલી કોઇપણ વ્યક્તિએ પાન-મસાલા ખાઇને પિચકારી મારવી નહીં. જો આમાંથી કોઇપણ વાતનો ભંગ થશે તો જે-તે વ્યક્તિ અને આયોજકને દંડ થશે. આ આયોજન માટે યજમાને www.digitalgujarat.gov.in પોર્ટલ પર Online Registration for Organizing Marriage Function નામના Software પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

કોરોના કહેરને કારણે લગ્ન સમારંભની સંખ્યા ઘટી ગઈ.
કોરોના કહેરને કારણે લગ્ન સમારંભની સંખ્યા ઘટી ગઈ.

ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ 27 જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. પંકજકુમારે કહ્યું હતું કે કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયની તમામ જગ્યાઓએ આ બાબત લાગુ પડશે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો, યાત્રા કે પર્યટન ધામો, હોટેલ રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, થિયેટર્સ, એક્ઝિબિશન હોલ, સ્વિમિંગપુલ અને જિમનેશિયમ અને અન્ય સ્થળોએ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને અનુરૂપ જ ગુજરાત સરકારની માર્ગદર્શિકા રહેશે અને તે નિયમ મુજબ દરેક નાગરિક આ સુવિધાઓનો ઉપયોગ કરશે.

15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.
15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.

તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્યનાં ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તણૂકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે એ સુનિશ્ચિત કરવાનાં તમામ પગલાં લેવાનાં રહેશે. નેશનલ ડાયરેક્ટિવ્ઝ ફોર કોવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.